Only Gujarat

Gujarat

સુરતમાં પ્રેગ્નન્ટ મહિલાએ માસ્ક નીચે ઉતાર્યું અને પોલીસે ફટકાર્યો દંડ, રોડ પર થઈ રકઝક, જુઓ તસવીરો

કોરોના મહામારી વચ્ચે સુરત પોલીસનો બેવડો ચહેરો સામે આવ્યો છે. એક તરફ પોલીસ નેતાઓને માસ્ક મુદ્દે છૂટ આપે છે. બીજી તરફ પ્રજાને મનફાવે તેમ દંડ ફટકારે છે. આવો જ એક વધુ કિસ્સો જોવા મળ્યો સુરત પોલીસ કમિશનર કચેરીની સામે. જેમાં એક ગર્ભવતી મહિલાએ માસ્ક થોડું નીચું પહેર્યું હતું, તો પોલીસે તેમની પાસેથી એક હજાર રૂપિયા વસૂલ્યા. પ્રજાનું કહેવું છે કે, જનતા જો નિયમ તોડે તો પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. પણ જ્યારે નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટંસના ધજાગરા ઉડાડે છે ત્યારે કાર્યવાહી કરવામાં પોલીસના હાથ કેમ પાછા પડે છે.

આ અંગેની વિગત એવી છે કે સુરત પોલીસ કમિશનર કચેરી સામેથી કારમાં એક પરિવાર પસાર થઇ રહ્યો હતો. તે સમયે કારમાં સવાર ગર્ભવતી મહિલાએ નાક નીચે માસ્ક પહેર્યું હતું. તેથી પોલીસે કારને અટકાવી હતી. મહિલાએ માસ્ક યોગ્ય રીતે નહીં પહેર્યું હોવાનું કહી પોલીસે એક હાજર દંડ ભરવા ફરમાન કરી દીધું. પ્રેગ્નન્ટ મહિલાએ દલીલ કરી કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમણે માસ્ક નાક નીચે પહેર્યું હતું. પરંતુ પોલીસ કર્મચારી માન્યો નહોતો અને દંડ ભરી દેવા ખૂબ રકઝક કરી. અંતમાં તો પોલીસે કારને લાત મારીને પણ મહિલાના પતિ પાસેથી એક હજારનો દંડ વસૂલ કર્યો જ.

જે મહિલાને દંડ ફટકાર્યો તેમનું નામ છે રેખા મનોજ શાહ. 35 વર્ષની મહિલાએ પોલીસને જણાવ્યું કે, મારે ત્રણ માસનો ગર્ભ છે. એટલે ગભરામણ થાય અને શ્વાસ યોગ્ય રીતે લઇ શકાય તે માટે માસ્ક નીચે ઉતાર્યું છે. કાર ચલાવી રહેલા મારા પતિએ અને બે બાળકોએ તો માસ્ક પહેર્યાં છે જ. તેમ છતાં પોલીસ કોઈ જ વાત સાંભળવા માટે તૈયાર નહોતી.

પુણા કુંભારીયા વિસ્તારમાં રહેતા રેખાબહેને જણાવ્યું કે, હાલ મારી ચામડીના દર્દની દવા ચાલે છે. જેથી અમે દવાખાને જઈ રહ્યાં હતા. મેં મારી શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી હોવાની મજબૂરી જણાવી માસ્કનો દંડ નહીં લેવા પોલીસને અરજ કરી હતી. પરંતુ પોલીસે માનવતા નેવે મુકીને કારને લોક કરી ડિટેઇન કરવાની ધમકી આપી હતી. જેથી અકળાયેલા પતિએ ફરી એકવાર પોલીસને ખૂબ આજીજી કરી હતી. પરંતુ પોલીસ કર્મચારીએ એક પણ વાત કાને ધરી નહોતી અને હજાર રૂપિયા દંડ ભરવા દબાણ કરતો રહ્યો.

આખરે દંડ લીધા બાદ જ તેમને જવા દીધા હતાં. મહિલાએ કહ્યું કે આ તે કેવો કાયદો છે નેતાઓ હજારોના ટોળા ભેગા કરે છે. મોલમાં લોકોની ભીડ જામે છે. છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરતું નથી. જ્યારે સામાન્ય લોકો પર પોલીસ રૌફ જમાવીને તેમને મનફાવે તે રીતે દંડ કરે છે.

 

You cannot copy content of this page