Only Gujarat

National

નશામાં ચકચૂર યુવતી ચલાવતી હતી કાર, ત્રણવાર પલટી મારીને કાર સીધી પડી બાઈકસવારના માથે

ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરના એબી રોડ પર હાલમાં જ નશામાં ધૂત ચાર છોકરીઓની કાર ત્રણવાર પલટી ખાઈને સ્વિગીના ડિલિવરી બોયની બાઈકને ટક્કર મારી હતી. આટલું જ નહીં કાર બાઈકસવારના માથા પરથી પસાર થઈ હતી. આ ઘટનામાં ડિલિવરી બોયનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. ચારેય યુવતીઓના રિપોર્ટમાં આલ્કોહોલની માત્ર જરૂર કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે. ચારેય બારમાની એક્ઝામ પાસ કરીને સેલિબ્રેશન માટે પાર્ટી કરી હતી. પાર્ટી કરીને ચારેય પરત આવતી હતી અને નશામાં હોવાને કારણે કાર ડ્રાઇવ કરતી યુવતીએ બ્રેકને બદલે એક્સીલેટર પર પગ મૂકી દીધો હતો. કાર ડિવાઈડર કૂદીને ત્રણવાર પલટી ખાઈને રોડની બીજી તરફ બાઈક પર આવતી ડિલિવીર બોય પર ચઢી ગઈ હતી.

બાઈક પર મૃતક ડિલિવરી બોય દેવીલાલની સાથે સોનુ નામનો યુવક હતો. તેણે કહ્યું હતું કે કારે તેજપુરની આગળ યુ ટર્ન લીધો હતો અને ત્યારબાદ બાઈક પર ચઢી ગઈ હતી. ટક્કર વાગતા તે એકબાજુ ફેંકાઈ ગયો હતો, પરંતુ દેવીલાલ પર કાર ચઢી ગઈ હતી. આરોપી યુવતીએ જાતે જ પોલીસને કહ્યું હતું કે પગ બ્રેકને બદલે એક્સીલેટર પર આવી ગયો હતો અને આ કારણે ઘટના બની હતી.

સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે, કાર ગાર્ગી મહેશ્વેરી નામની યુવતી ચલાવતી હતી. આ કાર એમઆઈજી કોલોની (ઈન્દોર)ના નિતિન મહેશ્વરની નામથી રજિસ્ટર્ડ છે. કારમાં બેઠેલી ત્રણ યુવતીઓ ટ્રેજર ટાઉનશિપમાં રહે છે. ગાર્ગી આ ત્રણેયને મૂકવા માટે જતી હતી. યુવતીઓ નશામાં ચકચૂર હતી. પોલીસે મોડી રાત્રે જ કાર ડ્રાઇવ કરતી યુવતી વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

રાજેન્દ્ર નગર ટીઆઈ અમૃતા સોલંકીએ કહ્યું હતું કે મૃતકની ઓળખ દેવીલાલ (39) તરીકે થઈ હતી. કાર વિજયનગરથી ટ્રેઝર ટાઉન તરફ જતી હતી. રાજેન્દ્ર નગર બ્રિજની પાસે બાઈક પર જતા ડિલિવરી બોયને કારની ટક્કર વાગી હતી. ત્યારબાદ કાર તેના માથે ચઢી ગઈ હતી.

લોકોએ કહ્યું, નશામાં હતી યુવતીઓઃ ઘટના સમયે ભીડ ઉમટી પડી હતી. યુવતીઓનો પરિવાર આવ્યો તો તેમની પણ કાર રોકવામાં આવી હતી. લોકોએ યુવતીઓને પોલીસ સ્ટેશન લઈ જવાની માગણી કરી હતી. પોલીસ આ ચારેય યુવતીઓને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. શરૂઆતમાં યુવતીઓ સગીર હોવાની ચર્ચા હતી, પરંતુ પછી જાણ થઈ હતી કે આ ચારેય પુખ્તવયની છે.

કારે ત્રણ ગોથા ખાધાઃ પેટ્રોલપંપ પર કામ કરતાં અભિષેકે આ આખી ઘટના નજરે નિહાળી હતી. તેણે કહ્યું હતું કે યુવતીઓની કાર એટલી સ્પીડમાં હતી કે ત્રણવાર ગોથા થાધા બાદ તે ડિલિવરી બોયના માથે પડી હતી. યુવતીઓ એ હદે નશામાં હતી કે કારમાંથી જાતે બહાર પણ આવી શકી નહોતી.

ડિલિવરી બોય હરદાનો રહેવાસીઃ રાજેન્દ્ર નગર પોલીસના મતે, ઘટના રાતના 11 વાગ્યાની આસપાસ બની હતી તેજપુર ગડબડી, એબી રોડ પરથી પસાર તી કાર બીજી સાઈડ પર રહેલા બાઈક પર પડી હતી. હરદા જિલ્લાના કાકરિયામાં રહેતા ડિલિવરી બોય દેવીલાલ સિંહનું મોત થયું છે. ઘટના સમયે દેવીલાલ ફૂડ ડિલિવર કરીને ઘરે પરત ફરતો હતો.

You cannot copy content of this page