Only Gujarat

Gujarat

હીરાના વેપારની દીકરી અને 5 ભાષાની જાણકાર દેવાંશીએ જાહોજલાલી છોડી

સુરતના હીરાના વેપારી મોહનભાઈ સંઘવીની પૌત્રી અને ધનેશ-અમીબેનની 9 વર્ષની પુત્રી દેવાંશી દીક્ષા લીધી છે. દેવાંશીનો દીક્ષા મહોત્સવ 14 જાન્યુઆરીથી વેસુમાં શરૂ થયો હતો. આજે એટલે કે બુધવારે સવારે 6.30 વાગ્યાથી તેમની દીક્ષા શરૂ થઈ ગઈ હતી. દેવાંશી 35 હજારથી વધુ લોકોની હાજરીમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા લીધી છે. દેવાંશીએ દીક્ષા લેતા હવે પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી‌ મ.સા.તરીકે ઓળખાશે. દેવાંશીના પરિવારના સ્વ. તારાચંદનું ધર્મક્ષેત્રે પણ વિશેષ સ્થાન હતું. તેમણે શ્રી સમ્મેત શિખરનો ભવ્ય સંઘ કાઢ્યો અને આબુની ટેકરીઓ નીચે બનેલું સંઘવી ભેરુતારક તીર્થનું નિર્માણ કરાવ્યું હતું.

સુરતમાં જ ગત રોજ દેવાંશીની વરસીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. અગાઉ દેવાંશીની વરસીદાન યાત્રા મુંબઈ અને એન્ટવર્પમાં પણ થઈ હતી. દેવાંશી 5 ભાષામાં જાણકાર છે. તે સંગીત, સ્કેટિંગ, માનસિક ગણિત અને ભરતનાટ્યમમાં નિષ્ણાત છે. દેવાંશી પાસે વૈરાગ્ય શતક અને તત્ત્વાર્થ પ્રકરણો જેવાં મહાન પુસ્તકો છે. તેણે ક્યુબામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

દેવાંશી રાજ્યના સૌથી જૂના હીરા બનાવતી કંપનીમાંથી એક સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાતા મોહન સંઘવીના એકમાત્ર દીકરા ધનેશ સંઘવીની દીકરી છે. ધનેશ સંઘવી હીરા કંપનીના માલિક છે, તેમની દુનિયાભરમાં શાખા છે અને વાર્ષિક સો કરોડની આસપાસનું ટર્નઓવર છે. દેવાંશીની નાની બહેનનું નામ કાવ્યા છે. તેની ઉંમર પાંચ વર્ષ છે. હીરા વેપારી ધનેશ અને તેમનો પરિવાર ભલે ધનાઢ્યા હોય, પણ તેમની લાઈફસ્ટાઈલ ખૂબ જ સરળ અને સાદગીભરી છે. આ પરિવાર શરૂઆતથી જ ધાર્મિક રહ્યો છે.

દેવાંશી સંગીતનો શોખ ધરાવતી હોવાથી સંગીતમાં લગભગ તમામ રાગ વિશે જાણે છે. તો સ્કેટિંગ, મેન્ટલ મેથ્સ અને ભારત નાટ્યમમાં પણ નિપુણ છે. યોગનાં અનેક આસાન કરી જાણે છે. આમ, સર્વગુણ સંપન્ન અને જાહોજલાલી છોડીને દેવાંશી અભ્યાસ બાદ દીક્ષા લીધી છે. વિદાય સમારોહમાં સંવેદના વખતે તેણે સાચું જ કહ્યું હતું કે હું સિંહનું સંતાન છું…અને સિંહની જેમ દીક્ષા લઈ રહી છું..અને સિંહની જેમ જ દીક્ષા જીવન જીવવાના મારા ભાવ છે.

દેવાંશીએ બે વર્ષે ઉપવાસ, 6 વર્ષે વિહાર, 7મા વર્ષે પૌષધ કર્યા છે. આ ઉપરાંત તેણે જીવનકાળમાં મોબાઇલનો ઉપયોગ નથી કર્યો, ટીવી-થિયેટર પણ નિહાળ્યા નથી. આટલી ઉંમરમાં તેણે 10-12 નહીં, પણ પૂરી 367 દીક્ષાનાં દર્શન કર્યાં છે. પ્રતિક્રમણ, સામાયિક કરે છે. વૈરાગ્ય શતક અને તત્ત્વાર્થના અધ્યાય જેવા અનેક મહાગ્રંથો તેને કંઠસ્થ છે. આ સિવાય અનેક જૈનગ્રંથોનું તેણે વાંચન કર્યું છે. ધાર્મિક જ્ઞાન સાથે તેને પાંચ ભાષાની જાણકારી છે.

