Only Gujarat

National

દિલ્હીથી મુંબઈ પાલતુ પ્રાણીઓને લઈ જવાનો કુલ ખર્ચ 9.6 લાખ રૂપિયા

મુંબઈ: લૉકડાઉનના કારણે દેશ અને વિશ્વના જુદા-જુદા સ્થળોએ લાખો-કરોડો લોકો પોતાના ઘરે જવા રાહ જોઈ રહ્યાં છે. અમુક પાલતુ પ્રાણીઓ પણ પોતાના માલિકથી દૂર ફસાયેલા છે. હવે માલિકોને પોતાના પાલતુ પ્રાણીઓની ચિંતા થઈ રહી છે.

પાલતુ પ્રાણીઓને ઘરે લાવવા તેઓ કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. આવી જ એક ઘટના મુંબઈથી સામે આવી છે. અહીં સાઈબર સિક્યોરિટી રિસર્ચર દીપિકા સિંહે દિલ્હીમાં ફસાયેલા પાલતુ પ્રાણીઓને મુંબઈ લાવવા માટે એક સ્પેશિયલ 6 સીટર પ્રાઈવેટ જેટ બુક કર્યું છે. જેની પાછળ 9.6 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. એટલે કે, એક સીટ પર બેસનાર પાલતુ પ્રાણી માટે 1.6 લાખ રૂપિયા આપવા પડશે.

4 લોકો જોડાયા અને અન્ય 2 લોકોની શોધ કરવામાં આવી રહી છે
એક ગુજરાતી અખબાર સાથેની વાતચીતમાં દીપિકાએ જણાવ્યું કે, ‘અત્યારસુધી 4 લોકોએ આ જેટથી પોતાના પાલતુ પ્રાણીઓને ઘરે લાવવા માટેના દસ્તાવેજ પર સહી કરી છે. અમારો પ્રયાસ છે કે વઘુ 2 લોકો મળી જાય તો વ્યક્તિગત ખર્ચ ઓછો થઈ શકે. જો 2 લોકો નહીં મળે તો જે 4 લોકો તૈયાર થયા છે તેમના ખર્ચમાં વધારો થશે.’

અમુક ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં દીપિકાએ આ અંગે વાત કરતા કહ્યું હતું કે,‘અમુક દિવસ અગાઉ મે પોતાના સંબંધીઓને દિલ્હીથી મુંબઈ લાવવા એક પ્રાઈવેટ જેટ બુક કર્યું હતું. આ સમયે અમુક સંબંધીઓએ પાલતુ પ્રાણીઓ સાથે મુસાફરી કરવાનો ઈન્કાર કર્યો હતો, જ્યારે અમુક લોકો પોતાના પાલતુ પ્રાણીઓ સાથે જવા માગતા હતા. ત્યારે જ મે નિર્ણય કર્યો કે પાલતુ પ્રાણીઓને ઘરે લાવવા અલગથી પ્રાઈવેટ જેટ બુક કરીશ. હવે બધુ તૈયાર છે. જૂનના બીજા અઠવાડિયામાં તમામ પાલતુ પ્રાણીઓને મુંબઈ લાવી શકાશે.’

આ જેટ પાલતુ કૂતરા, ચકલીઓ, બિલાડીઓ માટે રહેશે જે લૉકડાઉનમાં ફસાયેલા છે. તેના કારણે પાલતુ પ્રાણીઓ સરળતાથી ઘરે પહોંચી શકશે. જેટનો બુકિંગ ચાર્જ 9.06 લાખ રૂપિયા છે. એક્રેશન એવિએશનના માલિક રાહુલ મુચ્છાલે જણાવ્યું કે, પાલતુ પ્રાણીઓના પ્રવાસ દરમિયાન વિમાનમાં કોરોના સંબંધિત ગાઈડલાઈનને ફોલો કરવામાં આવશે. તમામ પાલતુ પ્રાણીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાશે. મુંબઈથી દિલ્હીની મુસાફરી દરમિયાન આ પાલતુ પ્રાણીઓ એક પિંજરામાં યાત્રા કરશે.

 

You cannot copy content of this page