Only Gujarat

Religion

કુંભનું વાર્ષિક રાશિફળ: અણધાર્યા ખર્ચા આવી શકે, ફેફસાં સંબંધિત બીમારી પજવી શકે છે

ગુરુ મહરાજ વર્ષના પ્રારંભથી મકર રાશિમાંથી બારમા ભાવે પસાર થાય છે. વર્ષના મધ્યમાં ગુરુ આપની રાશિમાં ભ્રમણ કરી પુનઃ મકર રાશિમાં જ પસાર થશે. જેના કારણે કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદમાં ન ઉતરવું. દાંપત્યજીવનમાં કોઈ પણ પ્રકારના કલેશ ન કરવો. વર્ષના પ્રારંભથી જ શનિની પનોતીનો પ્રથમ તબક્કો આપને કાયદાકીય રીતે વધુ પરેશાન કરી શકે છે. આપના અત્યાર સુધીના કર્મો આપને મદદ કરતા હોય એવું આપને લાગ્યા કરે. રાહુના સ્થાનેથી જોતા વૃષભ રાશિનો ચોથે રહેલો રાહુ અને દસમાં ભાવે વૃશ્ચિકનો કેતુ આપને મકાનનું પૂર્ણ સુખ આપે. આ વર્ષ દરમ્યાન આપના પિતાજી સાથે સામાન્ય મતભેદ રહ્યા કરે. આપને પૈતૃકસુખ આ વર્ષ દરમ્યાન પૂર્ણ રીતે મળી રહે.

વર્ષના પ્રારંભથી એપ્રિલ, 2021 સુધી ગુરુનું બારમા સ્થાને રહેવું આપની મનોવ્યથાને ઠેસ પહોંચાડી શકે છે. જીવનમાં આપને ખૂબ કષ્ટ પડે છે તેવી અનુભૂતિ થાય, પરંતુ સમય જતા દરેક બાબત આપના પક્ષમાં આવે. અણધાર્યા ખર્ચા આવી શકે છે. ગમે તેટલી મહેનત કરી પૈસા ભેગા કર્યા હશે તો પણ અંતે આપના હાથમાં કંઈ નહીં આવ્યું હોય તેવું લાગશે. પોતે કરેલી મજૂરી વ્યર્થ થતી હોય તેવું લાગશે. ઉતાર-ચઢાવ અનુભવાશે.

આપના પરિવારમાં કોઈ પણ શુભ પ્રસંગ બનતા લગ્નજીવનમાં પ્રેમનો સંચાર થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ આ વર્ષ દરમ્યાન મેળવવો ખૂબ જરૂરી બને. દાંપત્યજીવનમાં જતું કરવાના સ્વભાવને કારણે આપના થકી સંબંધો વધુ આગળ વધારી શકાય. આરોગ્યની દૃષ્ટીએ આવનારું વર્ષ મુશ્કેલી ભર્યું રહી શકે છે. નાની-મોટી તકલીફોને કારણે આપને સામાન્ય તકલીફોનો સામનો કરવો પડે. જો આપની ઉંમર વધારે હોય તો ડોક્ટર પાસે નિયમિત તપાસ કરાવતા રહેવું પડશે. આપને ફેફસાં સંબંધિત બીમારીઓ પજવી શકે છે. વાયુ તેમજ પાચનક્રિયાના રોગો આપની મુશ્કેલી વધારી શકે.

સંતાનોના પ્રશ્ને આ વર્ષ મિશ્ર ફળદાયી રહી શકે છે. જો જીવનમાં કસુવાવડનો સામનો કર્યો હશે તો ભગવાન નારાયણની કૃપા આ વર્ષે જરૂરથી બનશે. સંતાનસુખ આ વર્ષે આપને મળી શકે છે. આપ મરજી પ્રમાણે નોકરી નહીં કરી શકો. ઉપરી અધિકારીઓની જોહુકમીને કારણે આપનું મન સ્થિર ન રહે. આપના ધંધા સંબંધિત વ્યવહારો નિષ્ઠા પૂર્વક પૂર્ણ કરી શકો છો. ધંધો સારો થવાથી આવક વધશેય. ખેડૂત વર્ગને આવનારું વર્ષ લાભદાયી નીવડે તેમ છે.

આ વર્ષે મોટા પાયે સંપત્તિમાં ફેરફાર આવી શકે છે. જો આપને એકાએક નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થાય તો આપે વસાવેલ પ્લોટ કે ફ્લેટ વેચવા પડી શકે. એકંદરે આપની ચલ-અચલ સંપત્તિમાં ફેરફાર અને વૃદ્ધિ થઈ શકે છે. આ વર્ષ દરમ્યાન નવા વાહનના યોગ પણ બને. શનિના ગોચર ભ્રમણને કારણે શત્રુઓમાં ચોક્કસ વધારો થશે. પ્રેમ સંબંધોમાં મુકેલો વધુ પડતો આત્મવિશ્વાસ વ્યક્તિગત જીવનને કલંકિત કરી શકે છે માટે કોઈ પણ પગલું ભરતા પેહલા સો વખત વિચાર કરવો. આવનારા સમયમાં વિદેશ જવા માટેની પૂર્ણ તકો મળશે.

કુંભ રાશિના જાતકોને પોતાના જીવનમાં ઉન્નતિ મેળવવા, પ્રગતિ કરવા માટે દર શુક્રવારે સાંજે સુંદરકાંડનો પાઠ કરવો તેમજ શનિવારે સાંજે 108 હનુમાન ચાલીસાના પાઠ કરવા. સાથે એક કપૂરી પાન લેવું અને એક પાનમાં સાત લવિંગ, કપૂર, સિંદુર, સોપારી ભેગા કરી શનિવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠમાં પ્રત્યેક ચોપાઈ એ આહુતિ આપવી અને તેની ભસ્મનું નિત્ય તિલક કરી દિવસનો પ્રારંભ કરવો.

You cannot copy content of this page