Only Gujarat

Bollywood

જીવને જોખમમાં મૂકીને આ મહિલા ફિલ્મમાં કરે છે ખતરનાક સ્ટંટ, હવે બે ટંક ખાવાના પણ ફાંફા

મુંબઈ: ગ્લેમરસ લાગતી એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ડાર્ક સાઈડ અવારનવાર સામે આવતી હોય છે, જે અંગે જાણ થાય ત્યારે વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે. પરંતુ આ વાત સત્ય છે કે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકો ખરાબ આર્થિક સ્થિતિમાં જીવી રહ્યાં છે. જ્યારે બીજી તરફ કોરોના મહામારીને કારણે આવા લોકોની મુશ્કેલીઓમાં સતત વધારો થયો છે. આવા જ લોકોમાં સામેલ છે સ્ટંટ વુમન શાલિની સોની. તેની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે.

માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય, રાની મુખર્જી, શ્રદ્ધા કપૂર, દિશા પટણી, કેટરીના કૈફ જેવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસિસના બોડી ડબલ તરીકે કામ કરનારી સ્ટંટ વુમન શાલિની સોની ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોથી જીવના જોખમે કામ કરતી રહી છે. હાલના સમયે શાલિની ઉજ્જૈનમાં પોતાની માતા પાસે ખરાબ આર્થિક સ્થિતિમાં રહે છે.

શાલિનીએ કહ્યું કે,‘લૉકડાઉનના એક દિવસ અગાઉ હું બીમાર માતાને મળવા પહોંચી હતી અને અહીં જ ફસાઈ ગઈ. મારી પાસળીઓમાં પાણી ભરાય જાય છે, જેથી નિયમિત સારવાર કરાવવી જરૂરી હોય છે. લૉકડાઉનના 3 મહિનામાં અમને એક રૂપિયાની કમાણી નથી થઈ અને તે અગાઉ હું 7 મહિના બેડ રેસ્ટ પર હતી.’

શાલિનીએ કહ્યું કે,‘એક બંગાળી ફિલ્મની શૂટિંગ દરમિયાન એક્ટ્રેસના સ્ટંટ કરતા સમયે મને ઈજા થઈ હતી અને મારા પગનું લિગામેન્ટ ટેયર થઈ ગયું હતું. 7 મહિના ઘરે બેસી રહ્યાં બાદ વિચાર્યું કે કામ પર જઈશ. પછી લૉકડાઉન આવી ગયું. અમારી સ્થિતિ ખરાબ છે. મારા પિતાનું નિધન થઈ ચૂક્યું છે. નાનો ભાઈ અભ્યાસ કરી રહ્યો છે. બહેન ઘરે અગરબત્તી બનાવવાનું કામ કરે છે. 1000 પેકેટના પેકિંગ પર 100 રૂપિયા મળે છે. મુંબઈમાં મારા ઘરનું 3 મહિનાનું ભાડુ ચઢી ગયું છે. હવે તો અમારે ખાવાના પણ ફાંફા થઈ ગયા છે. ઘરે હું એકલી જ કમાનાર વ્યક્તિ છું.’

શાલિનીએ આગળ કહ્યું કે,‘ખરાબ આર્થિક સ્થિતિને કારણે મારા લગ્ન પણ તૂટી ગયા. સમજમાં નથી આવતું કે શું કરું? શ્રદ્ધા, એશ્વર્યા, દિશા, રાની પાસે હેલ્પ માગુ? તેઓ મને મદદ કરશે? તેમની સાથે ડાયરેક્ટ વાત કરવાની મંજૂરી નથી હોતી? ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી લખવાની ઈચ્છા થાય છે પરંતુ શું લખું? કોણ મારી મદદ કરશે?’

ઉલ્લેખનીય છે કે, આશિષ રૉય અને રાજેશ કરીર જેવા કલાકારોએ પણ સોશિયલ મીડિયા પર મદદ માગી તો અમુક અંશે તેમને રાહત મળી પરંતુ તેઓ હજુપણ સંઘર્ષ કરી રહ્યં છે. આ સાથે ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થતા લોકો રોજીંદી જરૂરિયાત માટેની વ્યવસ્થા નથી કરી શકતા, જેના કારણે તેઓ બીમારીઓથી ઘેરાયેલા રહે છે.

You cannot copy content of this page