Only Gujarat

Business TOP STORIES

સ્ટોક માર્કેટના ‘બચ્ચન’ કહેવાતા હર્ષદ મેહતાના કૌભાંડ પૂરી સચ્ચાઈ, જાણો ક્યા છે પરિવાર?

મુંબઈઃ સોની લિવ પર 9 ઓક્ટોબરના રીલિઝ થયેલી વેબ સીરિઝની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. હર્ષદ મેહતાના વાસ્તવિક જીવન પર આધારીત છે વેબ સીરિઝ ‘સ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી’. જેની કહાણી 1980 અને 90 વચ્ચેના મુંબઈની છે. પ્રારંભ 1992માં મુંબઈના સેટઅપથી થાય છે, જ્યાં એક પત્રકાર એ જણાવવાનો પ્રયાસ કરે છે કે, બેંકો થકી 4000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. હર્ષદ મેહતાનું નામ તે સમયે એટલું મોટું હતું કે તેનું નામ લેતા પહેલા પત્રકાર પરસેવે રેબઝેબ થઈ જાય છે. આ વેબ સીરિઝ એક સ્ટોક બ્રોકર હર્ષદ મેહતાના જીવનને ફોલો કરે છે. જેણે એકલા જ સ્ટોક માર્કેટને ઊંચાઈ આપી અને પછી મોટો ઝાટકો પણ.

અહીં હર્ષદ મેહતા, 4 હજાર કરોડના કૌભાંડ, તત્કાલિન પીએમ પર લગાવેલા આરોપ તથા તેના રહસ્યમય મૃત્યુ અંગે વાત કરીશું. દલાલ સ્ટ્રીટ આ નામ અહીં થતા સૌથી જૂના બિઝનેસ ‘દલાલી’ પરથી પડ્યું. આ એક એવો માર્ગ છે જે વિશ્વની પ્રામાણિકતા બદલતી વસ્તુ એટલે પૈસાનો દબદબો રહે છે. અહીં પ્રામાણિકતાના એવા કાયદા પર ચાલે છે જે ક્યાંય લખેલા નથી. અહીં નફો અને નુકસાન બંને છે.

1954માં ગુજરાતી પરિવારમાં જન્મેલા હર્ષદ મેહતાએ પોતાનો મોટાભાગનું જીવન છત્તીસગઢના રાયપુરમાં પસાર કર્યું. અહીં જ સ્કૂલનો અભ્યાસ કર્યા બાદ મુંબઈ ગયા અને લાજપત રાય કોલેજથી બીકોમ કર્યું. તે પછી નાના કામથી લઈ ડાયમંડ વિણવાના કામ સુધીના કામો બદલ્યા.

સ્ટોક માર્કેટમાં મેહતાની એન્ટ્રી ત્યારે થઈ જ્યારે તેણે ધ ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીમાં નોકરી શરૂ કરી. અહીંથી તેનો રસ સ્ટોક માર્કેટમાં વધ્યો અને નોકરી છોડી તેણે 1981માં બ્રોકરેજ ફર્મ જોઈન કરી. 1984માં પોતે ગ્રો મોર રીસર્ચ મેનેજમેન્ટ નામની કંપની શરૂ કરી અને બોમ્બે સ્ટોક એક્ષચેન્જમાં બ્રોકર મેમ્બરશિપ લીધી. 1990 સુધીમાં હર્ષદ મેહતા મોટું નામ બની ગયું હતું. એવું કહેવાય છે કે, હર્ષદ મેહતા જે વસ્તુ પર હાથ રાખતો તે સોનું બની જતું. તેને સ્ટોક માર્કેટનો ‘બચ્ચન’ અને ‘બિગ બુલ’ પણ કહેવામાં આવતો.

કેવી રીતે થતું કૌભાંડ?
બેંકિંગ સિસ્ટમની ખામીનો ફાયદો ઉપાડી હર્ષદ મેહતાએ બેંકિંગ ટ્રાન્ઝેક્શનમાં ગોલમાલની શરૂઆત કરી. સુચેતા દલાલે તે સમયે પોતાના લેખમાં જણાવ્યું હતું કે, હર્ષદ મેહતાનું કૌભાંડ કેવી રીતે ચાલતું. હર્ષદ મેહતા રેડી ફોરવર્ડ (આરએફ) ડીલ થકી બેંકમાંથી ફંડ ઉપાડતો. આરએફ ડીલ એટલે શોર્ટ ટર્મ લોન. આ પ્રકારની લોન ઓછા સમયગાળા માટે આપવામાં આવે છે અને તેની મુદ્દત ઓછામાં ઓછા 15 દિવસ માટેની હોય છે.

