Only Gujarat

Bollywood TOP STORIES

બે મહિના બાદ જોવા મળ્યા નટુકાકા, જામનગર આવીને માનતા કરી પૂરી

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર ઘનશ્યામ નાયક છેલ્લાં ઘણાં મહિનાથી સીરિયલમાં જોવા મળતા નથી. પહેલાં લોકડાઉનને કારણે સીરિયલનું શૂટિંગ બંધ હતું. ત્યારબાદ શૂટિંગ ફરીવાર શરૂ થયું ત્યારે 65 વર્ષથી ઉપરની વયના લોકો શૂટિંગ કરી શકશે નહીં. પછી આ નિયમમાં ફેરફાર થયો. જોકે, આ સમયે નટુકાકાની તબિયત ખરાબ હતી. તબિયત સારી થયા બાદ નટુકાકા પહેલી જ વાર જામનગરમાં જોવા મળ્યા હતા.


માનવામાં આવે છે કે નટુકાકા જામનગરમાં માનતા પૂરી કરવા આવ્યા હતા. નટુકાકા પર ગળાની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન તેમના ગળામાંથી આઠ ગાંઠ કાઢવામાં આવી હતી. સર્જરીને કારણે નટુકાકાનું વજન એકદમ ઘટી ગયું છે. આટલું જ નહીં તેમનો ચહેરો પણ એકદમ અલગ લાગે છે. જોકે, તેમનામાં જે જુસ્સો અને ઉત્સાહ હતો તેમાં સહેજ પણ ઘટાડો થયો નથી.
નટુકાકાએ કોવિડ 19 અંગે સરકારી ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન કરવાની તથા માસ્ક પહેરવાની સલાહ આપી હતી.


ઓક્ટોબરમાં સર્જરી કરાવી હતીઃ નટુકાકાએ ઓક્ટોબર મહિનામાં સર્જરી કરાવી હતી. સર્જરી દરમિયાન તેઓ ત્રણ દિવસ ICUમાં રહ્યાં હતાં. ત્યારબાદ સાત દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. હોસ્પિટલમાં પણ તેઓ મેડિકલ સ્ટાફ તથા ડોક્ટર્સ સાથે ઘણી જ મજાક મસ્તી કરતા હતા.


વર્ષ 2008મા અસિત મોદીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બનાવવાનો નિર્ણય લીધો હતો. નટુકાકાના રોલ માટે ઘનશ્યામ નાયકને લેવામાં આવ્યા હતાં. જોકે, એ સમયે સપનેય કોઈને ખ્યાલ નહોતો કે આ સીરિયલ આટલી લાંબી ચાલશે. આ સીરિયલ લોકપ્રિય થતાં જ ઘનશ્યામ નાયકના જીવનમાં આર્થિક રીતે ઘણો જ ફાયદો થયો. આ સીરિયલને પ્રતાપે ઘનશ્યામ નાયક હવે મુંબઈમાં પોતાનું ઘર ખરીદી શક્યા. તેમણે મુંબઈમાં બે બેડરૂમ, હોલ, કિચનનો ફ્લેટ ખરીદ્યો છે.


76 વર્ષીય ઘનશ્યામ નાયકનો પરિવાર થિયેટર સાથે જોડાયેલ છે. તેમના પિતા, દાદા, વડદાદા થિયેટર આર્ટિસ્ટ હતાં. જોકે, ઘનશ્યામ નાયક પોતાના સંતાનો આ ફિલ્ડમાં જાય તેમ ઈચ્છતા નથી. તેઓ માને છે કે આ ફિલ્ડમાં ઘણો જ સંઘર્ષ છે. તેમનો દીકરો વિકાસ નાયક કોલમિસ્ટ છે. ઘનશ્યામ નાયક એ વાતથી ખુશ છે કે તેમના સંતાનો આ ફિલ્ડમાં આવવા માગતા નથી.

ઘનશ્યાન નાયકે 1960મા ‘માસૂમ’ ફિલ્મમાં ચાઈલ્ડ એક્ટરની ભૂમિકા ભજવી હતી. આ સમયે તેમની ઉંમર માત્ર 13-14 વર્ષની હતી. તેમણે ‘લજ્જા’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘તેરે નામ’, ‘ચાઈના ગેટ’ જેવી ફિલ્મ્સમાં નાના-નાના રોલ કર્યાં હતાં. જોકે, તેમને ખરી ઓળખ ‘તારક મહેતા..’થી મળી હતી.

તસવીર સૌજન્યઃ ઈન્ટરનેટ

You cannot copy content of this page