Only Gujarat

National TOP STORIES

સાસુ-સસરાએ વિધવા પુત્રવધૂના વાજતે-ગાજતે કરાવ્યા લગ્ન, દીકરીની જેમ આપી વિદાઈ

મધ્યપ્રદેશના રતલામમાં એક અનોખા લગ્ન યોજાઇ ગયા. 8 વર્ષ પહેલા સાસુ-સસરા જે યુવતીને પુત્રવધુ બનાવી ઘરે લાવ્યા હતા તેને જ દિકરી બનાવી વિદાઇ કરી. સાસુ-સસરાએ એવી રીતે પુત્રવધુના લગ્ન કરાવ્યા જેમ તેઓએ પોતાની સગી દીકરીના લગ્ન કરાવ્યા હતા. લોકડાઉન દરમિયાન આ લગ્નની ભારે ચર્ચા થઇ રહી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી 3 પરિવારોના સમિત સભ્યો જ લગ્નમાં હાજર રહ્યાં હતા. સાસુ-સસરાએ પોતાની પુત્રવધુનું દીકરીની જેમ જ કન્યાદાન કરી સંપૂર્ણ રીતિ-રિવાઝ સાથે વિદાઇ કરી હતી.

સાસુ-સસરાએ પોતાની ઢળતી ઉંમરને ધ્યાને રાખી પુત્રવધુના પૂર્નવિવાહ સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે કરી પોતાના ઘરેથી વિદાઇ કરી. આ સારાકાર્યમાં લોકડાઉન પણ આડે આવ્યું ન હતું. કારણ કે લગ્નમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું એટલે કે ત્રણ પરિવારના સીમિત સભ્યો જ હાજર રહ્યાં હતા.

કાટજુ નગરમાં રહેતા 65 વર્ષિય સરલા જૈનના પુત્ર મોહિત જૈનનું આષ્ટામાં રહેતા સોનમ સાથે અંદાજે 8 વર્ષ પહેલા લગ્ન થયા હતા પરંતુ લગ્નના 3 વર્ષ બાદ જ પુત્ર મોહિત કેન્સર પીડિત થઇ ગયો. ત્રણ વર્ષ સુધી પુત્રવધુ સોનમે પોતાના પતિની ખુબ જ સેવા કરી પરંતુ જીવનની જંગ મોહિત હારી ગયો. ત્યારબાદ પણ સોનમ સાસુ-સસરાની પાસે પુત્રીની જેમ રહેવા લાગી અને સાસુ-સસરાની લાડલી બની ગઈ. ત્યારથી લઇને આજસુધી સાસુ-સસરાએ માતા-પિતા બની સોનમને પુત્રીની જેમ રાખી. તો સોનમે પણ સાસુ-સસરાને માતા-પિતા માન્યા અને ખુબ સેવા કરી.

સસરા ઋષભે જણાવ્યું કે 8 વર્ષ પહેલા પુત્રના લગ્ન કરી પુત્રવધુને ઘરે લાવ્યા હતા પરંતુ પુત્ર ત્રણ વર્ષ બાજ દુનિયા છોડી જતો રહ્યો અને પુત્રવધુ પુત્રી બની અહીં રહેતી હતી. હવે અમારી તો ઉંમર થઇ ગઇ છે અને અમારી પુત્રી જે અમારી પુત્રવધુ છે તેનું આખું જીવન હજુ બાકી છે આથી નાગદામાં રહેતા સૌરભ જૈન સાથે તેના લગ્ન કર્યા છે. સૌરભ સારુ કામ કરે છે. અમારી પુત્રવધુ પણ ભણેલી-ગણેલી છે અને સમજદાર પણ છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તે હંમેશા ખુશ રહે.

પરિવારજનોને નાગદા જઇને લગ્ન કરવાના હતા હોટલ પણ બૂક થઇ ગઇ હતી પરંતુ લોકડાઉન હોવાથી કેટલીક સમસ્યા થઇ રહી હતી. આથી મોહિતના મામા લલિત કાંઠેડે પ્રસાશન સાથે વાત કરી અને પોતાના જ ઘરે પુત્રવધુ સોનમના લગ્નની તમામ વ્યવસ્થા કરાવી દીધી.

એક ક્ષણ એવી પણ હતી જ્યારે 8 વર્ષ પહેલા સાસુ પોતાની પુત્રવધુ સોનમને આષ્ટા સાથે ખુશી-ખુશી વિદાઇ કરી પોતાના ઘરે લાવી હતી અને હવે 6 વર્ષ બાદ એવી ક્ષણ આવી કે એ જ સાસુ પોતાની પુત્રવધુ સોનમને પુત્રી બનાવી વિદાઇ કરી. આ ક્ષણે સાસુ-સસરાની આંખમાંથી આંસુ છલકાઇ ગયા હતા.

આ લગ્ન પર સાસુ સરલા જૈને કહ્યું કે પુત્રવધુના લગ્ન એટલા માટે કરાવ્યા કે હવે અમે બંને પતિ-પત્ની જ રહ્યા છે અમારી ઉંમર થઇ ગઇ છે પરંતુ પુત્રવધુની ઉંમર હજુ બાકી છે.

અમારા જતા રહ્યાં બાદ તેનું જીવન એકલું થઇ જાય તેમ હતું આથી અમે તેના લગ્ન કરાવ્યા. પુત્રવધુને જ્યારે વિદાઇ કરી તો પુત્રીના રૂપમાં વિદાઇ કરી. એ તમામ વસ્તુ દીધી જે પુત્રીને આપી હતી.

You cannot copy content of this page