Only Gujarat

FEATURED Gujarat

રાજકોટની દીકરીએ કરિયાવરમાં એવી કરી માગણી કે બાપની પણ છાતી ગજગજ ફૂલી!

રાજકોટઃ આજે પણ દીકરીના લગ્ન હોય તો પરિવારમાં ખુશીની સાથે સાથે એક અજીબ વ્યથા પણ હોય છે કે દીકરીને કરિયાવરમાં શું આપીશું? જો પરિવાર સુખી સંપન્ન હોય તો કોઈ જ વાંધો નથી પરંતુ જો ગરીબ પરિવાર હોય તો તેના માટે દીકરીના લગ્ન ચિંતાનું કારણ બની જાય છે. જોકે, જરૂરી નથી કે દીકરીને દર વખતે કરિયારવરમાં દાગીના, કપડાં, વાહન કે પછી ઘર આપવામાં આવે. હાલમાં જ રાજકોટમાં એક અલગ જ કિસ્સો જોવા મળ્યો હતો. પિતાએ પોતાની લાડકવાયીની ઈચ્છા પૂરી કરવા માટે છ મહિના સુધી મહેનત કરી હતી. દીકરીએ કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકો માગ્યા હતાં. એક અંદાજ મુજબ પુસ્તકોનું વજન 500 કિલો જેટલુ થાય છે. કિન્નરીબાનું વજન 50 કિલો છે અને પિતાએ દીકરીના વજનના 10 ગણા વજનના પુસ્તકોનો કરિયાવર ભેટમાં આપ્યો.

લગ્ન પછી કેનેડા જશેઃ કિન્નરીબાએ પિતા હરદેવસિંહ જાડેજા સામે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ કરિયાવરમાં વજન જેટલા પુસ્તકો ભેટ તરીકે આપે. પિતાએ દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે 2400 જેટલા પુસ્તકો આપવાનો નિર્ણય કર્યો હતો. આ પુસ્તકો લગ્નમાં ગાડું ભરીને આપવામાં આવ્યા હતાં. કિન્નરીબા પોતાના ફેવરિટ પુસ્તકો કેનેડા લઈ જશે અને બાકીના તમામ પુસ્તકો સ્કૂલને દાનમાં આપી દેશે, જેથી શાળાના બાળકો બુક્સ વાંચી શકે.

ઘરમાં પણ છે લાઈબ્રેરીઃ કિન્નરીબાના પિતા હરદેવસિંહ જાડેજા સ્કૂલમાં શિક્ષક છે. તેઓ રાજકોટના નાનામવામાં રહે છે. પિતા શિક્ષક હોવાથી કિન્નરીબાને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમનો આ શોખ મોટા થયા બાદ પણ અંકબંધ રહ્યો હતો. ગયા વર્ષે તેમનીસગાઈ વડોદરાના ભગીરથસિંહના દીકરા પૂર્વજિત સિંહ સાથે નક્કી થઈ હતી. પૂર્વજિત સિંહ કેનેડેમાં રહે છે અને ત્યાં એન્જિનિયર છે.

છ મહિનામાં યાદી તૈયાર કરીઃ શિક્ષક પિતાએ દીકરીને વજન પ્રમાણે કેવા કેવા પુસ્તકો આપવા તે માટે છ મહિના સુધી વિવિધ શહેરોમાં ફર્યાં, જેમાં તેઓ દિલ્હી, કાશી તથા બેંગાલુરુ ગયા હતાં. અહીંયા ફરીને તેમણે 2400 જેટલા પુસ્તકો ભેગા કર્યાં હતાં.

કયા કયા પુસ્તકો ભેટમાં આપ્યા? પિતાએ અંગ્રેજી, હિંદી, ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના વિવિધ 2400 જેટલા પુસ્તકો ગાડુ ભરીને રાખ્યા હતાં. આ પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણી, નરસિંહ મહેતા, ગુણવંત શાહ, કાજલ ઓઝા, મનોજ રાવ, જય વસાવડા, ગોસ્વામી તુલસીદાસથી લઈ વેદવ્યાસના પુસ્તકો સામેલ છે. આટલું જ નહીં સૂરદાસ, મહાદેવી વર્મા, પ્રેમચંદ, જયશંકર પ્રસાદ, ભારતેન્દુ હરિશ્ચંદ્ર, શેક્સપિયર, મિલ્ટન, ચેતન ભગતના પુસ્તકો પણ આપવામાં આવ્યા છે.

પૌરાણિક પુસ્તકો પણ ભેટમાં આપ્યાઃ માત્ર આધુનિક જ નહીં પરંતુ શિવપુરાણ, ભગવદગીતા, રામાયણ, મહાભારત, 18 પુરાણ, 6 શાસ્ત્ર, ચાર વેદ, ઈતિહાસ, સમાજ શાસ્ત્ર, ભૂગોળ, મનોવિજ્ઞાન, રાજકારણ, ખગોળ શાસ્ત્ર, ભગવદગોમંડળ સહિતના પુસ્તકોનો સમાવેશ કરાયો છે.

સમાજને નવી રાહ ચિંધીઃ આજે તો બાળકો જ નહીં પણ મોટેરાઓને પણ વાંચવાનો ઘણો જ કંટાળો આવે છે. અલબત્ત, કિન્નરીબા જેવા વ્યક્તિએ સમાજને અલગ રાહ ચિંધી છે. જીવનમાં પુસ્તકો કેટલા મહત્વના છે, તે વાત કિન્નરીબાએ પોતાના લગ્નમાં સમજાવી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page