Only Gujarat

Gujarat

કબાટથી લઈને પેટી પલંગ, બધી જગ્યાએ સંતાડ્યો હતો દારૂ, પોલીસની આંખો પણ થઈ ગઈ પહોળી

રાજકોટ શહેરમાં દિવાળી તહેવાર ટાણે જ સક્રિય થયેલા બુટલેગરોને ડામી દેવા માટે પોલીસ કમિશનરે સૂચના આપતા પોલીસે શહેરના પોશ વિસ્તારના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસને વિદેશી દારૂ અને બીયર સહિત મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે મકાનના કબાટ અને પલંગમાં છૂપાવીને આ દારૂ રાખવામાં આવ્યો હતો. પોલીસની સતર્કતાના કારણે બુટલેગરોના કમાવવાના ઓરતા અધૂરા રહી ગયા.

રાજયમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેમલછેલ થઇ રહી છે. એમાંય દિવાળી સમયે વધુ પૈસા કમાવવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે. રાજકોટ શહેરમાં પણ બુટલેગરો રોજ નવા-નવા ઉપાયો અજમાવી દારૂનો વેપલો કરી રહ્યા છે. જો કે દિવાળીના તહેવારોમાં પોલીસ પણ બુટલેગરોના ઈરાદા પર પાણી ફેરવવા માટે એક્શનમાં આવી ગઇ છે. દારૂના ધંધાર્થીઓ ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે યુનિવર્સિટી પીઆઇ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અરવિંદસિંહ જાડેજા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી.

તે દરમિયાન હરપાલસિંહ જાડેજા, જેન્તીગીરી ગોસ્વામી અને મુકેશભાઈ ડાંગરને બાતમી મળી હતી કે ઉત્તર પ્રદેશમાંથી દારૂનો મોટો જથ્થો રાજકોટમાં આવ્યો છે. તેના આધારે યુનિવર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક પાસેના ફલેટમાં દરોડો પાડ્યો હતો. જેમાં મુળ યૂપીના અને ડ્રાઇવીંગ કરતાં શખ્સને રૂપિયા પોણા બે લાખની કિંમતના દારૂ-બીયરના જથ્થા સાથે પકડી લીધો હતો. આ શખ્સે ફલેટમાં કબાટ, પેટી પલંગમાં દારૂ-બીયરનો જથ્થો સંતાડીને રાખ્યો હતો. યૂપી તરફ ગાડી લઇને ગયો ત્યારે ત્યાંથી દિવાળીમાં કમાઇ લેવાના ઇરાદે માલ ભરી લાવ્યો હતો. પરંતુ તેને વેચે એ પહેલા જ પોલીસે દબોચી લીધો હતો.

પોલીસ કર્મચારી મહેન્દ્રસિંહ ડોડીયા, રાજેશભાઈ મિયાત્રા, યુવરાજસિંહ ઝાલા, અજયભાઇ ભૂંડિયા, કૃષ્ણદેવસિંહ ઝાલા અને બ્રિજરાજસિંહ ગોહિલે શહેરના સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક પામસીટી એ-બિલ્ડીંગ ફલેટ નં. 1201માં આ કાર્યવાહી કરી હતી. જેમાં આ ફલેટમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. ફલેટની દીવાલ, કબાટ અને પેટી પલંગમાંથી દારૂની 260 બોટલ તેમજ 144 ટીન બીયરના મળી કુલ પોણા બે લાખનો વિદેશી દારૂ બીયર જપ્ત કરી અજીતસિંગ ઉર્ફ મનોજ હરપાલસિંગ તેવટીયાની ધરપકડ કરી હતી.

આ શખ્સ ડ્રાઇવીંગનું કામ કરે છે અને મૂળ યૂપીના હાથરસમાં આવાસ વિકાસ કોલોનીમાં રહે છે. યૂપીથી ગાડી લઇને રાજકોટ આવ્યો હતો ત્યારે પોતાની સાથે દારૂ-બીયરનો જથ્થો લાવ્યો હતો. પોલીસનું માનીએ તો આ શખ્સ પાસેથી મેકડોવેલ્સ નંબર-૧, બ્લેન્ડર્સ પ્રાઇડ, સિગ્નેચર, રોયલ ચેલેન્જ, મેજીક મોમેન્ટ, ધ રોકફોર્ડ, રોયલ સ્ટેગની બોટલો હાથ લાગી છે. જ્યારે કિંગફીશર અને હેવર્ડસ બ્રાંડના બીયરના ટીનનો જથ્થો કબાટ અને પેટી પલંગમાંથી મળી આવ્યો હતો. આ શખ્સ અગાઉ મારામારીના ગુનામાં દ્વારકામાં પકડાયો હતો. હવે દારૂના કેસમાં કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ થશે.

You cannot copy content of this page