Only Gujarat

FEATURED National

લૉકડાઉનમાં ઘરે બેસીને વધતું વજન, દેસી જુગાડ કરીને સાઈકલ સાથે બનાવી નાખી ઘરઘંટી

જમશેદપુર: ઝારખંડના જમશેદપુરમાં એક પરિવારના ભાઈ બહેને લૉકડાઉન દરમિયાન કસરત કરવા માટેની સાઈકલને ઘરઘંટી બનાવી દીધી. આ જુગાડના કારણે સંપૂર્ણ પરિવાર કસરત કરવાની સાથે ઘઉં દ‌ળવાનું કામ પણ કરી લે છે. લૉકડાઉનના કારણે લોકો જીમ નહોતા જઈ શકતા અને ઘરે બેઠા-બેઠા વજન પણ વધી રહ્યું હતું. જેને જોતા એક બહેન અને એન્જિનિયર ભાઈએ મળીને સાઈકલ અને ઘરઘંટીનો અનોખો જુગાડ તૈયાર કર્યો.

લૉકડાઉનના કારણે બજાર બંધ હોવાથી તેમણે આ ઘરઘંટી માટે ઘરમાં પડેલા ભંગારનો જ ઉપયોગ કર્યો હતો. આ માટે તેમણે ઘઉં દળવાના મશીનને સાઈકલ સાથે જોડી દીધું જેના કારણે સાઈકલ ચલાવવા પર અનાજ દળવાનું કામ પણ થતું રહે. આ મશીનથી તમામ પ્રકારના અનાજ અને મસાલા પીસવાનું કામ થઈ શકે છે.

આ મશીનમાં આગળ એક ગોળાકાર વાસણ જોડવામાં આવ્યું, જેમાં પીસવા માટેનું અનાજ નાખી સાઈકલ ચલાવવા પર પીસવાનું કામ શરૂ કરી શકાય છે. આ ઉપરાંત જીમ ગયા વગર જ લોકો ઘરે કસરત પણ કરી લે છે. આ અનોખી ઘરઘંટી બન્યા બાદ આસપાસના લોકો પણ તેમની પાસે જ ઘઉં દળાવવા માટે આવે છે.

એન્જિનિયર મનદીપ તિવારીએ કહ્યું હતું, ‘અમે એક ઘરઘંટી બનાવી છે. લૉકડાઉનમાં ઘરે બેઠા-બેઠા લોકોનું વજન વધી રહ્યું હતું અને કસરત પણ નહોતા કરી શકતા, એવામાં અને ઘરે રહેલી સાઈકલને ઘરઘંટી તૈયાર કરી તેને સાઈકલ સાથે જોડી દીધી. હવે અમે એક્સરસાઈઝ કરવાની સાથે ઘઉં દળવાનું કામ પણ કરી લઈએ છીએ.’

મનદીપની બહેન સીમા પાંડેએ કહ્યું કે,‘લૉકડાઉનમાં લોકો ઘણા દિવસથી ઘરમાં કેદ હતા, ભાઈનું વજન વધી રહ્યું હતું અને તેઓ જીમ નહોતા જઈ શકતા. આ કારણે અમે બંનેએ મળીને આ ટેક્નિકનો ઉપયોગ કર્યો. સાઈકલમાં નાની ઘરઘંટી છે, જે સાઈકલ ચલાવવાની સાથે અનાજ દળવાનું કામ શરૂ કરી દે છે. તેમાં ઘઉં, ચોખા અને મસાલા જેવી વસ્તુઓ દળી શકાય છે. આ સાથ ઘરના લાકોની સાઈકલ ચલાવવાથી કસરત પણ થઈ જાય છે. આ કારણે લૉકડાઉનની સ્થિતિમાં બહાર જવાની જરૂર પડી નથી. આ ઘરઘંટી માટે વિજળી કે કોઈ ઈંધણની જરૂર પડતી નથી. આ સંપૂર્ણ પણે સ્વદેશી જુગાડ મશીન છે.’


પાડોશી રમાકાંત તિવારીએ કહ્યું કે,‘મને હૃદયની બીમારી છે. અમે આ લૉકડાઉનમાં બહાર વૉક માટે નીકળી શકતા નથી. આ દરમિયાન આ લોકોએ ઘરે પડેલી સાઈકલનો ઉપયોગ કરી ઘરઘંટી તૈયાર કરી. આસપાસના લોકો પણ હવે સાઈકલ પર બેસી કસરત કરે છે અને સાથે ઘરનું કામ પણ થઈ જાય છે.’

You cannot copy content of this page