Only Gujarat

Gujarat

આ ગુજરાતી છોકરાએ પિતા પાસેથી ઉછીના લીધા 25 હજાર, હવે બની ગયો 10 હજાર કરોડનો માલિક

મુંબઈઃ ચાર્ટર્ડ પ્લેન, મોંઘીદાટ ગાડીઓ અને કરોડો રૂપિયાના ભવ્ય બંગલામાં રહેતા ભાઈઓ દેશના ધનિક લોકોમાં સામેલ છે. આ ભાઈઓ ‘એડ ટેક વર્લ્ડ’ના સૌથી મોટા ચેહરા મનાય છે. આ ભાઈઓએ દોઢ દાયકાના કરિયરમાં ડઝનેક કંપનીઓ ઊભી કરી ચૂક્યા છે, જેમાંથી 5 કંપનીઓને વેચી તેઓ આજે ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે. આ બે ગુજરાતી ભાઈ છે દિવ્યાંક તુરખિયા અને ભાવિન તુરખિયા. 10-10 હજાર કરોડની વ્યક્તિગત સંપત્તિના માલિક બંને ભાઈઓની કહાણી રસપ્રદ અને પ્રેરણાદાયક છે.

મૂળ ગુજરાતના અને મુંબઈના એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલ તુરખિયા બ્રધર્સનું બાળપણ જુહૂ અને અંધેરીના વિસ્તારમાં પસાર થયું હતું. બાળપણથી કોમ્પ્યૂટર અને પ્રોગ્રામિંગના શૌખીન દિવ્યાંકે માત્ર 13 વર્ષની વયે પોતાના ભાઈ સાથે મળીને સ્ટોક બજારની કિંમતો પર નજર રાખવા માટે સ્ટૉક માર્કેટ સિમુલેશન ગેમ બનાવી હતી. કોમ્પ્યૂટરમાં રહેલા રસને કારણે તે અભ્યાસથી દૂર થતો રહ્યો, પિતાના દબાણને કારણે તેણે બી,કોમમાં એડમિશન લીધું પરંતુ ક્યારેય કોલેજ જતો નહીં અને ઘરે બેસી કોડિંગ કરતો રેહતો. કોડિંગ પર જબરદસ્ત પકડ મેળવ્યા બાદ બંને ભાઈઓએ પોતાનો બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી. પરંતુ પ્રારંભિક પડકાર મૂડીનો હતો.

બંને ભાઈઓએ પિતાને મનાવ્યા અને વર્ષ 1998માં પિતા પાસેથી 25 હજાર રૂપિયા ઉધારે લીધા હતા. તે સમયે બંને ભાઈઓએ વિચાર્યું પણ નહીં હોય કે તેઓ અબજોપતિની યાદીમાં સામેલ થશે. 16 વર્ષની વયે પોતાના 18 વર્ષીય ભાઈ ભાવિન સાથે મળી દિવ્યાંકે ડોમેન નેમ આપતી કંપની ‘ડાયરેક્ટરી’ની સ્થાપ્ના કરી. જે ભારતીય કંપનીઓને વેબસાઈટ્સ અને ઈન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરાવતી હતી. જે પછી આ કંપનીના બેનર હેઠળ ‘બિગરૉક’ કંપનીની સ્થાપ્ના થઈ, જે આજે મોટી ડોમેન રજીસ્ટ્રાર કંપની છે.

આ ઉપરાંત વર્ષ 2001માં બંને ભાઈઓએ એક સોફ્ટવેર પ્રોગ્રામ બનાવ્યો હતો. બંને ભાઈ ડિરેક્ટરી બેનર હેઠળ અત્યારસુધી કુલ 11 સ્ટાર્ટઅપ્સ શરૂ કરી ચૂક્યા છે. હાલ ડિરેક્ટરી ગ્રૂપમાં 1 હજાર કર્મચારીઓ અને 10 લાખ ગ્રાહકો છે. કંપની વાર્ષિક 120 ટકાના દરે ગ્રોથ કરી રહી છે. અમુક વર્ષ અગાઉ તુરખિયા ભાઈઓએ એન્ડ્યુરન્સ ઈન્ટરનેશનલ ગ્રૂપને 1 હજાર કરોડ રૂપિયામાં 4 બ્રાન્ડ વેચી હતી. મીડિયા નેટ ગૂગલના એડ સેન્સને ટક્કર આપવા બનાવાયું હતું. આ પ્રોડક્ટના લાઈસન્સ ઘણા પબ્લિશર્સ, એડ નેટવર્ક અને ઈન્ટરનેશનલ એડ ટેક કંપનીઓ પાસે છે.

મીડિયા નેટ ન્યૂયોર્ક, લોસ એન્જિલિસ, દુબઈ, જ્યૂરિખ, મુંબઈ અને બેંગ્લોરથી કામ કરે છે. જેમાં 800 કર્મચારીઓ છે. મીડિયા નેટ કંપનીએ ગત વર્ષે 1554 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અમુક વર્ષ અગાઉ ઓનલાઈન એડવર્ટાઈઝિંગ વેંચર મીડિયા નેટને તેમણે એક ચાઈનીઝ ગ્રૂપને 90 કરોડ ડોલરમાં વેચ્યું હતું. આ મામલે તેમણે ગૂગલના એડમોબ (75 કરોડ ડૉલર) અને ટ્વિટરના મોપબ (35 કરોડ ડૉલર)ને પણ માત આપી હતી.

તુરખિયા બ્રધર્સ પાસે એન્જિનિયરિંગ ડિગ્રી ના હોવા છતાં તેઓ શાનદાર કોડર છે. તેમણે કોઈની મદદ વગર પોતાના દમ પર આટલું મોટું બિઝનેસ વેન્ચર ઉભું કર્યું છે. આજે તુરખિયા બ્રધર્સ ‘ફર્સ્ટ ઈન્ડિયન ઈન્ટરનેટ એન્ટપ્રેન્યોર્સ’ તરીકે ઓળખાય છે.

You cannot copy content of this page