Only Gujarat

Gujarat

પતિની 25 લાખની વીમા પોલિસી અને જમીન માટે પત્નીએ ભાઇ સાથે મળી પતિની કરાવી હત્યા

જર, જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું. આ કહેવત દરેક તકરાર સમયે સાચી પડતી તેમ જોઈ હશે. પણ એક પત્નીએ 25 લાખની વીમા પોલિસી અને જમીન માટે પોતાના પતિની હત્યા કરાવી દીધી. રાજકોટના ગોંડલ તાલુકાનું વેકરી ગામ પાસે જ્યાં ડેમમાં પુલ પરથી એક કાર ખાબકી હતી. મોડી રાત્રે ફાયર બ્રિગેડે કારને બહાર કાઢી. જેમાં બે વ્યક્તિની લાશ હતી. હકીકતમાં આ કોઈ દુર્ઘટના નહીં, બલકે હતો હત્યાનો બનાવ. હત્યા કરી હતી મૃતક રમેશ બાલધાની પત્ની મંજૂ અને તેના ભાઈ નાનજીએ. પણ હત્યાકાંડમાં નિર્દોષ કારચાલક અશ્વિન પરમારનો પણ ભોગ લેવાયો.

આ ઘટનાની વિગત એવી છે કે, જૂનાગઢ રહેતા રમેશભાઇ કલાભાઇ બાલધા તેમની પત્ની મંજૂ ઉર્ફે મરિયમ અને સાળા એટલે કે મંજૂના ભાઇ નાનજી ઉર્ફે નાસીર ભીમા ત્રણ દિવસ પહેલા ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવા માટે ગયા હતા. ત્યારબાદ પરત ફરતી વખતે મંજૂ ઉર્ફે મરિયમ ગોંડલ ઉતરી ગઇ હતી. તે સમયે મંજૂનો ભાઇ નાનજીએ ડ્રાઇવર અશ્વિનને કાર ગોંડલના વેકરી તરફ લેવા માટે કહ્યું હતું.

જો કે પૂર્વઆયોજીત કાવતરા અનુસાર સાળાએ બનેવી અને ડ્રાઈવર બંનેને ખુબ જ દારૂ પીવડાવ્યો હતો. બંને દારૂ પીને ચિક્કાર થઇ જતાં નાનજીએ વેકરી નજીક ડેમ પાસે કાર ઊભી રાખી દારૂના નશામાં ચૂર બનેલા રમેશભાઈ અને અશ્વિન સહિત કારને પુલ નીચે ધક્કો મારી ગબડાવી દેતાં કાર 20 ફુટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતી. તેના કારણે રમેશભાઈ અને અશ્વિનભાઈનાં મોત નીપજ્યાં હતાં. બાદમાં નાનજી ઉર્ફે નાસીર ગોંડલ આવી બહેન મંજૂને લઇ જૂનાગઢ પરત ફર્યો હતો.

ત્રણ દિવસથી રમેશભાઈ લાપતા હોઈ તેમના ભાઇએ જૂનાગઢ પોલીસમાં જાણ કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બીજી બાજુ ડ્રાઇવર અશ્વિનભાઇ પણ ભાડું બાંધી ચોટીલા ગયા બાદ પરત નહીં ફરતાં તેના પરિવારે જૂનાગઢ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી. જેથી પોલીસ વડાએ તપાસ LCBને સોંપી હતી. એલસીબી તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે નાનજી અને રમેશભાઇની પત્ની મંજૂએ 25 લાખની વીમા પોલિસી પકવવા અને જમીન પડાવી લેવા માટે રમેશભાઇની હત્યા કરી હતી. તેના માટે સમગ્ર કાવત્રુ ઘડી કાઢ્યું હતું.

નાનજીના નિવેદનના આધારે ગોંડલ ફાયર બ્રિગેડનાં સ્ટાફે વેકરી ગામ પાસેથી ડેમ નજીક પુલ નીચે 20 ફૂટ ઉંડા પાણીમાંથી કારમાં રહેલી બે વ્યક્તિનાં મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મોડી રાત્રિના એક વાગ્યે બંન્નેના મૃતદેહો મળી આવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટનાક્રમમાં ભાડુ લઇને ગયેલા ડ્રાઇવરનું અકારણ જ મોત નિપજ્યું હતું. તાલુકા પોલીસે પતિની હત્યાની મુખ્ય સુત્રધાર મંજૂ ઉર્ફે મરિયમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરી નાનજી ઉર્ફે નાસીરની વધુ પૂછપરછ કરી છે.

You cannot copy content of this page