Only Gujarat

Gujarat

જમ્મુ-કાશ્મીરમાં અમદાવાદનો જવાન શહીદ, મહિના પહેલા જ પત્નીનું યોજાયું હતું શ્રીમંત

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતો આર્મી જવાન શહીદ થયો છે. 25 વર્ષીય મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા જમ્મુ-કાશ્મીરના કુલગામ ખાતે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા. જ્યારે આગામી 14 ઓગસ્ટે તેઓ પિતા બનવાના હતા.

છેલ્લાં આઠ વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા

મહિપાલસિંહ વાળાનો નશ્વર દેહ રવિવારે બપોરે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાશે. ઓઢવના વિરાટનગરની સદાશિવ સોસાયટી ખાતે આવેલા તેમના ઘરેથી અંતિમ યાત્રા લીલાનગર સ્મશાનગૃહ સુધી જશે.​​​​​​​ મહિપાલસિંહ વાળા છેલ્લાં આઠ વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા. તેમના લગ્ન એક વર્ષ પહેલાં જ થયાં હતાં અને તેમનાં પત્ની ગર્ભવતી હોવાથી ડોક્ટરે તેમને ડિલિવરી માટે 14 ઓગસ્ટની તારીખ આપી હતી.

ઓઢવ વિસ્તારમાં રહેતો આર્મી જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામેલા મહિપાલસિંહ વાળાનો નશ્વર દેહ વિમાન માર્ગે રવિવારે બપોરે એકથી દોઢ વાગ્યા દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર લવાશે અને ત્યાંથી તેમના ઓઢવ ખાતેના નિવાસસ્થાને લઈ જવાશે. તેમની અંતિમ યાત્રા ઘરેથી નીકળીને વિરાટનગર રોડ, ઓઢવ કેનાલ થઈને લીલાનગર સ્મશાન ગૃહ સુધી લઈ જવાશે.

અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે

​​​​​​​​​​​​​​પરિવારના સભ્યોને મહિપાલસિંહના શહીદ થયાના સમાચાર મળતાં તેમનાં પત્નીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને હાલમાં આવા કોઈ પણ સમાચારની જાણ ન કરવા સૂચના આપી હતી. સ્થાનિક રહીશો તેમ જ મહિપાલસિંહના નજીકનાં લોકોના જણાવ્યા અનુસાર, તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ પણ આતંકવાદી હુમલામાં અમરાઈવાડી વિસ્તારના જવાન શહીદ થયા હતા. તેમની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સંતાનનું મોઢું જોવે તે પહેલાં જ લીધા અંતિમ શ્વાસ

અહીં સૌથી દુઃખદ બાબત તો એ છે કે દેશની રક્ષા કાજે શહીદ થનાર મહિપાલસિંહના પત્ની ગર્ભવતી છે. મહિના પહેલા જ તેમના પત્નીનું શ્રીમંત યોજાયું હતું. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. પરંતુ આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલસિંહ આતંકવાદીઓ સામે સામી છાતીએ લડતા-લડતા શહીદ થયા છે.

You cannot copy content of this page