Only Gujarat

Religion

કન્યાનું વાર્ષિક રાશિફળ: બી.પી., ડાયાબિટીસ જેવી તકલીફો આવી શકે, ધંધા માટે કસોટીભર્યો સમય આવશે

વર્ષના પ્રારંભે ગુરુ ધન રાશિમાં ચોથા ભાવથી આગળ વધશે અને વર્ષના અંતમાં પાંચમા ભાવમાં એટલે કે મકર રાશિ સાથે રહેશે. ગુરુનું આ ભ્રમણ આપની રાશિની કેટલીક પરિસ્થિતિઓમાં અસરકારક બદલાવ લાવે. એપ્રિલ માસ સુધી આપને ઘણી ચિંતાઓ કરાવે. શનિ આપના પાંચમા સ્થાનેથી ભ્રમણ કરશે એટલે આપના જીવનમાં અણધાર્યા લાભ આપને થઇ શકે. શનિ આપને નવા કાર્યોની શરૂઆતમાં મદદ કરી શકે છે. આ વર્ષ દરમ્યાન પૈસાનો થતો ખોટો વ્યય પણ અટકી શકે છે. વર્ષના પ્રારંભથી જ નવમા ભાવે વૃષભ રાશિમાં રહેલ રાહુ ત્યાં જ રહેશે જેના કારણે આપને લાભ થઇ શકે. ભાગ્યમાં જો કોઈ રુકાવટ આવતી હોય તો રાહુ આપને જરૂર મદદ કરશે.

વર્ષ દરમ્યાન પ્રભુકૃપાથી આપની માનસિક સ્થિતિ સારી રહેશે. આ વર્ષ દરમ્યાન આપે જે વિચાર્યું છે તેને પૂરું કરવા માટે આપ બધી શક્તિઓનો પ્રયોગ કરી શકો છો અને એમાં સફળતા પણ અચૂક મળશે. વર્ષ દરમ્યાન આપની મહેનતનું પૂર્ણ ફળ મળતું જણાય. જે કોઈ નાણાંનું આયોજન આપે કર્યું છે તેમાં આપને લાભ થાય. વર્ષના મધ્ય ભાગમાં વિચાર્યું પણ ન હોય તે રીતે ધનનો વ્યય હાનિકારક સાબિત થઇ શકે છે.

આપના વૈવાહિક જીવનમાં નવી ચેતનાઓનો સંચાર થશે. બની શકે છે કે વર્ષના પ્રારંભિક મહિનાઓમાં લગ્ન જીવનમાં ખટરાગ હોય, પરંતુ જેમ જેમ વર્ષ પસાર થશે તેમ સંબંધોમાં વધુ રંગ જામતો જણાશે. આપ લગ્ન જીવનથી પરેશાન હો અને કોઈ બદલાવ ઈચ્છો તો નિર્ણય લઇ શકો છો. વર્ષ દરમ્યાન આપનું આરોગ્ય આપને સાથ આપશે. આપના શરીર માટે ઘણા નાણાંનો વ્યય કરી શકો છો. ખાસ કરી ને ચામડી તેમ જ પીઠ સંબંધિત સમસ્યાઓ આપનો પીછો નહીં છોડે. સ્વાસ્થ્યની બાબતમાં પૂર્ણ ધૈર્ય રાખવું. બી.પી., ડાયાબિટીસ જેવી તકલીફોનો આ વર્ષે સામનો કરવો પડી શકે છે.

વર્ષ દરમ્યાન સંતાનોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. સંતાનોની ચિંતા આપને રહ્યા કરશે. આપના સંતાનો કદાચ કોઈ એવા કાર્ય કરે જેનાથી આપને નીચું જોવું પડે. આપના અભ્યાસ સંદર્ભે આ વર્ષ થોડું સંઘર્ષમય રહી શકે છે. ધારી સફળતા ન પણ મળે પરંતુ હતાશ થવાની જરૂર નથી. વર્ષના અંત સુધીમાં આપ સફળ થઇ શકો. નોકરીમાં આપને માલિકો તરફથી ખૂબ લાભ થઇ શકે છે. ઘર-પરિવારથી દૂર રહી નોકરીના યોગો આ વર્ષે બની શકે છે.ધંધામાં આ વર્ષ કસોટીભર્યું બની શકે. આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થઇ શકે. ખેડૂત મિત્રો માટે આવનારું વર્ષું ફાયદાકારક બની શકે.

આ વર્ષે આપના નામે જે કોઈ સંપત્તિ છે તેમાં નોંધપાત્ર ફેરફાર કરી શકો છો. પોતાની મિલકતમાંથી અન્ય આવક ઊભી કરી શકો છો. જો આપે ગત વર્ષોમાં જમીન લીધી હોય તો આ વર્ષે તેનું યોગ્ય વળતર મળી શકે. દાગીના વસાવવા માટે અવસર પ્રાપ્ત થશે. આપને પોતાનાં જ વ્યક્તિઓ શત્રુ હોય તેવુ લાગ્યા કરશે, પરંતુ આપની સાચી લડાઈ આપના આંતરિક શત્રુઓ સાથે છે. એટલા માટે ગુસ્સો, લોભ, લાલચ, અનીતિ તમામનો ત્યાગ કરવો આપના માટે લાભદાયી બનશે. આપના જૂના સંબંધોમાં તિરાડ પડવાથી આપને ઊંડો આઘાત લાગી શકે છે. પ્રભુકૃપાથી આ વર્ષે આપ વિદેશની ભૂમિ પર પગ મૂકી શકો છો.

કન્યા રાશિના જાતકોને પોતાની સમસ્યાના નિવારણ માટે આપેલા મંત્રની નિત્ય 11 માળા કરવી. સફેદ વસ્તુનું દાન કરવું. કન્યા રાશિના મિત્રોએ પ્રજ્ઞાવર્ધન સ્તોત્રનો રોજ 21 વખત પાઠ કરવો. દર ગુરુવારે સરસ્વતી માતાનું સંધ્યા સમયે પૂજન કરવું તેમ જ ઘીનો દીવો પ્રગટાવી ધ્યાન કરવું.

You cannot copy content of this page