Only Gujarat

FEATURED National

સામાન્ય બસ કંડક્ટરની દીકરી બની IPS, નામ માત્રથી થરથર ધ્રૂજે છે ગુનેગારો

પટણા: બાળપણમાં જ એક બાળકીએ નક્કી કરી લીધું હતું કે તેને આગળ જઈ પોલીસમાં સામેલ થવું છે અને દેશ સેવા કરવી છે. આ બાળકીએ પોતાના જુસ્સાને ઓછો ના થવા દીધો અને તે આઈપીએસ ઓફિસર બની, આ ઉપરાંત તેને સર્વશ્રેષ્ઠ આઈપીએસ ટ્રેઈની પણ જાહેર કરવામાં આવી. એક બસ કંડક્ટરની દીકરીએ આકરી મહેનત બાદ પોતાને આ લાયક બનાવી અને અપરાધીઓ માટે એક મોટો પડકાર બની.

હિમાચલના ઉનાના ગામ ઠઠ્ઠલની આઈપીએસ અધિકારી શાલિની અગ્નિહોત્રી એક એવું નામ છે, જે એક આદર્શ ઉદાહરણ હોવાની સાથે ગુનેગારો માટે કાળ સાબિત થઈ રહી છે. તેના કામ કરવાની પદ્ધતિ એવી છે કે નશાના વેપારીઓમાં ભય રહે છે. સામાન્ય પરિવારમાં ઉછરેલી શાલિનીએ આકરી મહેનત બાદ આ પદ મેળવ્યું છે. કુલુમાં પોસ્ટિંગ દરમિયાન તેને ડ્રગ માફિયાઓ વિરુદ્ધ કેમ્પેન શરૂ કર્યું હતું. 30 વર્ષીય શાલિનીને IPSની સર્વશ્રેષ્ઠ ટ્રેઈની જાહેર કરાઈ હતી. આ કારણે તેને વડાપ્રધાનનું પ્રતિષ્ઠિત બેટન અને ગૃહ મંત્રીની રિવોલ્વર પણ આપવામાં આવી.

IPS અધિકારી શાલિનીના પિતા રમેશ એચઆરટીસી બસમાં એક કન્ડક્ટર તરીકે કામ કરે છે અને તેમની માતા ગૃહિણી છે. હિમાચલના ઉનાના ઠઠ્ઠલ ગામમા રહેતી શાલિનીનો જન્મ 14 જાન્યુઆરી 1989માં થયો હતો. શાલિનીને બાળપણથી જ તેના માતા-પિતાએ કોઈ વસ્તુ માટે ના નથી પાડી. તેને તેની ઈચ્છા પ્રમાણે તમામ બાબતોની છૂટ આપવામાં આવતી. તે બાળપણથી જ પોતાના સ્વપ્ન પાછળ લાગેલી હતી. શાલિની હંમેશા હોશિયાર સ્ટુડન્ટ રહી. તેણે ધર્મશાળા DAV સ્કૂલ શિક્ષણ અને પછી હિમાચલ પ્રદેશ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીથી પોતાની ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવી હતી.

આજે IPS અધિકારી બની ગયેલી શાલિનીએ કહ્યું કે, તેણે UPSCની તૈયારી અંગે વિચાર્યું તો તે અંગે કોઈને જણાવ્યું નહીં. તેને ખબર હતી કે આ દેશની સૌથી મુશ્કેલ પરિક્ષાઓમાંથી એક છે અને તેને વર્ષોની આકરી મહેનત બાદ પણ ઘણા લોકો પાસ કરી શકતા નથી. પરંતુ અહીં શાલિનીનો દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્વાસે તેને ઘણી મદદ કરી અને મે 2011માં તેણે UPSCની પરિક્ષા આપી હતી જેનો ઈન્ટરવ્યૂ માર્ચ 2012માં થયો અને પરિણામ પણ એ જ વર્ષે મે મહિનામાં આવી ગયું.

શાલિનીને ઓલ ઈન્ડિયા લેવલે 285મો રેન્ક મળ્યો હતો. તે પછી તેની પોલીસ જર્નીનો પ્રારંભ થયો, તે ડિસેમ્બર 2012માં હૈદરાબાદમાં ટ્રેનિંગ માટે જોડાઈ અને તેને મળી 148ની બેચ, જેમાં તે ટૉપર રહી. શાલિની પોતાની મહેનતના દમ પર આઈપીએસ અધિકારી બની પરંતુ ટ્રેનિંગ (65મી બેચ) દરમિયાન સર્વશ્રેષ્ઠ ટ્રેઈની પણ રહી. સર્વશ્રેષ્ઠ ટ્રેઈની હોવાના કારણે તેને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા સન્માનિત પણ કરવામાં આવી હતી. પોતાની ઉપલબ્ધીઓના કારણે તે રાષ્ટ્રપતિની હાજરીમાં થયેલી પાસિંગ આઉટ પરેડમાં આકર્ષણનું કેન્દ્ર બની.

ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ શાલિનીની પ્રથમ પોસ્ટિંગ હિમાચલમાં થઈ, જ્યારે તેણે કુલુમાં પદ સંભાળ્યું તો અપરાધીઓમાં ખળભળાટ મચી ગયો. તેણે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કેમ્પેન શરૂ કર્યું. શાલિનીએ કહ્યું કે,‘અમે 2 બહેનો અને એક ભાઈ છીએ. મોટી બહેન ડૉક્ટર છે, જ્યારે નાનો ભાઈ ઈન્ડિયન આર્મીમાં છે.’

બસ્તી જિલ્લાના એસપી સંકલ્પ શર્મા સાથે શાલિનીના લગ્ન થયા. શાલિનીને બાળપણથી જ પોલીસ અધિકારી બનવાનો શોખ હતો. તે માને છે કે, દીકરીઓને ભણાવવી જોઈએ અને યુવતીઓ યુવકો કરતા કોઈ ક્ષેત્રમાં પાછળ નથી તેઓ હંમેશા તેમનાથી આગળ નીકળતી રહી છે.

You cannot copy content of this page