Only Gujarat

Gujarat

હવે રોડ-રસ્તાના કામમાં કામમાં ઘાલમેલ થશે તો પ્રજા જાણી શકશે, સલામ કરવા જેવું કાર્ય

ચોમાસામાં ખરાબ રસ્તાને કારણે લીરેલીરા થયેલી આબરૂને થીંગડા મારવા જૂનાગઢ મહાનગરપાલિકાએ હવે એક નવતર પ્રયોગ હાથ ધરીને ભ્રષ્ટાચારથી બચવાનો પ્રયાસ કર્યો છે. કોર્પોરેશનના મેયર ધીરૂભાઈ ગોહિલ તેમજ શાસકોએ દરેક કામ અંગે પ્રજા આગળ ખુલ્લી કિતાબ રાખવાનું નક્કી કર્યું છે.

શહેરના જે રોડ બનશે તે રોડ પર કોન્ટ્રાકરનું નામ, તેની એજન્સી, કેટલા રૂપિયાનું કામ, કઈ પદ્ધતિથી રોડ બનશે, કેટલી ગેરન્ટી, તેમનો મોબાઈલ નંબર સહિતની સંપૂર્ણ વિગતો સાથેનું બોર્ડ રોડ પર લગાવવામાં આવશે. જેને કારણે લોકોને પણ ખ્યાલ આવશે કે રોડની કામગીરી કેવી છે અને લોકોમાં પણ જાગૃતિ આવે. આ નવતર પ્રયોગ હાથ ધરાતા લોકોમાં પણ ટૅક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ થશે તેવી આશા બંધાઈ છે.

આ અંગેની વિગત એવી છે કે, જૂનાગઢમાં ભ્રષ્ટાચારમુક્ત રોડનું નિર્માણ થશે તેવો દાવો મેયરે કર્યો છે. આ દાવા અને દવા જો અસર કરે તો કરે, બાકી જય શ્રી કૃષ્ણ. હાલ તો જૂનાગઢના રોડ રસ્તાઓ વિષે આવું જ કહેવું પડે. કારણ કે ચોમાસામાં કમર તોડ રોડને લઇને મહાનગપાલિકાની આબરૂનું જે રીતે ચીરહરણ થઇ ગયું હતું. લીરેલીરા થયેલી આબરૂને થીંગડા મારવા મનપા તરફથી કરોડોના ખર્ચે રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે.

આમ તો દર વર્ષે જૂનાગઢના રસ્તાઓની હાલત કેવી થાય છે તેનાથી સૌ કોઇ વાકેફ છે. પરંતુ આ વખતે હટકે વાત એવી છે કે મેયરે એવો દાવો કરી નાખ્યો છે કે રોડનું કામ ભ્રષ્ટાચાર મુક્ત થશે. રસ્તાના કામમાં પારદર્શિતા આવે તે માટે મહાનગરપાલિકા તરફથી રસ્તાના કામ શરૂ થયા છે તે કામના સ્થળ પર બોર્ડ મૂકવામાં આવશે.આ બોર્ડમાં કામનું નામ, કામની ગ્રાન્ટ, કામનું એસ્ટીમેન્ટ, કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા, ગેરેન્ટી પિરિયડ, સાઇટ પર હાજર કોન્ટ્રાક્ટરના એન્જિનિયર્સના નામ લખવામાં આવશે. એટલું જ નહીં, સાઇટ પર હાજર મનપાના એન્જિનિયર્સના નામ, કમિશનર અને કાર્યપાલક ઇજનેરના નંબર દર્શાવવામાં આવશે. જેથી જૂનાગઢવાસીઓને રસ્તાના કામ અને ખર્ચ સહિતની વિગતો મળી રહી છે અને કંઈ ફરિયાદ હોય તો તુરંત જ સ્થળ પર ફરિયાદ પણ કરી શકાશે.

 

હવે જોવાનું એ રહેશે કે જૂનાગઢના રોડ કેવા બને છે અને જો રોડના કામમાં ઘાલમેલ થશે તો જૂનાગઢની જાગૃત જનતા કેટલી નજર રાખે છે. જો કે આ નિર્ણયથી પ્રજામાં પણ સંતોષ જોવા મળી રહ્યો છે. કારણ કે પોતે મનપામાં જે ટેક્સ ચૂકવે છે તેનો યોગ્ય ઉપયોગ થાય છે કે કેમ તે જનતા જાણી શકશે.

 

You cannot copy content of this page