Only Gujarat

International

કડચલાના શરીરમાંથી લોહી કાઢ્યા બાદ પણ રહે છે જીવીત, આ રીતે થાય છે પરીક્ષણ

10 આંખવાળા હોર્સશૂ કડચલા અંદાજે 30 કરોડ વર્ષોથી પૃથ્વી પર વસવાટ કરે છે. વર્ષોથી તેમના શરીરના નીચેના ભાગનો ઉપયોગ માણસ માટે દવા બનાવવા માટે કરવામાં આવે છે. હોર્સશૂ ક્રેબ એટલે કે ઘોડાની નાળની આકારના કડચલા. કોરોના મહામારી દરમિયાન આ કડચલા હવે વૈજ્ઞાનિકો માટે રસનો વિષય બન્યા છે. સાયન્ટિસ્ટ કોરોના વાયરસની સંભવિત વેક્સીન બનાવવા માટે આ કડચલા પર રિસર્ચ કરી રહ્યાં છે. પરંતુ આ કારણે લિવિંગ ફોસિસ ગણાતા આ કડચલાના અસ્તિત્વ પણ પણ ખતરો સર્જાયો છે.

માનવામાં આવી રહ્યું છે કે ધરતી પર આ પ્રજાતીના કડચલાની સંખ્યા ઘટી ગઇ છે અને દવા માટે તેના લોહીનો ઉપયોગમાં લેવાથી તેમની સંખ્યા વધુ ઘટી જશે. આ કડચલાનું લોહી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી એ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે કે નવી દવામાં કોઇ હાનિકારક બેક્ટેરિયા તો નથી ને.

કડચલાના લોહીમાંથી મળતા બ્લડ સેલ દવામાં સ્થિત હાનિકારક તત્વો સાથે કેમિકલી રિએક્ટ કરે છે અને આ રીતે વિજ્ઞાનિકો જાણી શકશે કે નવી દવા માણસ માટે સુરક્ષિત છે કે નહીં. સૌથી મોટી મુશ્કેલી એ છે કે હોર્સશૂ કડચલા ધરતી પર જોવા મળતા એકમાત્ર એવા જીવ છે જેના પર આ પ્રકારનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ કામ માટે દર વર્ષે હજારોની સંખ્યામાં હોર્સશૂ કડચલાને પકડી અમેરિકા એ લેબોરેટરીમાં મોકલે છે જ્યાં દવા બને છે. લેબમાં તેના દિલ પાસેની નળીમાંથી લોહી કાઢવામાં આવે છે. ત્યારબાદ તેને ફરી પાણીમાં છોડી મૂકવામાં આવે છે.

પહેલા નિષ્ણાતોનું એવું માનવું છે કે કડચલાના શરીરમાંથી લોહી કાઢ્યા બાદ પણ તે જીવત રહે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કરવામાં આવેલી શોધમાં બહાર આવ્યું કે શરીરમાંથી જો 30 ટકા લોહી કાઢી લેવામાં આવે તો તેનું મોત થઇ શકે છે. તો બીજા રિસર્ચમાં જાણવા મળ્યું કે એક વખત શરીરમાંથી લોહી કાઢ્યા બાદ માદા કડચલાની પ્રજનન શક્તિ ઘટી જાય છે. વાઇલ્ડલાઇફ કેમ્પેનરનું માનવું છે કે આ મૂળ સમસ્યા છે.

રિસર્ચમાં મદદ માટે અમેરિકાના ન્યૂજર્સીમાં લાખોની સંખ્યામાં હોર્સશૂ કડચલા પકડવામાં આવે છે. અહીં પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરી રહેલી ટીમનું નેતૃત્વ કરી રહેલી ડોક્ટર બાર્બરા બ્રમરનું કહેવું છે કે અત્યારની વાત કરીએ તો આ કામ માટે અંદાજે 50 લાખ કડચલાનું લોહી લેવામાં આવ્યું છે.

બીબીસી રેડિયો-4ના એક કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું કે લોહી કાઢ્યા બાદ કડચલાને જીવીત છોડવામાં આવે છે પરંતુ કોઇને ખબર નથી કે આ પ્રક્રિયાથી તેમને કેટલું નુકશાન થાય છે. અમેરિકન હોર્સશૂ કડચલાની સંખ્યા ખુબ જ ઓછી છે જે ઓફિશિયલી લુપ્ત થતા જીવોની શ્રેણીમાં રાખવામાં આવે તેની નજીક છે. પરંતુ દવા બનાવતી કેટલીક મોટી કંપનીઓનું કહેવું છે કે કડચલા સાથે જોડાયેલા આંકડા કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની સંખ્યા ઘટી નથી.

દવા બનાવવામાં કડચલાના લોહીની જગ્યા શોધવા માટે શું કોઇ બીજું માનવ નિર્મિત વસ્તુ છે કે કેમ તે અંગે સંશોધન ચાલું છે. વર્ષ 2016માં એક સફળતા મળી. વિજ્ઞાનિકોને લોહીનો વિકલ્પ મળ્યો જેના ઉપયોગ માટે યુરોપમાં મંજુરી પણ મળી ગઇ. અમેરિકાની કેટલીક દવાની કંપનીઓએ આ કેમ્પેન પણ જોડાઇ હતી. અમેરિકામાં દવાઓની સુરક્ષા અંગે નિર્ણય લેતા સંગઠને મહિના પહેલા કહ્યું કે તે આ વાતની પુષ્ટી નથી કરતા કે હોર્સશૂ કડચલાના લોહીનો વિકલ્પ કારગર છે કે નહીં. ત્યારબાદ જે કંપનીઓ અમેરિકામાં દવા વેચવા માગે છે તેઓને કહેવામાં આવ્યું કે દવાઓની સુરક્ષા માટે તેનું ટેસ્ટિંગ હોર્સશૂ કડચલાના લોહીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે.

જેનો અર્થ એ થયો કે જો કોઇ કંપની કોરોના વાયરસની વેક્સીન બનાવવા માગે છે અને તેને અમેરિકામાં લાખો લોકો સુધી પહોંચાડવા માગે છે તો તેને વેક્સીનનું ટેસ્ટિંગ જૂરી રીતે જ કરવું પડશે. ડોક્ટર બાર્બરાનું કહેવું છે કે તેમનો પ્રયાસ છે કે તે સરકારને આ નિયમ પર પૂનર્વિચાર કરવા રાજી કરી શકે. તે કહે છે કે બીજી જગ્યાએ હોર્સશૂ કડચલાના વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ મુદ્દા પર કેટલીક દવા કંપનીઓનું કહેવું છે કે કોવિડ-19ની વેક્સીનના અનુરૂપ તેનું ટેસ્ટિંગ માટે તેમની પાસે હોર્સશૂ કડચલાના લોહીનો પર્યાપ્ત સ્ટોક છે અને તેઓને હવે બીજા હોર્સશૂ કડચલાનું લોહી કાઢવાની જરૂર નહીં પડે. ડોક્ટર બાર્બરા કહે છે કે કોરોના માટે વેક્સીન બનાવવાના કામમાં ઓછામાં ઓછી 30 કંપનીઓ લાગેલી છે. તમામને વેક્સીનના ટેસ્ટિંગ માટે હોર્સશૂ કડચલાની જરૂર પડશે જ આથી મને ચિંતા છે કે હોર્સશૂ કડચલાની આબાદી ઘટી શકે છે જે આપણા પર્યાવરણનો મહત્વનો ભાગ છે.

You cannot copy content of this page