Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતમાં ‘નિસર્ગ’ વાવાઝોડું ત્રાટકશે? હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી

અમદાવાદ: એક બાજુ આખા ગુજરાતના લોકો હાલ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના દરિયા કિનારે ‘નિસર્ગ’ વાવાઝોડાનો ખતરો મંડરાયેલો છે. વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના દરિયા કિનારાના ગામોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના 50 અને દક્ષિણ ગુજરાતના 109 ગામોમાં ‘નિસર્ગ’ વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે જેના કારણે આ ગામોને હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વાવાઝોડા પહેલા જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ તુટી પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ‘નિસર્ગ’ વાવાઝોડું ત્રાટકે તેવી પુરેપુરી સંભાવના છે. નિસર્ગ વાવાઝોડના કારણે સમગ્ર દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્યાં એનડીઆરએફની ટીમો પણ કામે લાગી ગઈ છે. આ તમામ જવાબદારી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે.

આઈએમડીના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ‘નિસર્ગ’ વાવાઝોડાને ધ્યાનમાં લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારથી જ આ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે અને ગુજરાતના ભાવનગરમાં ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગુજરાતના અનેક શહેરોમાં ભારે પવન સાથે સમી સાંજે ધોધમાર વરસાદ પણ ખાબક્યો હતો. સૌથી મહત્વની વાત છે એ કે, અરબ સાગર અને લક્ષ્યદ્વીપ વચ્ચે સર્જાયેલ ઓછા દબાણવાળું ક્ષેત્ર વાવાઝોડાને વધુ તીવ્ર બનાવે તેવી સંભાવના છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે.

વાવાઝોડાની લો લાઈન એરિયામાં આવતાં 159 ગામોનો સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. જે તે જિલ્લા કલેક્ટરને પ્રભાવિત ગામમાં સ્થળાંતર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં લો લાઈન એરિયામાં નવસારીના 42, સુરતના 40, વલસાડ 23, ભરૂચ 4, ભાવનગરના 33, અમરેલીના 17 ગામોનો સમાવેશ થાય છે.

મહત્વની વાત એ છે કે, હવામાન વિભાગે સાવચેતીના પગલે માછીમારોને 4 જૂન સુધી દરિયો ન ખેડવાની સલાહ પણ આપી છે અને જે માછીમારો હાલ અરબ સાગરમાં છે તેમને તાત્કાલિક પરત ફરવા આદેશ પણ કર્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ પૂર્વ નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું છે. જેના કારણે 1 અને 2 જૂન સુધીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને ઉત્તર દિશામાં આગળ વધશે. જોકે 2 જૂન એટલે આજે ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે જેના કારણે 3 જૂને ગુજરાતના દરિયાકાંઠે આવી પહોંચશે. વાવાઝોડાના કારણે 4 અને 5 જૂને ગુજરાતના અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ સાયક્લોનિક સ્ટ્રોમ બીજી જૂન એટલે આજ સવાર સુધીમાં ઉત્તર તરફ વધશે ત્યાર બાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફની દિશા સાથે 3જી જૂને સવારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. સાયક્લોનની તીવ્રતામાં વધારો થસે તેવું હવામાન વિભાગનો અંદાજ છે. જેને લઈને ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે અને દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરી દીધા છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 4 જૂને ગુજરાતના સમુદ્રમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. જેના કારણે માછીમારોને 4 જૂન સુધીમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવેલી છે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે 3 જૂને પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે. જેના કારણે 4 અને 5 જૂનના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

4 જૂને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં પણ ભારે વરસાદ ખાબકશે.

આ ઉપરાંત 5 જૂને દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, નવસારી જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા અને સૌરષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દમણ, દાદરા નગર હવેલી અને દીવ પમ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

You cannot copy content of this page