ઓછી મહેનત-રોકાણ છતાં પૈસા જ પૈસા, આ ખેડૂતની PM મોદીએ પણ કરી હતી પ્રશંસા

દેખાવે સુંદર આકર્ષક અને સ્વાદિષ્ટ એવા થાઇલેન્ડના ફળ ગણાતા ડ્રેગન ફ્રુટની ખેતી કરનાર વડોદરાના મોટા હબીપુરા ગામના ખેડૂત હરમાનભાઈ પોતાની આવક ડબલ નહીં, પણ દસ ગણી કરી રહ્યા છે. આ એજ હરમાનભાઈ છે કે જેમની પ્રશંસા PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કરી હતી. ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ કેન્સર, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ જેવા રોગો સામે ઔષધમાં થાય છે. સંપૂર્ણ ઓર્ગેનિક આ ફ્રુટની માંગ ખૂબ સારા પ્રમાણમાં છે. તેથી હરમાનભાઈની ખેતી અને આવક જોઈને અન્ય બે ખેડૂતોએ પણ ડ્રેગનની ખેતી શરૂ કરી.

પ્રગતિશીલ ખેડૂત હરમાનભાઇ પટેલે જણાવ્યું કે હું એપલ બોરની ખેતીની માહિતી મેળવવા માટે મહારાષ્ટ્રમાં ગયો હતો અને ત્યાંથી મને ડ્રેગન ફ્રૂટની ખેતીની જાણકારી મળી. નંદુરબારથી 60 રૂપિયાના ભાવે મેં ડ્રેગન ફ્રૂટના 400 છોડની ખરીદી કરી હતી. ટપક સિંચાઇ પદ્ધતિની મદદથી ખેતીની શરૂઆત કરતાં પ્રથમ પાકની આવક સારી થતાં પરિપક્વ છોડ થયા બાદ આવક વધુ સારી થશેનો વિશ્વાસ બેસતાં કુલ 2800 છોડની રોપણી કરી હતી.

ડ્રેગનનું ફળ તૈયાર થાય ત્યારે તેનું વજન 250 ગ્રામથી 300 ગ્રામ સુધીનું હોવા સાથે તેનો દેખાવ પરથી લાલ અંદરથી લાલ, સફેદ કે પીળા રંગનું દેખાય છે, કારણ કે તેનું બિયારણ ત્રણ રંગમાં આવતું હોય છે. ડ્રેગન ફ્રૂટ ફળની ખાસ ખાસિયત એ છે કે તેમાં કેલેરી પુષ્કળ પ્રમાણમાં હોવાથી લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા અને કેન્સર, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ જેવા રોગો સામે ઔષધમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે, હિમોગ્લોબિન વધારવા માટે, હાર્ટના રોગ માટે, સારા વાળ માટે, ચહેરા માટે, વજન ઘટાડવા માટે એનો ઉપયોગ થાય છે.

છેલ્લા ચાર વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને રૂટિન ખેતી કરીને આ ખેડૂત સારી કમાણી કરી રહ્યા છે. ધો-8 સુધીનો અભ્યાસ ધરાવતા ખેડૂત હરમાનભાઇ પટેલ પાસે 55 વીઘા જમીન છે, જેમાંથી હાલ 6 વીઘા જમીનમાં તેઓ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. તેમની સફળતાથી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી છે અને તેઓ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે.

ઓછો ખર્ચ, ઓછી મહેનત અને સારી ઊપજ સાથે સારી કમાણી આપતી આ ડ્રેગન ફળની ખેતીને જોવા તાલુકાના ખેતીપ્રેમી ખેડૂતો લાઇન લગાવે છે. હરમાનભાઇની ડ્રેગન ફ્રૂટની ખેતીની નોંધ સરકારે પણ લીધી છે. એ તો ઠીક દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં ડ્રેગન ફ્રૂટની ઓર્ગેનિક ખેતી માટે મોટા હબીપુરાના ખેડૂત હરમાનભાઇ પટેલની પણ પ્રશંસા કરી હતી.

આ લાંબા ગાળાની ખેતી દર વર્ષે એક જ વાર ફળ આપે છે અને એ પણ ઓગસ્ટ અથવા ત્યાર બાદ અને તેના છોડ પ્રથમ વર્ષથી જ ફળ આપવાનું શરૂ કરી દે છે. ત્રીજા વર્ષથી તેના ઉત્પાદનમાં સારો વધારો થાય છે. ડ્રેગન ફ્રૂટ એક નંગ 80 રૂપિયાના ભાવે વેચાય છે અને 300થી 400 રૂપિયે કિલોના ભાવે વેચાય છે. ઓછી મહેનત, ઓછું રોકાણ અને સારી ઊપજને કારણે હાલ ડ્રેગન ફળની ખેતી કરીને આ ખેડૂત વર્ષે રૂપિયા 6 લાખની કમાણી કરી રહ્યા છે.