Only Gujarat

FEATURED International

માત્ર 3800 રૂપિયામાં એક જ મિનિટમાં ખબર પડી જશે કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ?

તેલ અવીવ: ઈઝરાયલની બેન-ગુરિયન યુનિવર્સિટીના રિસર્ચરે એવી ઈલેક્ટ્રો-ઑપ્ટિકલ કોરોના ટેસ્ટ કિટ બનાવી છે, જે એક મિનિટમાં પરિણામ જણાવે છે. આ તપાસમાં નાક, ગળા અને ફૂંક વડે સેમ્પલ લેવાય છે. જેનાથી ખબર પડી શકે છે કે કોણ કોરોના પોઝિટિવ છે અને કોણ વગર લક્ષણે સંક્રમિત થયું છે. રિસર્ચર્સના દાવા અનુસાર, આ કિટ 90 ટકા સુધી સચોટ પરિણામ આપે છે. એક ટેસ્ટ કિટની કિંમત માત્ર 3800 રૂપિયા છે.

આવી રીતે કામ કરે છે કિટ: રિસર્ચર્સે જણાવ્યું કે, કિટમાં ખાસ પ્રકારના સેન્સરનો ઉપયોગ કરાયો છે, જે ખાસ કરીને વાઈરસને ઓળખવાનું કામ કરે છે. જ્યારે દર્દી ટેસ્ટ કિટમાં ફૂંકવાનું કામ કરે છે ત્યારે ડ્રૉપ્લેટ્સ થકી વાઈરસ સેન્સર સુધી પહોંચે છે. આ સેન્સર એક ક્લાઉડ સિસ્ટમ સાથે જોડાયેલું રહે છે. સેન્સર સિસ્ટમને એનાલિસિસ બાદ જણાવે છે કે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ.

આ ટેસ્ટ માટે લેબની જરૂર નથીઃ રિસર્ચર્સે જણાવ્યું કે, ટેસ્ટ કિટની કિંમત બીજા પીસીઆર ટેસ્ટ કરતા ઓછી છે. આ ટેસ્ટ ગમે ત્યાં કરાવી શકાય છે તેની માટે લેબની જરૂર નથી. એરપોર્ટ, બોર્ડર, સ્ટેડિયમ જેવા સ્થળો પર આ ટેસ્ટ કિટ ઘણી મદદગાર સાબિત થશે, જ્યાં રેપિડ ટેસ્ટની જરૂર હોય છે.

હવે કલાકો સુધી રાહ જોવાની જરૂર નથીઃ રિસર્ચ ટીમના પ્રોફેસર સારુસિએ કહ્યું કે,‘કોરોના વાઈરસના કણ નૈનો પાર્ટિકલ જેવા હોય છે. તેમનો આકાર 100 થી 140 નૈનોમીટર હોય છે. પીસીઆર કિટ વાઈરસના આરએનએ અને ડીએનએની ઓળખ કરી રિપોર્ટ આપે છે અને આમ કરવામાં કલાકો લાગે છે. જ્યારે નવા ટેસ્ટમાં એક મિનિટમાં જ ખબર પડી જાય છે કે દર્દી પોઝિટિવ છે કે નેગેટિવ.’

એફડીએ એપ્રૂવલ મેળવવાની તૈયારીઃ પ્રોફેસર સારુસિએ કહ્યું કે,‘ટ્રાયલના પ્રારંભથી જ આ ટેસ્ટ કિટના પરિણામ ઘણા સારા મળ્યા છે. તેની મદદથી ઓછા સમયમાં વધુ દર્દીઓની તપાસ કરી શકાય છે. કિટ વહેલી તકે લોકો સુધી પહોંચાડવા માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની એપ્રૂવલ લેવાની તૈયારી ચાલી રહી છે.’

You cannot copy content of this page