Only Gujarat

FEATURED Health

વજન વધારે છે તો અત્યારથી જ ચિંતા કરવાનું શરૂ કરી દો, કોરોનાની રસી તમારા પર નહીં કરે કામ!

ન્યૂયોર્કઃ તાજેતરમાં ઘણાં રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યું છે કે કોરોનાનું જોખમ મેદસ્વી લોકોને વધુ રહે છે. જોકે હવે અમુક સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ એવી આશંકા વ્યક્ત કરી છે. તેમને ડર છે કે જો કોરોનાની વેક્સિન આવી પણ જાય તો તે મેદસ્વી લોકો પર અસર નહીં કરે અને તેમની પર અગાઉની જેમ સંક્રમણનું જોખમ રહેશે.

આ અગાઉ ઘણા અભ્યાસમાં સામે આવ્યું છે કે ઈન્ફ્લૂએન્ઝા અને હેપેટાઈટિસ બીની વેક્સિનની અસર મેદસ્વી લોકો પર ઓછી જોવા મળે છે., જેના કારણે તેઓ ઝડપથી બીમાર થાય છે અને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરતા રહે છે. ઘણીવાર તેમના અંગો કામ કરવાનું બંધ કરી દે છે, જેના કારણે તેમનું મોત પણ થઈ શકે છે. મે 2017ના એક અભ્યાસ અનુસાર, હેપેટાઈટિસ બી વેક્સિનના કારણે મેદસ્વી લોકોમાં બનેલી એન્ટિબોડી સામાન્ય વજન ધરાવતા લોકોની સરખામણીએ ઓછી થઈ ગઈ હતી.

બર્મિંઘમમાં અલાબામા યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ્રીના પ્રોફેસર ડૉક્ટર ચાડ પેટિટે ડેઈલી મેઈલને જણાવ્યું કે,‘એવું નથી કે કોરોના વાઈરસની વેક્સિન મેદસ્વી લોકો પર કામ નહીં કરે, પરંતુ સવાલ એ છે કે તેમના શરીર પર તે કેટલી અસરકારક સાબિત થશે. બીજા શબ્દોમાં કહીએ તો આ વેક્સિન મેદસ્વી લોકો પર કામ તો કરશે પરંતુ તેટલી અસરકારક નહીં હોય.’

અમેરિકાના સીડીસી (Centers for Disease Control and Prevention)એ જણાવ્યું કે, તેમના દેશના લગભગ 42.4 ટકા પુખ્તવયના લોકો મેદસ્વીતાના શિકાર છે. જ્યારે બાળકોમાં આ આંક 18.5 ટકા છે. મેદસ્વીતા ટાઈપ 2 ડાયાબિટીઝ, સ્ટ્રોક, હાર્ટ અટેક અને અમુક પ્રકારના કેન્સર માટે પણ જોખમી મનાય છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી કે, અમેરિકાના મોટાભાગના યુવાનોમાં મેદસ્વીતાની સમસ્યા છે, જેના કારણે અમેરિકામાં પુખ્તવયના મેદસ્વી લોકોની ટકાવારી વધતી જ જશે.

ગંભીર રીતે મેદસ્વીતાનો સામનો કરી રહેલા લોકોની ઈમ્યુનિટી સિસ્ટમ પણ નબળી પડી જતી હોય છે. મેદસ્વીતાના કારણે ઈમ્યુન સિસ્ટમમાં સોજો જોવા મળે છે અને તેના કારણે શરીર વાઈરસ સામે લડી શકતું નથી. આ અગાઉ પણ ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં વેક્સિન લગાવ્યા બાદ પણ મેદસ્વી લોકોમાં ખરાબ ઈમ્યૂન સિસ્ટમ જોવા મળી છે.

વેંડરબિલ્ટ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં સંક્રામક બીમારીઓના પ્રોફેસર ડૉક્ટર વિલિયમ શેફનરે જણાવ્યું કે, ‘મેદસ્વી લોકો માટે વેક્સિનના ઈન્જેક્શનનો આકાર મહત્ત્વપૂર્ણ છે. સામાન્ય રીતે વેક્સિનમાં 1 ઈંચની સોયનો ઉપયોગ થાય છે. જે વધુ પડતું વજન ધરાવતા લોકો માટે અસરકારક નથી હોતી.

મેદસ્વી લોકો પર લાંબી સોય વધુ કારગર નીવડે છે. ડૉક્ટર્સે સોયની લંબાઈ બાબતે એલર્ટ રહેવું જોઈએ. જો તમે ઈન્ટ્રામસ્ક્યુલર ઈન્જેક્શન આપતા હોવ તો તે સ્નાયુઓ સુધી પહોંચવુ જોઈએ.’ ડૉ. શેફનરે સામાન્ય ફ્લૂ માટે પણ વેક્સિન લગાવવા માટે લોકોને સલાહ આપી.

You cannot copy content of this page