Only Gujarat

Gujarat

હિટ એન્ડ રનમાં અમેરિકા ફરવા ગયેલા ગુજરાતી યુવકનું કમકમાટી ભર્યું મોત

મૂળ પાટણનો અને વડોદરામાં નોકરી કરતો દર્શિલ વિઝિટર વિઝા પર અમેરિકાની ધરતી પર ફરવા ગયો હતો જ્યાં 31મી જુલાઈએ અકસ્માત સર્જાયો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે દર્શિલનો મૃતદેહ પણ ભારત લાવી શકાય તેમ નથી જેના કારણે તેના અંતિમ સંસ્કાર પણ અમેરિકામાં જ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

પાટણમાં રહેતા દર્શિલના પિતા રમેશભાઈએ ઘટના અંગે જણાવ્યું કે, મારો દીકરો વિઝિટર વિઝા પર અમેરિકા ફરવા ગયો હતો. ત્યાં તેને પોતાના મિત્રો સાથે ફરવાની મજા આવતી હતી અને તે કહેતો હતો કે પપ્પા મને ઈચ્છા છે કે તમે પણ અહીં ફરવા આવો. જોકે, આ પછી મારે તેની સાથે કોઈ વાત થઈ નથી. એનો ફોન પડી ગયો હોય કે શું થયું હોય તે ખબર નથી પરંતુ એ પછી મારે તેની સાથે વાત થઈ નથી.

વધુમાં રમેશભાઈએ કહ્યું કે, દર્શિલનો સંપર્ક વારંવાર પ્રયાસ કરવામાં આવતો હતો ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ તેનો ફોન ઉપાડીને વાત કરીને જણાવ્યું કે દર્શિલનો અકસ્માત થયો છે. અહીં અમેરિકામાં તમારું કોઈ જાણકાર હોય તો તેમને કહો કે અહીં આવી જાય. દર્શિલના ભાવિક દેસાઈ નામના મિત્રને ઘટના અંગે જાણ કરવામાં આવ્યા બાદ તે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાર બાદ દર્શિલને હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલમાં દર્શિલના જે હતા તે તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા છતાં પણ તેના મિત્રને હોસ્પિટલની અંદર જવામાં આવ્યો નહતો.

દર્શિલનું મોત નિપજ્યું છે તેવા સમાચાર આવ્યા ત્યાર બાદ રાજ્યસભાના સાંસદ, સિદ્ધપુરના ધારાસભ્ય અને મુખ્યમંત્રીના સંપર્કમાં રહીને દર્શિલનો મૃતદેહ ભારત લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન PMOમાં પણ જાણ કરવામાં આવી હતી. જોકે, અમેરિકામાં તેનું પોસ્ટમોર્ટમ થયા બાદ ડૉક્ટરોએ જણાવ્યું કે તેનો મૃતદેહ ભારત લઈ જઈ શકાય તેમ નથી ત્યાર બાદ પરિવારે નક્કી કર્યું કે, પુત્રના અગ્નિ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવે.

મહત્વની વાત એ છે કે, અમેરિકામાં દર્શિલના અગ્નિ સંસ્કાર રવિવાર સવારનો કરવામાં આવશે જેના કારણે તેના માતા-પિતા અમેરિકા જવા માટે રવાના થાયા છે. ભાવિક દેસાઈ નામના મિત્રે gofundme નામની વેબસાઈટ પર લખ્યું છે કે, તેમનો પ્રિય મિત્ર દર્શિલ ઠક્કરે (24 વર્ષ) 31મી જુલાઈ-2023ના રોજ હ્યુસ્ટન, ટેક્સાસ, યુએસએમાં એક હૃદય કંપાવનારા “હિટ-એન્ડ-રન” ઘટનામાં પોતાનો જીવ ગૂમાવ્યો છે. તપાસકર્તાઓના જણાવ્યા મુજબ દર્શિલ રોડ ક્રોસ કરતી વખતે એક કાર સાથે અથડાયો હતો અને ગંભીર ઈજાઓ થતાં મોતને ભેટ્યો હતો. દર્શિલના અકાળે વિદાયથી ભારતમાં રહેતો તેનો પરિવાર ભાંગી પડ્યો છે. દર્શિલ આશાસ્પદ વ્યક્તિ હતો અને હવે તેના મૃતદેહને ભારત પરત મોકલવા અને અંતિમ સંસ્કારના ઘરના ખર્ચને આવરી લેવા માટે ફંડ એકત્ર કરવા ઝુંબેશ હાથ ધરી છે. જેમાં અત્યાર સુધી 36407 ડોલરનું ફંડ એકત્રિત થયું છે.

નોંધનીય છે કે, મિત્રોને મળવા અને ફરવા માટે દર્શિલ અમેરિકા ગયો હતો. તે સમયે 31મી જુલાઈએ રાત્રે તે ટેક્સાસના હ્યુસ્ટનમાં હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. અચાનક દર્શિલ ઠક્કર રોડ ક્રોસ કરી રહ્યો હતો અને તેના પર વાહનો ફરી વળ્યા હતા. હવે આ ઘટનામાં દર્શિલ અકસ્માત માટે જવાબદાર છે કે પછી વાહન ચાલકો દ્વારા માનવતા દાખવવામાં ન આવી અને એક પછી એક વાહનો રસ્તા પર શું થયું છે તે સમજા વગર ચઢાવી દેવામાં આવી હતી.

You cannot copy content of this page