તો શું હવે આ કારણથી કોરોનાને કારણે લોકો ‘ઓછા બીમાર’ થઈ રહ્યા છે?

લંડનઃ ફેસ માસ્કનું કામ લોકોને વાયરસ અને અન્ય પ્રદૂષિત કણોથી બચાવવાનું છે. એટલે જ લોકોને કોરોના મહામારીમાં ફેસ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે, પરંતુ એવું લાગે છે કે ફેસ માસ્ક અજાણતા જ લોકોમાં ઓછી માત્રામાં વાયરસ પહોંચાડી રહ્યો છે, જેથી લોકો વધુ બીમાર નથી પડી રહ્યા અને ઈમ્યૂન પણ થઈ રહ્યા છે. કેટલાક એકેડમિક્સે ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસીનના લેખમાં એ દાવો કર્યો છે. જો કે, તબીબોનું કહેવું છે કે આ માત્ર એક થિયરી છે અને તેના પર અભ્યાસ કરવાની જરુર છે.

બ્રિટિશ ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર, એકેડમિક્સનું કહેવું છે કે બની શકે કે માસ્ક અજાણતા જ લોકોમાં કોરોના ઈમ્યુનિટી આપી રહ્યા છે, જેના કારણે લોકો કોરોનાથી ઓછા બીમાર પડી રહ્યા છે. જો કે વૈજ્ઞાનિક રૂપથી હજુ આ થિયરી સાબિત નથી થઈ, પરંતુ એકેડમિક્સને આશા છે કે, આ થિયરીને સાબિત કરી શકાય છે.

એકેડમિક્સનું કહેવું છે કે માસ્ક પહેરવાના કારણે વસ્તીમાં મોટી સંખ્યામાં લોકો લક્ષણ વગર જ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. કારણ કે માસ્કના કારણે વાયરસના ઓછા કણો તેની સુધી પહોંચે છે. કેટલાક અભ્યાસમાં એવા સંકેત મળ્યા છે કે શરૂઆતમાં વ્યક્તિ વાયરસની જેટલી માત્રાથી સંક્રમિત થયા છે, તેના આધાર પર એ નક્કી થાય છે કે તે કેટલી વધારે બીમાર થશે. જો કે, આ થિયરીને સાબિત કરવા માટે ક્લિનિકલ સ્ટડીની જરૂર છે.

આર્જેન્ટિનાના એક જહાજ પર સવાર મુસાફરો પર આવો જ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જણાયું કે જેમણે એન95 માસ્ક પહેર્યા હતા, તેમાં લક્ષણો વિના સંક્રમિત થવાનો દર 81 ટકા હતો. પરંતુ તેના પહેલા જે જહાજો પર લોકોએ માસ્ક નહોતા પહેર્યા તેમાં લક્ષણો વિના સંક્રમિત થવાનો દર માત્ર 20 ટકા હતો.