મુંબઈઃ બોલિવૂડમાં પોતાના એક્શન માટે જાણીતા સની દેઓલ 64 વર્ષના થઈ ગયાં છે. તેમનો જન્મ 19 ઑક્ટોબર, 1956માં સાહનેવાલ, પંજાબમાં થયો હતો. મોટા પડદાં પર હંમેશા ગુસ્સામાં જોવા મળતાં સની દેઓલ રિઅલ જિંદગીમાં ખૂબ જ સૌમ્ય છે. ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કરનારા સનીએ 36 વર્ષ પહેલાં લંડનમાં છુપી રીતે લગ્ન કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્રના દીકરાની વહુ સુંદરતામાં કોઈ હીરોઈન કરતાં ઓછી નથી. તે લાઇમલાઇટથી દૂર રહે છે. પૂજા, દીકરા કરણની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ના પ્રિમિયરમાં સામેલ થઈ હતી. તે દરમિયાન તેમના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયાં હતાં.

સની દેઓલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાના પરિવાર સાથે ઘણીવાર ફોટો શેર કરતાં રહે છે, પણ તે પત્ની પૂજા સાથેનો ફોટો ક્યારેય શેર કરતાં નથી. કહેવામાં આવે છે કે તે પોતાની પર્સનલ જિંદગીને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે. આ કારણે જ બંનેના લગ્નના સમાચાર પણ ઘણાં સમય પછી સામે આવ્યાં હતાં.

સનીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલાં વર્ષ 1984માં પૂજા સાથે લગ્ન કરી લીધા હતાં. જોકે, આ અંગે ઘણાં લોકોને જાણ નહોતી. વર્ષો પછી સનીના લગ્ન વિશે જાણી દરેક લોકો ચોંકી ગયાં હતાં.

ધર્મેન્દ્રના દીકરાની વહુનો ફોટો હાલમાં જ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેમના દીકરા કરણ દેઓલે મધર્સ ડેના દિવસે તેમના બાળપણનો એક ફોટો શેર કર્યો હતો.

સનીના લગ્ન બિઝનેસ એગ્રીમેન્ટ મુજબ થયાં હતાં. ધર્મેન્દ્ર નહોતા ઇચ્છતા કે, ‘બેતાબ’ના રિલીઝ પહેલાં સનીના લગ્નની વાત સામે આવે. કેમ કે, આનાથી સનીની રોમેન્ટિક ઇમેજ પર નેગેટિવ અસર પડી શકે છે.

ફિલ્મ રિલીઝ સુધી પૂજા લંડનમાં જ રહી હતી. તે સમયે સની ઘણીવાર પૂજાને મળવા માટે ચોરી-છુપે લંડન જતાં હતાં. પછી જ્યારે ન્યૂઝપેપરમાં સનીના લગ્નની વાત છપાઈ, તે સમયે પણ સનીએ લગ્નની વાત અંગે ના પાડી દીધી હતી.

સનીએ ફિલ્મ ‘બેતાબ’(1983)થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ માટે તેમને ફિલ્મફેરના બેસ્ટ એક્ટરના એવોર્ડ માટે નોમિનેટ પણ કરવામાં આવ્યાં હતાં. આ પછી ‘અર્જુન’, ‘સલ્તનત’, ‘ડકૈત’, ‘ઇંતકામ’, ‘ત્રિદેવ’, ‘ધાયલ’, ‘દામિની’, ‘ઘાતક’, ‘બોર્ડર’, ‘ગદ્દર’, ‘ઇન્ડિયન’, ‘અપને’, ‘યમલા પગલા દીવાના’ (1&2) અને ‘ઘાયલ વન્સ અગેન’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ‘ઘાયલ’ (સ્પેશિયલ જૂરી), ‘દામિની’ (બેસ્ટ સપોર્ટિંગ રોલ) માટે તેમને નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

ઘણાં ઓછા લોકોને ખબર છે કે, સની દેઓલનું સાચુ નામ અજય સિંહ દેઓલ છે. કેમ કે તેમનો પરિવાર તેમને પ્રેમથી સનીના નામથી બોલાવે છે. જેને લીધે તેમને સનીના નામથી ઓળખ મળી હતી. જોકે, વર્ષ 1955માં તેમને ‘અજય’ નામની એક ફિલ્મમાં કામ પણ કર્યું હતું.

સની દેઓલે આર એ પોદ્દાર કોલેજથી કોમર્સ અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તો સનીને પિતા ધર્મેન્દ્રની જેમ જ બાળપણથી એક્ટિંગ કરવાનો શોખ હતો. એટલે તે સ્ટડીની સાથે બર્મિંઘમની ‘ધી ઓલ્ડ વર્લ્ડ થિએટર’થી એક્ટિંગની સ્ટડી માટે ઇંગ્લેન્ડ જતાં રહ્યાં હતાં.

સનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો અત્યારે તેમની પાસે કોઈ પણ ફિલ્મની ઑફર નથી. તેમણે વર્ષ 2019માં પોતાના દીકરા કરણ માટે ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ બનાવી હતી, જે ફિલ્મ ફ્લોપ રહી હતી.