Only Gujarat

Gujarat

ગાંધીનગર પાસે વિચિત્ર અકસ્માત, શું યુવતીની પાછળ જતી વખતે યુવકે કાર પરનો કાબૂ ગુમાવ્યો?

અમદાવાદના બોપલમાં રહેલા યુવકે નંબર વિનાની મર્સિડીઝ કારથી વિચિત્ર અકસ્માત સર્જ્યો અને તેમાં બે લોકોનો ભોગ લેવાયો. ઘટના બની છે ચિલોડાથી હિંમતનગર તરફ જતા હાઇવે પર. જ્યાં યુવકે કાબૂ ગુમાવતા મર્સિડીઝથી લારીને ટક્કર મારી દીધી. તેના કારણે કારની એરબેગ ખૂલી જતાં તેને આગળ કશુ જ ન દેખાયું અને પૂરઝડપે દોડી રહેલી કારે બે બાઇકસવારને કચડી માર્યા. આરોપી કારચાલકે નશો કર્યો હોવાની આશંકાને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, દહેગામ તાલુકાના રણછોડપુરા ગામમાં રહેતા જુગાજી પરમાર અને કલ્યાણ સોલંકી કલર કામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સોમવારે રાત્રે તેઓ પોતાનું કામ પતાવીને તેઓ ઘર તરફ જઈ રહ્યા હતા. તેમને ખબર નહીં હોય કે મર્સિડીઝ કાર રૂપે યમરાજા તેમની રાહ જોઈ રહ્યા હતા. તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે એક નંબર વગરની મર્સિડીઝ કાર ગિયોડ અંબાજી મંદિર પાસે ઊભેલી પૂજાપાની લારી સાથે જબરદસ્ત ટકરાઈ હતી. ત્યાર બાદ કાર ફંગોળાઈને બાઇક તરફ ધસી ગઈ અને બાઈકને અડફેટે લીધી.

બાઇક અને કાર બંને ડિવાઇડરમાં ઘૂસી જતાં બાઈક પર સવાર જુગાજી પરમારનું ઘટનાસ્થળે મૃત્યું થયું હતું, જ્યારે કલ્યાણ સોલંકીએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે કારચાલક યુવકે મંદિર પાસે લારીને ટક્કર મારતાં એરબેગ ખૂલી ગઈ હતી, જેથી તેને આગળ કશું ન દેખાતાં બાઇકને અડફેટે લઈ લીધી હતી.

પોલીસનું માનીએ કો આરોપી યુવક જિનેશ મુકેશભાઈ ટોડિયા (જૈન, 28 વર્ષ,ઈસ્કોન પ્લેટિનમ) મૂળ રાજકોટનો છે અને પાંચેક વર્ષથી બોપલ વિસ્તારમાં રહે છે. અકસ્માતને પગલે હાલ તો ચિલોડા પોલીસે તેની અટકાયત કરી છે.

આ ઉપરાંત આરોપી ખરેખર દારૂ પીને કાર ચલાવતો હતો કે નહીં એની તપાસ માટે બ્લડ સેમ્પલ પણ લીધું છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તે પોતાનો મોબાઈલ ફોન ઉદયપુર ભૂલી ગયો હતો એ લેવા જઈ રહ્યો હતો.

બીજી તરફ પ્રત્યક્ષદર્શીઓ કહી રહ્યા છે કે આરોપી જિનેશની સાથે એક યુવતી હતી. બંને હોટલમાં જમવા બેઠાં હતાં ત્યારે બંને વચ્ચે ઝઘડો થતાં યુવતી ગિયોડ મંદિર તરફ ચાલતી જતી હતી. આ યુવતીને લેવા જતા સમયે જિનેશે ફુલ સ્પીડમાં કાર ચલાવી હતી. પરંતુ તેણે કાબૂ ગુમવતા લારીને ટક્કર મારી હતી અને બાદમાં બાઈકને ઝપટમાં લીધી હતી.

You cannot copy content of this page