Only Gujarat

Sports

ગૌતમ ગંભીરે કરી મોટી જાહેરાત, કોરોના સામેની લડાઈમાં દિલ ખોલીને કર્યું દાન

કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણ સામેની લડાઇના મેદાનમાં હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર અને પૂર્વ દિલ્હીના બીજેપીના સાંસદ ગૌતમ ગંભીર પણ ઉતર્યા છે. 2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની જીતના હીરો રહી ચૂકેલ ગૌતમ ગંભીરે આ જીવલેણ વાયરસ સામેની લડાઇમાં પોતાનું યોગદાન આપવાની જાહેરાત કરી છે.
આ જીવલેણ બીમારીનું સંક્રમણ એ હદે વધી ગયું છે કે, દુનિયામાં અત્યાર સુધીમાં તેનાથી 47,000 કરતાં પણ વધારે લોકોનાં મૄત્યુ થઈ ચૂક્યાં છે અને બહુ જલદી આ આંકડો પચાસ હજારને આંબી જશે. ભારતમાં પણ તેના કારણે 64 કરતાં પણ વધારે લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

ગૌતમ ગંભીરે ગુરૂવારે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી પીએમ કેયર્સ ફંડમાં ડોનેશન આપવાની જાહેરાત કરી છે. ગૌતમ ગંભીરે ટ્વિટ કરી કહ્યું, ‘લોકો પૂછે છે કે, તમારો દેશ તમારા માટે શું કરી શકે છે? જ્યારે સાચો સવાલ તો એ છે કે, તમે તમારા દેશ માટે શું કરી શકો છો? હું મારા બે વર્ષનો પગાર પીએમ કેયર્સ ફંડમાં દાનમાં આપી રહ્યો છું, તમે પણ આગળ આવો.’

ઉલ્લેખનિય છે કે, ગૌતમ ગંભીરે આ જાહેરાત 2 એપ્રિલના રોજ કરી હતી. ગૌતમ ગંભીર માટે આ તારીખ ખૂબજ મહત્વની છે. 9 વર્ષ પહેલાં 2-એપ્રિલ, 2011 ના રોજ ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 97 રનની ઈનિંગ રમી ભારતને 28 વર્ષ બાદ ચેમ્પિયન બનાવ્યું હતું.

આ પહેલાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, તેમની ગૌતમ ગંભીર ફાઉન્ડેશન ગરીબો અને જરૂરિયાતવાળા લોકોના ભોજનની વ્યવસ્થા કરી રહ્યું છે, જેમને કોરોના વાયરસના લોકડાઉનના કારણે મુશ્કેલીઓનો સામનો કરાવો પડી રહ્યો છે. તેના અંતર્ગત ગંભીર તેમના લોકસભા ક્ષેત્રમાં ગરીબ લોકોમાં ફૂટ પેકેટની વહેંચણી કરી રહ્યા છે.

58 ટેસ્ટ મેચ અને 147 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકેલ જાણીતા બેટ્સમેન ગંભીર 2007 માં ટી-20 વર્લ્ડ કપ અને 2011 માં વનડે વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમના મહત્વના સભ્ય રહી ચૂક્યાં છે. 2011 ની વર્લ્ડકપ મેચમાં તેમણે 122 બોલમાં 97 રન બનાવ્યા હતા.

વર્લ્ડકપ ફાઇનલમાં ભારતને જીત માટે 275 રનનો ટાર્ગેટ મળ્યો હતો. યજમાન ટીમની શરૂઆત બહુ સારી નહોંતી રહી. ઓપનર સહેવાગ શૂન્ય તો સચિન અઢાર રને આઉટ થઈ ગયા હતા. ત્રીજા નંબરે બેટિંગ માટે આવેલ ગંભીર એક છેડે ટકી રહ્યા અને 97 રન બનાવ્યા અને ટીમને જીત સુધી પહોંચાડી. ધોની અને ગંભીરે 109 રનની નિર્ણાયક ભાગીદારી નોંધાવી હતી.

ગંભીર 58 ટેસ્ટ અને 147 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. જેમાં ટેસ્ટમાં 4154 રન અને વનડેમાં 5238 રન કર્યા છે. તેમણે 37 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 27.41 રનની એવરેજથી 932 રન બનાવ્યા છે. તેમણે વનડેમાં 11 સદી અને ટેસ્ટમાં 9 સદી બનાવી છે. ગંભીરે 251 ટી-20 મેચ રમી છે, જેમાં કુલ 6402 રન બનાવ્યા છે અને 53 અડધી સદી બનાવી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page