Only Gujarat

Gujarat

પોરબંદરના જંગલમાં ખૂની ખેલઃ મહિલા વનકર્મી સહિત ત્રણના મૃતહેદ મળ્યા, ઘેરાતું રહસ્ય

પોરબંદરના બરડા વિસ્તારમાંથી એક મહિલા વન કર્મી સહિત ત્રણ મૃતદેહો મળી આવવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. ચોંકવનારી વાત એ છે કે આ ત્રણેય લોકો બે દિવસ પહેલા લાપતા બન્યા હતા અને તેમના મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યા. ઘટનાની વિગત એવી છે કે, પોરબંદરની રાતડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કિર્તીભાઈ સોલંકી (ઉ. વર્ષ 32) અને તેમની પત્ની હેતલબેન બે દિવસથી ગુમ હતા. જે અંગે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના સડલા ગામે રહેતા કિર્તીભાઈના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે, હેતલબેન પોરબંદરના ગોઢાણા બીટમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને તેમને આઠ મહિનાનો ગર્ભ હતો. 20 દિવસ પછી સીમંતનો પ્રસંગ હતો. લગ્નના સાત  વર્ષ બાદ ઘરમાં સીમંતનો પ્રસંગ આવ્યો હતો.

શોધખોળ દરમિયાન પોલીસને બરડાની કોઠાવાળા નેસમાંથી મળી આવ્યા ત્રણ મૃતદેહ. જેમાંથી એક મૃતદેહ ફોરેસ્ટ ગાર્ડ હેતલબેન સોલંકી, બીજો તેમના પતિ કિર્તીભાઈ અને ત્રીજો વન વિભાગમાં મજૂર તરીકે કામ કરતા ભૂરાભાઈ આગઠનો હતો. ત્રણેયની બોથડ પર્દાથ મારીને હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે. રવિવારે સાંજે આ ત્રણેય હેતલબેનની ખાનગી કારમાં જ બરડા ડુંગરમાં ગયા હતા. ત્યારબાદ તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો કે ન તો મોબોઈલ પર સંપર્ક થઈ શક્યો હતો. બીજી તરફ જંગલ વિસ્તારમાં આવેલા થાપાવાળી ખાડિયાર માતાજીના મંદિર પાસેથી પોલીસને તેમની કાર પણ મળી આવી.

એવી વાત સામે આવી છે કે, આ ત્રણેય વન વિભાગના વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિની તપાસ અર્થે ગયા હતા. બાદમાં તેમનો સાંજ સુધી સંપર્ક ના થતા કિર્તીભાઈના પિતાએ એ બગવદર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ તો હત્યા થઈ હોવાની શંકાથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કારણ કે આસપાસમાં કોઈ ઊંડા પાણીવાળો વિસ્તાર નહીં હોવાથી તેમનું મોત ડૂબી જવાથી થયું હોવાની શક્યતા બિલકુલ નથી.

પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ હત્યાના તાર વન વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી સુધી જોડાયેલા તો નથી ને. સાથે જ બરડામાં દેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો પણ પોલીસની તપાસના દાયરામાં આવી ગયા છે. પોલીસ આખા અભિયારણને ફંફોસી રહી છે અને FSLની મદદ પણ લેવામાં આવી રહી છે. જે રીતે ભેદી હાલતમાં ત્રણેયના મૃતદેહો મળી આવ્યા છે તેને લઈને પોલીસ અને વન વિભાગે હાલ તો મૌન સેવી લેતા સમગ્ર ઘટનામાં સત્ય બહાર આવશે કે કેમ તેને લઈને લોકોમાં શંકા-કુશંકા થઈ રહી છે.

મૃતક યુવાન કિર્તી રાઠોડના પિતા ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે તે તેમના પત્ની સાથે સડલા ગામે રહે છે. તેમનો નાનો દીકરો કિર્તી વર્ષ 2009માં સોંઢાણાની શાળામાં શિક્ષક તરીકે જોડાયો હતો. જ્યારે વહુ હેતલ 3 વર્ષ અગાઉ પોરબંદર વનવિભાગમાં ફીક્સ પગારદાર તરીકે નોકરીએ જોડાઈ હતી. વર્ષ 2013માં બંનેના લગ્ન થયા હતા અને સાત વર્ષ બાદ ઘરમાં સીમંતનો પ્રસંગ આવ્યો હતો. જેનું મુહુર્ત પણ કાઢવી રાખ્યું હતું. છેલ્લે 15મી ઓગસ્ટે દીકરા સાથે વાત થઈ હતી, જેમાં દીકરાએ 20 દિવસ પછી વહુ હેતલને લઈને સીમંત માટે સડલા આવવાની વાત કરી હતી. બંનેની આજે લાશ મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

You cannot copy content of this page