Only Gujarat

FEATURED Gujarat

નોકરીને ઠોકર મારી આ ગુજરાતી યુવકે શરૂ કરી આધુનિક ખેતી, આજે કરે છે અધધ કમાણી

લોકડાઉન બાદ ઘણાં યુવાનો ખેતી તરફ વળ્યાં છે ત્યારે બનાસકાંઠાના ડીસાના એક રહેવાસી મયુર પ્રજાપતિએ દાંતીવાડી કૃષિ યુનિવર્સિટીમાં બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી મેળવ્યા બાદ મયુરને ખાનગી કંપનીમાં નોકરી મળી હતી પરંતુ કોઈ બીજાને ત્યાં ગુમાલી કરવા કરતાં પોતાને ત્યાં મજુરી કરું તે વધારે સારું તેવું વિચારનાર મયુરે નોકરી છોડીને ખેતીમાં ઝંપલાવ્યુ હતું. ખેતીમાં પણ તે યુવકે આધુનિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું. 23 વર્ષના આ યુવકની મહેતન આતે રંગ લાવી અને પહેલા જ વર્ષે ત્રણ ઘણી આવક મેળવી હતી. યુવકે પોતાની 15 વીઘા જમીન ઉપરાંત બીજી 42 વીઘા જમીન ભાડે લઈને શાકભાજી અને ફળનું વાવેતર કર્યું છે જેમાંથી અંદાજે 45 લાખની આવક થાય તેવી શક્યતા છે. આજે આ ખેડૂતની સમગ્ર જિલ્લામાં વાહ વાહ થઈ રહી છે.

ડીસાના ભોપાનગર વિસ્તારમાં રહેતા અને વર્ષ-2018માં કૃષિમાં સ્નાતક થઈને મયુર પ્રજાપતિએ ખાનગી કંપનીની નોકરી ફગાવીને પોતાની 15 વીઘા જમીનમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના વૈજ્ઞાનિક ડો. યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ આધુનિક ખેતીની શરૂઆત કરી હતી. જેમાં તેણે પહેલા જ વર્ષે 20 લાખની આવક મેળવી હતી જે પહેલા 5.50 લાખની આવક થતી હતી. યુવકે એક જ વર્ષમાં ત્રણ ઘણી આવક મેળવી હતી.

ખેડૂત મયુર પ્રજાપતિએ કહ્યું હતું કે, શાકભાજી પાકોની આંતરપાક, મંડપ પદ્ધતિ, ઓફ સિઝનલ પદ્ધતિઓ દ્વારા ખેતીની શરૂઆત કરી હતી. વર્ષ 2020માં પ્લગ ટ્રે નર્સરી તૈયાર કરી જેમાં બધાં જ પ્રકારનાં શાકભાજી અને ફ્રૂટ જેમ કે શક્કરટેટી, તરબૂચ, ગલગોટા, પપૈયા સહિતના ધરૂ (રોપા) તૈયાર કરવાની શરૂઆત કરી હતી. જેમાંથી 8 લાખ રૂપિયાની આવક થઈ હતી. ત્યાર બાદ 42 વીઘા જમીન ભાડે લઈ પપૈયા, કેપ્સિકમ, બટાકા, કોબિજ, ફુલાવરની ખેતી કરી હતી જેમાંથી અંદાજે 45 લાખની આવક મેળવશે.

ખેડૂત મયુર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખેડૂતોને તંદુરસ્ત અને સારા રોપા મળી રહે તે માટે જ નર્સરી તૈયાર કરી છે. જેમાં ખેડૂતોને શાકભાજીના સારાં છોડ (રોપા) તૈયાર કરીને આપવાની સાથે રોપણી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. પહેલા બનાસકાંઠાના ખેડૂતોને શાકભાજી અને ફળફળાદીના રોપા લેવા મહેસાણાના વિજાપુર વિસ્તારમાં જવું પડતું પરંતુ હવે ઘરઆંગણે મળતાં સમયની સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચની બચત થઈ રહી છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના વૈજ્ઞાનિક ડૉ. યોગેશ પવારે જણાવ્યું હતું કે, ખેડૂતોએ હવે ચીલાચાલુ ખેતી બાજુ પર મુકી સ્માર્ટ ખેતી અપનાવવી જોઈએ. ઊંચી આવક માટે શિક્ષિત યુવા ખેડૂતો વ્હાઇટ કોલર જોબની ઘેલછા છોડી ખેતી તરફ આગળ વધવું જોઈએ. ખેતીમાં પણ અનેક તકો રહેલી છે.

You cannot copy content of this page