આ ફંડ હેઠળ બેંક સરકારી બૉન્ડ ગીરવે મુકી બીજી બેંકોને ઉધાર આપે છે. રકમ પરત આવવા પર બેંક પોતાના બોન્ડ ફરી ખરીદી શકે છે. આ પ્રકારની લેવડ-દેવડમાં બેંકો વાસ્તવમાં બોન્ડની આપ-લે કરતા નથી. પરંતુ તેઓ બેંક રિસિપ્ટ બહાર પાડતા. આ હુંડી થકી કરવામાં આવતું. જેની સામે બેંક લોન આપતા. 2 બેંકો વચ્ચેની આ લેવડ-દેવડ વચેટિયાઓની મદદથી કરવામા આવતી. હર્ષદ મેહતાને આ લેવડ-દેવડની તમામ માહિતી હતી. આ જ કારણે હર્ષદ મેગતાએ પોતાની ઓળખનો ફાયદો ઉઠાવતા હેરાફેરી કરી પૈસા લીધા. પછી આ જ પૈસા માર્કેટમાં લગાવી જબરદસ્ત નફો મેળવ્યો. તે સમયે શેરમાર્કેટ રોજ અપ રહેતું. અમુક નિષ્ણાંતોના મતે ત્યારે આંખ બંધ કરી કોઈપણ શેર પર પૈસા લગાવવાનો અર્થ પ્રોફિટ જ થતો. બજારની તેજીનો ફાયદો ઉપાડવા જ હર્ષદ મેહતાએ હેરાફેરી કરી હતી.

સ્ટોક્સમાં પૈસા લગાવવા પૈસા ક્યાંથી મળતા?
હર્ષદ મેહતા બજારમાંથી વધુમાં વધુ નફો મેળવવા માગતો હતો. તેથી તેણે ફેક બેન્કિંગ રિસિપ્ટ બનાવડાવી. જેના થકી નાની બેંકોને ટાર્ગેટ કરી. બેંક ઓફ કરાડ અને મેટ્રોપોલિટન કો-ઓપરેટિવ બેંકમાં પોતાની સારી ઓળખનો ફાયદો ઉઠાવી હર્ષદ મેહતા બેંક રિસિપ્ટ મેળવતો. આ જ રિસિપ્ટના પૈસા ઉપાડી તે શેરબજારમાં લગાવતો. તે ઈન્ટ્રા-ડેમાં પ્રોફિટ કમાઈને બેંકોને પૈસા પરત કરી દેતો. જ્યાંસુધી શેરબજારમાં તેજી હતી ત્યાંસુધી કોઈને કૌભાંડનો અણસાર આવ્યો નહીં. પરંતુ માર્કેટમાંથી તેજી જતા હર્ષદ 15 દિવસમાં પૈસા પરત ના કરી શકતા તેની પોલ ખુલી ગઈ. હર્ષદ મેહતાના કૌભાંડનો ખુલાસો થયા બાદ જ શેર માર્કેટમાં રેગ્યુલેટર ના હોવાની ખોટ વર્તાઈ અને પછી જ સેબીની રચના કરવામા આવી.

આ રીતે ખુલી પોલ
1990ના દાયકામાં હર્ષદ મેહતાની કંપનીમાં મોટા રોકાણકારો પૈસા રોકતા, પરંતુ હર્ષદ મેહતાનું નામ સ્ટોક માર્કેટમાં છવાયું તો તેણે એસીસી એટલે એસોસિએટેડ સિમેન્ટ કંપનીમાં પૈસા રોકવાની શરૂઆત કરી. હર્ષદ મેહતાએ પૈસા લગાવતા એસીસીનું ભાગ્ય બદલાયું. કારણ કે જે એસીસીનું શેર 200 રૂપિયાનું હતું તેનો ભાવ 9000 થઈ ગયો. હર્ષદ મેહતાને 1550 સ્કે. ફૂટના સી ફેસિંગ પેન્ટ હાઉસથી લઈ મોંઘીદાટ કારના શૌખે તેને એક સેલિબ્રિટી બનાવી દીધો. એવું પ્રથમવાર બન્યું કે કોઈ નાનો બ્રોકર એટલું રોકાણ કરી રહ્યો છે કે દરેક રોકાણ સાથે કરોડોની કમાણી કરી રહ્યું છે. બસ આ સવાલે જ હર્ષદ મેહતાના સારા દિવસોને ખરાબમાં ફેરવતા વાર ના લગાડી.

1992માં હર્ષદ મેહતાના આ રહસ્ય પરથી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકાર સુચેતા દલાલે ઉઠાવ્યો હતો. સુચેતા દલાલે જણાવ્યું કે, હર્ષદ મેહતા 15 દિવસની લોન લઈ તે પૈસા માર્કેટમાં લગાવતો હતો અને 15 દિવસની અંદર નફા સાથે બેંકને પૈસા પરત કરી દેતો હતો. પરંતુ કોઈ બેંક 15 દિવસની લોન નહોતી આપતી. જોકે હર્ષદ મેહતાને આવી લોન મળી જાતી. તે એક બેંકથી ફેક રિસિપ્ટ બનાવડાવતો અને બીજી બેંકથી સરળતાથી પૈસા મળી પણ જતા. જોકે ભાંડો ફૂટ્યા બાદ તમામ બેંકે પોતાના પૈસા માગવાની શરૂઆત કરી. તે પછી હર્ષદ મેહતા પર 72 ક્રિમિનલ ચાર્જીસ અને સિવિલ કેસ ફાઈલ થયા હતા.

