Only Gujarat

National

સમગ્ર દેશમાં શરૂ થશે જિયોના 3500 પેટ્રોલ પંપ, 60 હજાર લોકોને રોજગાર મળશે

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બ્રિટિશ પેટ્રોલિયમ હવે ‘જિયો-બીપી’(Jio-BP) બ્રાન્ડનેમથી ઈંધણ વેચવાનું શરૂ કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે જિયો પેટ્રોલ પંપ ખોલવાની તૈયારી કરી રહ્યું છે. કંપની આવનારા કેટલાક વર્ષોમાં આખા દેશમાં જિયો-બીપી નામથી 3500 નવા પેટ્રોલ પંપ ખોલશે. જો તમે પણ કોરોના સંકટ સમયમાં કોઈ સારો બિઝનેસ શરૂ કરવા માગતા હોવ તો આ તમારી માટે સારી તક છે.

રિલાયન્સ પેટ્રોલ પંપ શરૂ કરવા આ રીતે કરો અરજી
રિલાયન્સ જીયો-બીપી પેટ્રોલ પંપ માટે માહિતી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ https://www.reliancepetroleum.com/businessEnquiryથી મળી રહેશે. અહીં સંપૂર્ણ વિગતો મળી રહેશે. પેટ્રોલ પંપ ઉપરાંત તમે લુબ્રીકેન્ટ્સ, ટ્રાન્સ કનેક્ટ ફ્રેન્ચાઈઝી, એ1 પ્લાઝા ફ્રેન્ચાઈઝી, એવિએશન ફ્યૂલથી લઈ અન્ય બિઝનેસ વડે કંપની સાથે જોડાઈ શકો છો.

21 થી 60 વર્ષની વયના લોકો કરી શકે છે અરજી
જો તમારે ફ્રેન્ચાઈઝી મેળવવી હોય તો તમારે કંપનીને પોતાની પ્રાથમિક માહિતી આપવાની રહેશે. જેમાં નામ, નંબર, એડ્રેસ અને શહેર ઉપરાંત તમે શું કામ કરો છો તે જણાવવાનું રહેશે. આ ઉપરાંત દેશમાં પેટ્રોલ પંપ શરૂ કરવા માટેના જે નિયમો છે તે પણ અહીં લાગુ પડશે. આ ઉપરાંત પેટ્રોલ પંપનું લાયસન્સ લેનાર વ્યક્તિની વય 21 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત તેની પાસે 10મું પાસ હોવાનું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે.

ટેસ્ટના એક મહિનાની અંદર મળી શકે છે પેટ્રોલ પંપ ડિલરશીપની ઓફર
જિયો-બીપી પેટ્રોલ પંપ માટે અરજી કરવા પર તમારા ડોક્યુમેન્ટ્સ વેરિફાઈ કરવામાં આવશે. આ દરમિયાન તમે જણાવેલી જમીનનું નિરીક્ષણ કરવામાં આવશે. જમીન કંપનીના ટેસ્ટમાં યોગ્ય જણાશે તો 1 મહિનાની અંદર જ તમને પેટ્રોલ પંપ ડિલરશીપની ઓફર મળી શકે છે.

60 હજાર લોકોને મળશે રોજગાર
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મલ્ટીનેશનલ પેટ્રોલિયમ કંપની બ્રિટિશ પેટ્રોલિયમ (બીપી)એ ‘જિયો-બીપી’ બ્રાન્ડ નેમ સાથે ઈંધણ વેચવાની જાહેરાત કરી હતી. જે માટે રિલાયન્સ બીપી-મોબિલિટી લિમિટેડ (આરબીએમએલ) નામથી જોઈન્ટ વેન્ચરની રચના કરવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ પહેલના કારણે દેશમાં આગામી 5 વર્ષમાં 60 હજાર લોકોને રોજગાર મળશે. બીપીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 1400 પેટ્રોલ પંપ તથા એટીએફ સ્ટેશન (વિમાન ઈંઘણ માટેના સ્ટેશન)માં 49 ટકાની ભાગીદારી ગત વર્ષે 1 અરબ ડૉલરમાં ખરીદી હતી.

You cannot copy content of this page