8 વર્ષની ઉંમર સુધીમાં દેવાંશીએ 357 દીક્ષા જોઈ છે, 500 કિમી ચાલી તીર્થસ્થાનોની મુસાફરી કરી અને ઘણા જૈન ગ્રંથો વાંચીને તત્ત્વ જ્ઞાન સમજ્યું. દેવાંશીનાં માતા-પિતા અમીબેન અને ધનેશભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે તેમની પુત્રીએ ક્યારેય ટીવી જોયું નથી, જૈન ધર્મમાં પ્રતિબંધિત વસ્તુઓનો ક્યારેય ઉપયોગ કર્યો નથી કે તેના પર અક્ષરો લખેલાં કપડાં ક્યારેય પહેર્યાં નથી. દેવાંશીએ માત્ર ધાર્મિક શિક્ષણમાં જ નહીં, પરંતુ ક્વિઝમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

જ્યારે દેવાંશી 25 દિવસની હતી ત્યારે તેણે નવકારસીના પચાખાન લેવાનું શરૂ કર્યું હતું. તે 4 મહિનાની હતી ત્યારથી તેણે રાત્રિભોજન છોડી દીધું હતું. જ્યારે તે 8 મહિનાની હતી ત્યારે તેણે દરરોજ ત્રિકાલ પૂજન શરૂ કર્યું. તે 1 વર્ષની થઈ ત્યારથી રોજ નવકાર મંત્રનો જાપ કરતી. 2 વર્ષ અને 1 મહિનાની ઉંમરથી તેણે ગુરુઓ પાસેથી ધાર્મિક શિક્ષણ લેવાનું શરૂ કર્યું અને 4 વર્ષ અને 3 મહિનાની ઉંમરથી તેણે ગુરુઓ સાથે રહેવાનું શરૂ કર્યું.

હજારો વ્યક્તિ સારી રીતે દીક્ષા માણી શકે એ માટે વિશાળ રાજમહેલ જેવા મંડપમાં પેવેલિયન જેવી બેઠક વ્યવસ્થા ગોઠવાઈ હતી. હજારો વ્યક્તિઓને બેસાડીને જમાડવાની વ્યવસ્થા દેવાંશીના પરિવાર માલગાંવ નિવાસી ભેરુમલજી હકમાજી સંઘવી પરિવારે ગોઠવી હતી. જ્યારે દીક્ષા લેવાની વાત આવી ત્યારે નવ વર્ષની દેવાંશી સર્વ સુખનો ત્યાગ કરી, બહુ જ જ્ઞાન મેળવી, બહુ જ સમજણપૂર્વક સંસાર છોડવા રાજી થઈ ગઈ હતી. સંયુક્ત પરિવારમાં ઊછરેલી દીકરીનો ત્યાગ ખરેખર આ જગતનને સાચા સુખના માર્ગનો સાચો સંદેશ અને ઉદાહરણ છે.

ભેરુતારક તીર્થ સ્થાપક સંઘવી સુંદરબેન ભેરુમલજી પરિવારના મોહનભાઈ અને ભારતીબેનની પૌત્રી તથા ધનેશભાઈ તથા અમીબેનની 9 વર્ષની દીકરી દેવાંશીકુમારીનો દીક્ષા ઉત્સવ વેસુના બલર ફાર્મમાં આરંભ થયો હતો. મહોત્સવમાં ગઈકાલે અઠવા ગેટ ચોપાટી પાસે ભવ્યાતિ ભવ્ય વરસીદાનની યાત્રાનો આરંભ થયો હતો, જે રાજમાર્ગો પર ફરીને દીક્ષા સ્થળે પહોંચી હતી. ઐતિહાસિક વરઘોડાનાં દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઊમટી પડ્યા હતા. લગભગ 1 લાખ આંખોએ વરઘોડો નિહાળ્યો હતો.

અતિજાજરમાન વરઘોડામાં ચાર હાથી, 20 ઘોડા, 11 ઊંટ અને આ સિવાય ઢોલ-નગારાં અને વિવિધ સંગીતના સૂરોની રેલમછેલ હતી. અનેક નૃત્ય મંડળીઓ અને મનોરંજનનાં પણ અનેક માધ્યમ વરઘોડામાં આકર્ષણ જમાવતાં હતાં. દેવાંશી કુમારી દેવવિમાન સમા રથમાં શોભી રહ્યાં હતાં અને હૈયાના ઊછળતા ભાવ સાથે વરસીદાન કરી રહ્યાં હતાં.

માર્ગમાં ચાર જગ્યાએ વરસીદાન થયું હતું, જ્યારે ત્રણ જગ્યાએથી નાના વરઘોડા મુખ્ય વરઘોડા સાથે મળ્યા હતા. જેથી વરઘોડો વધુ ભવ્ય બન્યો હતો. વરઘોડો અઠવા ગેટથી લાલ બંગલા, પાર્લે પોઇન્ટ, પીપલોદ, રાહુલ રાજ મોલ થઇ બલર ફાર્મ બપોરે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મુંબઈ અને એન્ટવર્પમાં પણ દેવાંશીની ભવ્ય વરસીદાન યાત્રા નીકળી હતી તેમજ વિદાય સમારોહ યોજાયા હતા.

You cannot copy content of this page