કૌભાંડ માટે લખતો હતો કોલમ
બેંકો પાસેથી લોન લેવાના કાંડથી હર્ષદ મેહતાને સંતોષ થયો નહોતો. તે અખબારોમાં એડવાઈઝરી કોલમ લખતો અને કઈ કંપનીમાં રોકાણથી ફાયદો થશે અને કઈ કંપનીમાં રોકાણથી નુકસાન તે અંગે સલાહ આપતો, જોકે પછી તેની પોલ ખુલી કે જે કંપનીમાં હર્ષદના પૈસા લાગેલા રહેતા તેમાં જ તે રોકાણ કરવાની સલાહ આપતો હતો.

પીએમ નરસિમ્હા રાવ પર લગાવ્યો હતો કૌભાંડનો આરોપ
હર્ષદે 1993માં પૂર્વ પીએમ અને તે સમયના કોંગ્રેસ અધ્યક્ષ પીવી નરસિમ્હા રાવ પર કેસથી બચવા માટે 1 કરોડની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો કે તેણે આ રકમ પીએમને એક સૂટકેસમાં આપી હતી. આ અંગે તેણે એક પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો અને તેમાં તેની સાથે રામ જેઠમલાની પણ હતા. તેણે દાવો કર્યો હતો કે, તે પીએમ આવાસ પર 1 સૂટકેસમાં 67 લાખ રૂપિયા લઈને ગયો હતો. તેમની વચ્ચે 1 કરોડની વાત થઈ હતી અને તેણે બીજા દિવસે બાકીની રકમ પહોંચાડી હતી. પીએમને લાંચ આપવાની વાત સાચી સાબિત થઈ નહીં. જોકે ખોટા આરોપ બદલ હર્ષદને સજા થઈ નહીં અને ના તો પીએમ પર લાંચ લેવા મામલે કોઈ સજા થઈ. પીએમ રાવ પર આરોપ હતો કે તેમણે નાંદિયાલ લોકસભા પેટાચૂંટણી માટે હર્ષદ મેહતા પાસેથી પૈસા લીધા હતા. જોકે કોંગ્રેસે આ દાવો ફગાવ્યો હતો.

રહસ્યમય મોત
હર્ષદ મેહતા પર ઘણા કેસ ચાલતા હતા પરંતુ તે 1 કેસમાં જ દોષિત સાબિત થયો. સુપ્રીમે તેને 5 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. મેહતા થાણે જેલમાં બંધ હતો. 31 ડિસેમ્બર 2001માં તેને છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઠાણે સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

શું કરી રહ્યો છે હર્ષદ મેહતાનો પરિવાર?
હર્ષદ મેહતાના નિધન બાદ તેનો પરિવાર કાયદાકીય લડાઈઓમાં અટવાયો હતો. લગભગ 27 વર્ષની કાયદાકીય લડાઈ બાદ ઈન્કમટેક્સ ટ્રિબ્યુનલે હર્ષદની પત્ની જ્યોતિ અને ભાઈ અશ્વિનની 2.014 કરોડના દાવાને ફગાવી દીધો હતો. જોકે તે જ વર્ષે એટલે કે 2019માં જ, જ્યોતિ મેહતા સ્ટોકબ્રોકર કિશોર જાનાની અને ફેડરલ બેંક સામેનો કેસ જીતી જેમની પાસેથી હર્ષદ મેહતાએ 1992માં 6 કરોડ લેવાના હતા. જ્યોતિને આ સમગ્ર રકમ 18 ટકાના વ્યાજે મળી. હર્ષદના ભાઈ અશ્વિન મેહતાએ 50 વર્ષની વય આસપાસ લૉની ડિગ્રી મેળવી અને મુંબઈ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં હાલ વકીલાત કરી રહ્યાં છે. તેમણે એકલા હાથે ઘણા કોર્ટ કેસ લડ્યા અને લગભગ 1700 કરોડ બેંકોને ચૂકવ્યા જેથી તેમના ભાઈના નામને ત્યાંથી ક્લિયર કરાવી શકે. અશ્વિને 2018 સુધી કાયદાકીય લડાઈ લડી અને સ્પેશિયલ કોર્ટ દ્વારા એસબીઆઈ સામેના કાંડ મામલે તેમને મુક્ત કર્યા હતા.

You cannot copy content of this page