ઉદેપુરઃ ખેડૂતને આપણે અન્નદાતા કહેવામાં આવે છે. થોડાં મહિના પહેલાં રાજસ્થાનના ઉદેપુરમાં એક ખેડૂતનો કિસ્સો સામે આવ્યો હતો. હાલમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ ખેડૂતની વાત પ્રેરણાદાયી છે. ઉદેપુરથી 30 કિમી દૂર પઈ ગામમાં રહેતા શંકરલાલ ભીલે જે કામ કર્યું તે કોઈ કરી શકે તેમ નથી.
શંકરલાલ પાસે છ વીઘા જમીન હતી અને તેમાંથી 2 વીઘા ઉજ્જડ જમીન હતી. જોકે, શંકરે તેને ફળદ્રુપ બનાવી દીધી. શંકરે જાતે જ આ બે વીઘા જમીનમાં કુહાડી પાવડાથી જમીનને સમતલ કરી હતી. શંકરને પત્નીએ પૂરો સાથ આપ્યો હતો.
શરૂઆતમાં તો ગામના લોકોએ શંકરની ઘણી જ મજાક ઉડાવી હતી. કેટલાંક લોકોએ તો શંકરને શહેરમાં જઈને મજૂરી કરવાની સલાહ આપી હતી. જોકે, શંકરે કોઈની વાત માની નહીં.
ખેતરમાંથી નીકળેલા પથ્થરોથી શંકરે ખેતરની ચારે બાજુ વાડ બનાવી લીધી હતી. આ રીતે તેણે પોતાના ખેતરને પશુઓથી સુરક્ષિત કર્યું હતું.
શંકર ઉજ્જડમાંથી ફળદ્રુપ બનેલી જમીનમાં શાકભાજી તથા અનાજ ઉગાડે છે. તે જૈવિક એટલે કે ઓર્ગેનિક ખેતી કરે છે. શંકરલાલે કહ્યું હતું કે તે મહેનત કરવામાં ક્યારેય પાછળ હટ્યો નથી. આથી જ તેની વેરાન જમીન ફળદ્રુપ થઈ શકી છે.