Only Gujarat

Gujarat

હાઈફાઈ લાઇફ સ્ટાઇલ માટે જાણીતા બિલ્ડરને દવા પીવાનો વારો કેમ આવ્યો? રહસ્ય ગૂંચવાયું

સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રોલ્સરોય કાર ખરીદનાર અને પોતાની ખૂબ હાઈફાઈ લાઇફ સ્ટાઇલ માટે જાણીતા જામનગરના લેન્ડ ડેવલપર્સ મેરામણભાઇ હરદાસભાઇ પરમારે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે. જેને લઈને જ બિલ્ડર લોબી સહિત સમગ્ર જામનગર જિલ્લામાં ભારે સનસનાટી મચી ગઇ છે. તમામ લોકોના મોઢે એક જ સવાલ પુછાઇ રહ્યો હતો કે, આખરે આવી ધનાઢય વ્યકિતને દવા પીવાનો સમય કેવી રીતે આવ્યો ? જો કે આ મામલે હવે નવો વળાંક આવ્યો છે. મેરામણભાઈએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે બગીચામાં દવા છાંટતી વખતે ઝેરી અસર થઈ હતી. હવે પોલીસ તરફથી આ મામલે વિશેષ નિવેદન લેવાશે.

આ અંગેની વિગત એવી છે કે, જામનગરના ધનાઢ્ય બિલ્ડર મેરામણ પરમારે ગુરૂવારના રોજ મોડી રાત્રે અકળ કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર કર્યા પછી ગઈ તેમને શુક્રવારે રજા પણ આપી દેવામાં આવી હતી.

ચોંકાવનારી વાત એ છે કે ઘટનાના 72 કલાક બાદ પણ આ સમગ્ર બનાવ અંગે પોલીસ તરફથી કોઇ જાણકારી આપવામાં આવી નથી. એટલું જ નહીં, જી.જી. હોસ્પિટલના પોલીસ સ્ટાફ તરફથી બિલ્ડરનું કોઈ પણ પ્રકારનું નિવેદન પણ લેવામાં આવ્યું નહોતું. કોઈ પણ પૂછપરછ કર્યા વિના જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. દરમિયાન હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી અને તેમની તબીયત સ્થિર જણાતા શુક્રવારે સાંજે 6 કલાકે તેઓને રજા આપવામાં આવી હતી. રજા આપી દેવાયા પછી પોતાના ફાર્મહાઉસમાં આરામ કરી રહ્યા છે.

જોકે હાલ તેઓની તબિયત સારી છે. પરંતુ તેમણે કયા કારણસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ તરફથી કોઈ જાણકારી અપાઇ નથી. બીજી તરફ પરિવારે પણ મૌન સેવી લીધું છે. આ મામલે પોલીસ તરફથી નોંધાયેલી એમએલસીમાં માત્ર એટલું લખાયું છે કે, દવા પી ગયેલ છે, આ સિવાય બીજી કોઇ મહત્વની નોંધ કરવામાં આવી નથી, તેના કારણે આખું પ્રકરણ જાણે રહસ્યમયી બની ગયું છે. મેરામણ પરમારે દવા શું કામ પીધી એ વાતને લઇને રહસ્યના આંટાપાટા સર્જાયા હતા. જો કે હવે આ મામલે મેરામણભાઈએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે ગાર્ડનમાં દવા છાંટતી વખતે ઝેરી અસર થઈ હતી. હવે પોલીસ દ્વારા આ મામલે ખાસ નિવેદન લેવાશે.

જો કે જામનગરમાં ધનાઢ્ય બિલ્ડર ગણાતા મેરામણ પરમારે આપઘાતનો પ્રયાસ કરતા જિલ્લાની બિલ્ડર લોબીમાં ચકચાર મચી ગઈ છે. તેઓ રોલ્સ રોયસ સહિત અનેક મોંઘી ગાડીઓનો કાફલો ધરાવે છે. કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ખૂબ જ ઉંચી શાખ છે. તેવામાં તેમણે આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી દીપેન ભદ્રનની જામનગર જિલ્લાના પોલીસ વડા તરીકે બદલી થયા બાદ જામનગર જિલ્લો ખાસ્સો ચર્ચામાં આવ્યો છે. જામનગરના ચર્ચિત ભૂમાફિયા જયેશ પટેલ ફરતે પણ પોલીસે હાલના દિવસોમાં ગાળિયો કસ્યો છે. થોડા દિવસમાં જ જયેશ પટેલની ગેંગને હથિયાર સપ્લાય કરનારા તેમજ તેના ખાસ કહેવાતા એક સાગરિતની પણ પોલીસે ધરપકડ કરી છે.

You cannot copy content of this page