Only Gujarat

Gujarat

રાધનપુર પાસે ક્રેટા કાર ખેતરમાં ઘુસી, ત્રણ કુટુંબીભાઈઓના મોત, ઠાકોર પરિવારમાં દિવાળીએ માતમ

પાટણના કલ્યાણપુરના ઠાકોર પરિવારમાં દિવાળીએ માતમ છવાયો. કારણ છે એક સાથે ત્રણ યુવાનોના મોત. ઘટના બની રાધનપુર નજીક નેશનલ હાઇવે પર. જ્યાં ક્રેટા ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો પર ફરી વળી. જેના પગલો ત્રણ જુવાનજોધ દીકરાના ઘટના સ્થળે મોત થતાં દિવાળીનો પર્વ મૃતકના પરિવાર માટે હૈયાહોળી સાબિત થયો.

આ કાળમુખી ઘટનાની વિગત એવી છે કે, રાધનપુરથી સાત કિલોમીટર દૂર આવેલા કલ્યાણપુરા ગામમાં કાળીચૌદશની સવારે સાતેક વાગ્યે નેશનલ હાઇવેની સાઇડ પર આવેલા ખેતરમાં પાંચ યુવાન ખેડૂતો ખેતરની વાડ કરી રહ્યા હતા. દરમિયાન કલ્યાણપુરા ગામના પેટ્રોલ પંપ પાસે કચ્છ તરફથી એક કાર રોન્ગ સાઈડ આવી રહી હતી. આ ક્રેટા ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

પરિણામે ક્રેટા કાર સર્વિસ રોડ પરથી ઊતરીને ફુલસ્પીડમાં ખેતરમાં ઘૂસી હતી, જેમાં વાડ કરી રહેલા 3 લોકોને ગાડીએ જોરદાર ટક્કર મારતાં ત્રણેયનાં ઘટનાસ્થળે મોત થયા હતાં, જ્યારે 2નો આબાદ બચાવ થયો હતો. ત્રણેય મૃતક યુવાનો રાધનપુરના કલ્યાણપુરા ગામના રહેવાસી છે. અકસ્માતને લઈ કલ્યાણપુરા ગામના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા વળ્યા હતા. તો અકસ્માત સર્જનાર કારનો પણ બૂકડો બોલાઈ ગયો હતો.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, કચ્છ તરફથી આવી રહેલી ક્રેટા ગાડી (GJ 12 DG 8349)ના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતાં ખેતરની વાડ કરતા ધનજીભાઈ જેમલભાઈ ઠાકોર(ઉં.વ.23), પ્રભુભાઈ સોમાભાઈ ઠાકોર(ઉં.વ.25) અને નભાભાઇ ગાંડાભાઈ ઠાકોર (ઉં.વ.38)ને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ત્રણેયનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં.

અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય યુવકો કુટુંબી ભાઈઓ હતા. જેથી પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. સગાં-સંબંધીઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. દિવાળીના પર્વ પર જ ત્રણ પરિવારોના જીવનદીપ બૂઝાતા ગામમાં પણ દિવાળી સમયે ખુશીના બદલે માતમ છવાઇ ગયો હતો. બીજી તરફ અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્રણેય મૃતદેહોને રાધનપુર રેફરલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા, જ્યારે બે યુવાન ખેડૂતો કાનજીભાઈ જેમલભાઈ ઠાકોર અને બચુભાઈ જેમલભાઈ ઠાકોરનો ચમત્કારિક બચાવ થયો હતો.

પોલીસ એ તપાસ કરી રહી છે કે આખરે કારના ચાલકે કાબૂ કેવી રીતે ગુમાવ્યો. શું ચાલક નશામાં હતો કે પછી કોઈ ટેકનિકલ કારણસર આ અકસ્માત સર્જાયો છે તેને લઈને પણ તપાસ ચાલી રહી છે.

You cannot copy content of this page