Only Gujarat

Religion

વૃષભનું વાર્ષિક રાશિફળ: પોતાનું મકાન થઇ શકે, નાણાંકીય બાબતે જરા પણ ગભરાવાની જરૂર નથી

વર્ષના પ્રારંભમાં મકર રાશિમાંથી પસાર થતો ગુરુ આપને ઘણી મહેનત પછી રાહતનો અનુભવ કરાવે, જે આપના ભાગ્ય સ્થાનેથી પસાર થતો હોઈ આપના ધાર્યા કર્યો સફળ કરાવે. વર્ષના પ્રારંભથી જ શનિ મહારાજ આપના નવમા સ્થાન એટલે કે ભાગ્ય સ્થાનેથી પસાર થશે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી જેની આપ પ્રતિક્ષા કરો છો, તેને પ્રાપ્ત કરવાનો અવસર આપને મળી રહેશે. આપની સ્વરાશિથી જ પસાર થતો રાહુ આપના માટે જુદા જુદા ક્ષેત્રમાંથી લાભ આપવાવાળો બને. આપને સ્વાસ્થ્યમાં રાહુ ખૂબ મદદ કરી શકે.

મનમાં કારણ વગરની ચિંતા અને ઉચાટ રહ્યા કરે. આ વર્ષ દરમ્યાન આપે નાણાંકીય બાબતે જરા પણ ગભરાવાની જરૂર નથી. ભાગ્યનો સાથ જરૂર મળશે. આપને તમામ ક્ષેત્રોમાંથી આર્થિક લાભ થઇ શકશે. જો આપ અવિવાહિત હો તો વર્ષના પ્રારંભે આપના માટે સારા સમાચાર આવી શકે છે અને વર્ષના અંત ભાગ સુધીમાં લગ્નનો પણ પૂર્ણ યોગ બને છે. દાંપત્યજીવનમાં આપ જેટલી મધુરતા લાવશો એટલો આપને લાભ થઇ શકે છે. પત્નીને વધારે દુ:ખી કરશો તો આપને ધનહાનિ થઇ શકે છે અને તેની અસર આપના ભાગ્ય પર પણ થઇ શકે છે.

આપની તંદુરસ્તી સારી રહે, પરંતુ ચરબીમાં ભરાવો થઇ શકે છે. વાઇરલ ઇન્ફેકશનની સમસ્યા પણ થઇ શકે છે. કોઈ મોટા ઓપરેશન કે મોટી માંદગીના યોગ નથી, પરંતુ સાચવવું ખૂબ જરૂરી બનશે. આ વર્ષે પ્રવાસ બની શકે ત્યાં સુધી ટાળવાનો પ્રયત્ન કરવો. આ વર્ષે આપને ઇચ્છિત સંતાનપ્રાપ્તિ થઇ શકે છે. સ્નાતક કક્ષાએ જો આપ અભ્યાસ કરતાં હો તો કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખશો. નોકરી કે વ્યવસાયના પ્રશ્નોમાં ખૂબ ગૂંચવાયેલા રહો, જેના કારણે આપને નોકરી અને ધંધામાં મુશ્કેલી જણાય. જો જૂનો વ્યવસાય આપને ફાયદો ન કરાવતો હોય તો નવો વ્યવસાય શરૂ કરવો. બોસ સાથેના વિવાદો ભારે પડી શકે તેમ હોવાથી તેનાથી બચવું. ખેતીની આવકથી પરિસ્થિતિમાં સુધારો આવે.

સ્થાવર મિલકતમાં લાભ થતો જણાય. આપની અગાઉ લીધેલી જમીનથી લાભ મળી શકે છે. વાહન લેવાના વિચાર અંગે સમજીને નિર્ણય લેવો. જો ભાડાના મકાનમાં રહેતા હો, તો આ વર્ષે પોતાનું મકાન થઇ શકે. કોઈ પણ રોકાણ આપના માટે નુકસાનકારક નથી, પરંતુ સમજી-વિચારીને કરેલું રોકાણ આપને ભવિષ્યમાં ફાયદો કરાવી શકશે. શત્રુઓની બાબતમાં સાવધાની સૂચક બની શકે છે. કોઈ પણ સંબંધોમાં ઉતાવળ ન કરવી. કોઈ વ્યક્તિ સાથે અણબનાવ કે ઝઘડો થાય તો સમાધાન તરફ આગળ વધવું. જુના કોઈ પણ કેસમાં આ વર્ષ દરમ્યાન નિર્ણય તમારા પક્ષમાં ન પણ આવી શકે અથવા વધારે મુદતો પછી સમાધાનની પ્રક્રિયા હાથ ધરવી પડે.

વર્ષ દરમ્યાન આપના પ્રેમ સંબંધોમાં વધારે પડતો ઉત્સાહ જોવા મળે. પ્રેમીના વિચારોને કારણે આપ સુંદર કવિતાઓનું નિર્માણ કરી શકો છો. કારકિર્દી વિદેશમાં બનાવવા માંગતા હો, તો આ વર્ષ આપના માટે લાભદાયી બની શકે. જો આપ વિદ્યાર્થી હો તો આપ કારકિર્દી માટે પરદેશની સંસ્થામાં વિદ્યાભ્યાસની તક મેળવી શકો. મહિલાઓને લગ્નજીવનમાં શક્ય હોય તેટલું જતું કરવા દેવાનો ભાવ આપના સંબંધોને બચાવવામાં ઉપયોગી બનશે.

વૃષભ રાશિના મિત્રોએ સમસ્યાનું નિવારણ લાવવા માટે સોમવારના દિવસે સવારે સ્નાન ઈત્યાદિથી સંપન્ન કરી લાલ આસન પર પૂર્વ દિશામાં પોતાનું મોં રહે તેવી રીતે બેસવું. તે પછી ||ઓમ સોમેશ્વરાય નમઃ|| મંત્રની 11 માળા રોજ કરવી તેમ જ લાલ ફૂલોથી તથા ભસ્મથી ભગવાન શિવનું પૂજન કરવું.

You cannot copy content of this page