Only Gujarat

National

દેશની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાંથી મળ્યો કોરોનાનો પહેલો કેસ, અહીં સંક્રમણ ફેલાયું તો પરિસ્થિતિ થશે બેકાબુ

દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ એ હદે ફેલાઈ રહ્યું છે કે, આર્થિક અને મેડિકલ રીતે સજ્જ એવા દેશોએ પણ હાર માની લીધી છે. ચીનના વુહાનમાંથી નિકળેલ આ વાયરસે દુનિયાભરમાં લોકોને પોતાના ભોગ બનાવ્યા છે. દુનિયામાં અત્યાર સુધીમાં 9.35 લાખ લોકો આ વાયરસના ભોગ બની ચૂક્યા છે. જેમાં 47,245 લોકોનાં તો મૃત્યુ પણ નીપજી ચૂક્યાં છે. હવે ધીરે-ધીરે આ વાયરસ ભારતમાં પણ મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં ભારતમાં બે હજાર કરતાં વધારે પોઝિટિવ કેસ આવી ચૂક્યા છે. જેમાંથી 58 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં કોરોનાથી સૌથી વધારે મહારાષ્ટ્ર પ્રભાવિત થયું છે. અત્યાર સુધીમાં અહીંથી 300 કરતાં પણ વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. હવે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કહેવાતી ધારાવીમાંથી પણ એક પોઝિટિવ કેસ મળ્યો છે. પંદર લાખની વસ્તી ધરાવતી આ ઝૂંપડપટ્ટીમાં જો આ વાયરસ ફેલાય તો પરિસ્થિતિ કાબુ બહાર થઈ જશે. આજે અમે તમને જણાવી રહ્યા છીકે, કેવું જીવન જીવી રહ્યા છે ધારાવીના લોકો…

પંદર લાખની વસ્તી ધરાવતી આ ઝૂંપડપટ્ટીમાંથી પહેલો કોરોનાનો દરદી મળ્યો છે. આ દરદીની ઉંમર 56 વર્ષ છે. આ વૃદ્ધ વ્યક્તિ એક નાનકડી ઝૂંપડીમાં 8-10 લોકો સાથે રહેતા હતા. ઘરના બધા જ સભ્યોને કોરંટીન કરવામાં આવ્યા છે. કોરોનાના આ કેસથી મુંબઈ વહિવટીતંત્ર સહિત દેશભરમાં લોકોને ચિંતા થઈ ગઈ છે.

આ વ્યક્તિની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ઘરવાળાંના જણાવ્યા અનુસાર, તેમના કોઇ ઓળખીતામાં કોઇ વિદેશમાંથી આવ્યું પણ નથી. એટલે હવે મુખ્ય ચિંતાનો વિષય એ છે કે, આ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો કેવી રીતે?

ધારાવીની ઝૂંપડપટ્ટી 613 હેક્ટરમાં ફેલાયેલ છે. જેમાં માચિસના ડબ્બા જેવા ઘરોમાં 15 લાખ લોકો રહે છે. એક ઘરમાં આઠ-દસ લોકો રહે છે. અહીં ગંદકીના પણ ઢગલા જોવા મળે છે, એટલે અહીં કોરોના ફેલાતાં વાર નહીં લાગે. ધારાવીને 1880 માં અંગ્રેજોએ વસાવી હતી. અત્યારે આ ઝૂંપડપટ્ટીની હાલત ખૂબજ ખરાબ છે. અહીં દૂર-દૂર સુધી ખુલ્લી જમીન જોવા પણ નથી મળતી. આખો વિસ્તાર ઝૂંપડીઓથી ભરાયેલો છે.

ઝૂંપડીઓમાં જ લોકો પોત-પોતાનો નાનો-નાનો બિઝનેસ કરે છે, જેમાં ચામડાનો, ટેક્સટાઇલ અને માટીનો બિઝનેસ મુખ્ય છે. ધારાવીમાં જ્યારે લોકો રસ્તાઓ પર નીકળે છે ત્યારે નીચે એક તણખલા જેટલી જગ્યા પણ રહેતી નથી. આટલી ભીડ-ભાડવાળા વિસ્તારમાં કોરોનાને રોકવો ખૂબજ મુશ્કેલ છે.

એવું કહેવાય છે કે, ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે, પરંતુ આ સત્ય નથી. પાકિસ્તાનના કરાંચી પાસે ઓરાંગી શહેર એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. ધારાવીમાં મોટાભાગે પ્લાસ્ટિક રિસાઇકલનો બિઝનેસ થાય છે. અહીં પ્લાસ્ટિક અને સોયનું રિસાયકલિંગ થાય છે. ધારાવીમાં મોટાભાગે બે માળનાં મકાન અથવા નાનાં મકાન હોય છે, જેમાં સંખ્યાબંધ લોકો રહે છે.

દુનિયાના સંખ્યાબંધ દેશોમાં જે રીતે કોરોનાનું સંક્રમણ ફેલાયું છે , એ જોતાં જો ભારતમાં ફેલાશે તો, પરિસ્થિતિ ખૂબજ ગંભીર બની જશે. જે ધારાવીમાંથી કોરોનાનો એક કેસ મળ્યો છે, ત્યાં તો તેનું સંક્રમણમાં પેટ્રોલમાં લાગતી આગની જેમ ફેલાઇ શકે છે.

ભારતમાં કોરોનાના સૌથી વધારે દરદીઓ મહારાષ્ટ્રમા છે. અહીં અત્યાર સુધીમાં ત્રણસો કરતાં વધારે પોઝિટિવ કેસ મળી ચૂક્યા છે. 321 કેસમાં 99 કેસ તો માત્ર છેલ્લા 36 કલાકમાં નોંધાયા છે. ભારતમાં અત્યારે કોરોનાનું એપી સેન્ટર ઈંદોર બની ગયું છે, એક બાદ એક નવા-નવા કેસ આવી રહ્યા છે સતત અહીં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page