Only Gujarat

Bollywood TOP STORIES

‘તારક મહેતા…’ના ‘ગોગી’ પર થયો જીવલેણ હુમલો, કાપી નાખવાની ને મારી નાખવાની મળી ધમકીઓ

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોગીનો રોલ કરનાર સમય શાહ પર તેની જ બિલ્ડિંગમાં એક ગુંડાએ હુમલો કર્યો હતો અને એક્ટરને મારી નાંખવાની ધમકી આપી હતી. સમયની માતાએ જણાવ્યું કે, આવી ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે. આ ઘટના 27 ઓક્ટોબરે બની હતી, જ્યારે સમય શાહ પોતાના ઘરની બહાર હતો. સમયે ઈન્સ્ટા સ્ટોરી પર આ ઘટના અંગેની વાત તથા સીસીટીવી ફૂટેજની એક ક્લિપ શેર કરી હતી.

સીસીટીવીમાં જોવા મળ્યો આરોપી
સમય શાહે કહ્યું કે,’આ વ્યક્તિ 2 દિવસ અગાઉ મારી બિલ્ડિંગમાં આવ્યો હતો અને મને કોઈપણ કારણ વગર ગાળો બોલવા લાગ્યો હતો. મને નથી ખબર કે તે કોણ છે અને મને શા માટે ગાળો ભાંડી રહ્યો છે. તેણે મને મારી નાંખવાની ધમકી આપી હતી. હું માનું છું કે મારી સાથે કે મારા પરિવાર સાથે કંઈક ઘટના બને તો તેને ફેન્સને માહિતી હોવી જોઈએ. તેથી આ વાત જણાવી રહ્યો છું. આભાર.’

હુમલા બાદથી પરિવાર તણાવમાં…
સમયે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે,’હું અને મારો પરિવાર હાલ તણાવમાં છીએ અને અમે પોલીસ ફરિયાદનો નિર્ણય લીધો હતો.’ સમયની માતાએ કહ્યું કે,’છેલ્લા 15 દિવસથી આવી ઘટનાઓ બની રહી છે. આ ત્રીજી ઘટના છે. અમે ફર્સ્ટ ફ્લોર પર રહીએ છીએ અને અમારું ઘર મેન રોડની સામે જ છે.

એકવાર હું બારી આગળ હતી ત્યારે જોયું કે એક વ્યક્તિ સમય સામે બુમો પાડી રહ્યો હતો. હું તેનો ચેહરો સ્પષ્ટ જોઈ શકી નહોતી. આ ઉપરાંત એક વ્યક્તિ અમારી બિલ્ડિંગમાં ધસી આવ્યો હતો અને તેણે સમયને ગાળો ભાંડી મારી નાંખવાની ધમકી આપી હતી. અમે તેને પૂછ્યું કે તેને કઈ વાત સામે વાંધો છે? પરંતુ તેણે જવાબ આપ્યો નહીં અને ગાળો બોલવા લાગ્યો.આ ત્રીજી ઘટના છે જ્યારે સમય પર હુમલો કરવામા આવ્યો હોય.’

આપી હત્યાની ધમકી
સમયે જણાવ્યું કે,’હું રાતે 8.30 આસપાસ શૂટિંગ પૂર્ણ કરી મારા ઘરે આવ્યો હતો. એક વ્યક્તિ અચાનક મારી પાસે આવીને ગાળો બોલવા લાગ્યો હતો અને મારી નાખીશ તેવી ધમકી આપી રહ્યો હતો.’

સમયની માતાએ કહ્યું કે,’હું તમને જણાવી નથી શકતી કે આ ઘટનાથી હું કેટલી તણાવમાં છું. સમય એકલો જ શૂટિંગ પર જાય છે અને તે વ્યક્તિ સતત તેનો પીછો કરતો હોવો જોઈએ. ગઈકાલે અમે સીસીટીવી વીડિયો ફૂટેજ જોયા તો અમને આઘાત લાગ્યો કે માત્ર તે જ વ્યક્તિ નહીં પરંતુ 4-5 વ્યક્તિઓ અમારી બિલ્ડિંગની બહાર રાહ જોઈ રહ્યાં હતા. અમને આશા છે કે પોલીસ આ લોકોને વહેલી તકે પકડી લેશે.’

સમયે સીસીટીવી ફૂટેજના આધારે બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક વ્યક્તિ તેની પર હુમલો કરે છે. પોલીસે હાલ તપાસ હાથ ધરી છે અને સમય અને તેમના પરિવારને ફરી આવી ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે કહ્યું છે.

You cannot copy content of this page