Only Gujarat

Bollywood TOP STORIES

કપૂર પરિવારના ભાણેજના લગ્નમાં ગુજરાતી સાડી પહેરેલી આ મહિલા કોણ? ગુજરાત સાથે ખાસ કનેક્શન

મુંબઈઃ હાલમાં જ કપૂર પરિવારના લાડલા ભાણેજ અરમાન જૈનના રંગેચંગે લગ્ન લેવામાં આવ્યા હતાં. કપૂર પરિવાર બોલિવૂડના સૌથી બહોળા પરિવારમાંથી એક છે. કપૂરના ત્યાં કોઈ લગ્ન હોય અને તેમાં ઝાકમઝોળ ના હોય તેમ શક્ય નથી. કપૂર પરિવારના લગ્નમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. રીષિ-રણધીર તથા રાજીવ કપૂરની બહેન રીમા જૈનના દીકરા અરમાન જૈને ત્રણ ફેબ્રુઆરીના રોજ અનિસા મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના બીજા દિવસે ભવ્ય રિસેપ્શન આપવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં શાહરુખ ખાનથી લઈ મુકેશ અંબાણી, નીતા અંબાણી, ટીના અંબાણી, ગૌતમ સિંઘાનીયા સહિતના દિગ્ગજો આવ્યા હતાં. જોકે, રિસેપ્શનમાં લાલ ગુજરાતી સાડી પહેરેલી મહિલા કપૂર પરિવારમાં ખાસ સ્થાન ધરાવે છે.

રેડ સર્કલમાં કંચન દેસાઈ તથા અરમાન જૈનની મહેંદી સેરેમનીમાં કપૂર પરિવાર, નીલા દેવી સાવકા દીકરા આદિત્ય તથા વહુ પ્રીતિ સાથે

કોણ છે લાલ સાડી પહેરેલી મહિલા? લાલ ગુજરાતી સાડી પહેરેલી મહિલા પોતાની બંને દીકરીઓ સાથે રિસેપ્શનમાં આવી હતી. આ મહિલાએ અરમાન જૈનના દરેક પ્રસંગમાં હાજરી આપી હતી. આટલું જ નહીં આ મહિલાના કપૂર પરિવાર સાથે ખાસ સંબંધ છે. આ મહિલા બીજું કોઈ નહીં પણ સ્વ. શમ્મી કપૂરની દીકરી કંચન કપૂર છે.

સ્વ. શમ્મી કપૂર સ્વ. પ્રથમ પત્ની ગીતાબાલી તથા બે સંતાનો આદિત્ય તથા કંચન સાથે

શમ્મી કપૂર-ગીતા બાલીની દીકરીઃ શમ્મી કપૂર 1955માં બોલિવૂડ એક્ટ્રેસ ગીતા બાલી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના એક વર્ષ બાદ ગીતાએ દીકરા આદિત્યને જન્મ આપ્યો હતો. 1961માં ગીતાએ દીકરી કંચનને જન્મ આપ્યો હતો. જોકે, 1965માં ગીતાબાલીને અછબડા નીકળતા તેમનું નિધન થયું હતું.

સ્વ. પૃથ્વીરાજ કપૂર ત્રણ દીકરાઓ શશિ, રાજ કપૂર તથા શમ્મી કપૂર સાથે

શમ્મી કપૂર અને રાજકપૂર સગા ભાઈઓઃ પૃથ્વીરાજ કપૂરને ત્રણ દીકરાઓ તથા એક દીકરી હતી, જેમાં સૌથી મોટો દીકરો એટલે રાજ કપૂર, બીજા નંબરનો દીકરો શમ્મી કપૂર અને ત્રીજા નંબરનો દીકરો એટલે શશિ કપૂર. દીકરી ઉમા પણ હતી. રાજ કપૂરને પાંચ સંતાનો, જેમાં રણધીર કપૂર, રીષિ કપૂર, રાજીવ કપૂર, રીતુ નંદા તથા રીમા જૈનનો સમાવેશ થાય છે. શમ્મી કપૂરને બે સંતાનો, જેમાં આદિત્ય રાજ કપૂર તથા કંચન કપૂર સામેલ છે. શશિ કપૂરને બે દીકરા અને એક દીકરી છે, જેમાં કરન કપૂર, કુનાલ કપૂર તથા સંજના કપૂર છે. એટલે કે કંચન કપૂર એક્ટ્રેસ કરીના-કરિશ્મા-રણબીરની ફોઈ તથા અરમાન જૈનની માસી થાય છે.

સ્વ. શમ્મી કપૂર બીજી પત્ની નીલાદેવી સાથે

શમ્મી કપૂર બીજા લગ્ન ગુજરાતી સાથે કર્યાં: 1965માં ગીતાબાલીના નિધન બાદ શમ્મી કપૂરે બીજા લગ્ન કર્યાં હતાં. તેમણે બીજા લગ્ન 1969માં ભાવનગરના રાજવી પરિવારની દીકરી નીલાદેવી ગોહિલ સાથે કર્યાં હતાં. આ લગ્નથી શમ્મીને કોઈ સંતાન નહોતું. વર્ષ 2011માં 79 વર્ષની ઉંમરમાં શમ્મી કપૂરનું કિડની ફેઈલ થવાને કારણે નિધન થયું હતું. નીલાદેવી સાવકા દીકરા આદિત્ય સાથે રહે છે. જોકે, નીલાદેવીએ ક્યારેય સંતાનોને સાવકા ગણ્યા નહોતાં. કપૂર પરિવારમાં તેમનું આગવું સ્થાન છે.

કંચન કપૂર પતિ કેતન દેસાઈ સાથે

કંચને ગુજરાતી સાથે લગ્ન કર્યાં: કંચન કપૂરની સાવકી માતા એટલે નીલાદેવી ગુજરાતી છે. કંચને પણ ગુજરાતી પરિવારમાં જ લગ્ન કર્યાં છે. બોલિવૂડના જાણીતા ડિરેક્ટર સ્વ. મનમોહન દેસાઈ (‘અમર અકબર એન્થોની’, ‘કૂલી’, ‘મર્દ’ જેવી ફિલ્મ બનાવનાર)ના દીકરા કેતન દેસાઈ સાથે કર્યાં છે. કેતન દેસાઈએ ‘દિવાના મસ્તાના’ જેવી ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી. જોકે, કેતન દેસાઈ પિતાની જેમ બોલિવૂડમાં સફળ થઈ શક્યો નહીં. કંચન કપૂર પરિવારની દીકરી હોવાને નાતે દરેક પ્રસંગમાં ખાસ હાજર રહે છે. કંચન તથા કેતનને સંતાનમાં બે દીકરીઓ રાજ રાજેશ્વરી દેસાઈ તથા પૂજા દેસાઈ છે. પૂજા દેસાઈ તથા રાજ રાજેશ્વરી બંને ફિલ્મમેકિંગ સાથે સંકળાયેલા છે. જોકે, તે કપૂર પરિવારની જેમ જાહેર જીવનમાં ભાગ્યે જ જોવા મળે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page