Only Gujarat

International

કોરોનાને કારણે અટકેલી ભારતીય અવકાશયાત્રીઓની રશિયામાં ટ્રેનિંગ ફરી શરૂ થઈ

મૉસ્કો: કોરોના વાઈરસના કારણે અટકી પડેલું ગગનયાન મિશન ફરી શરૂ થયું છે. સ્પેસમાં જવા માટે રશિયામાં ભારતીય એરફોર્સના 4 પાયલટની ટ્રેનિંગ ફરી શરૂ થઈ છે. આ ટ્રેનિંગ કોરોના વાઈરસના કારણે લગાવાવામાં આવેલા લૉકડાઉનના કારણે બંધ થઈ હતી. ફેબ્રુઆરીના પ્રારંભે આ ચારેય ભારતીય એરફોર્સ પાયલટ મૉસ્કો ગયા હતા. તેમની ટ્રેનિંગ ગૈગરીન રિસર્ચ એન્ડ ટેસ્ટ કૉસ્મોનૉટ ટ્રેનિંગ સેન્ટર (GCTC)માં ચાલી રહી હતી. પરંતુ લૉકડાઉનના કારણે તે બંધ થઈ ગઈ હતી.. જોકે 12મેથી તેમની આ ટ્રેનિંગ ફરી શરૂ કરવામાં આવી છે.

રશિયાની સ્પેસ કંપની ગ્લવકૉસમૉસે કહ્યું કે,‘ભારતીય વાયુસેનાના ચારેય પાયલટની ટ્રેનિંગ યોગ્ય રીતે ચાલી રહી છે. તેમની પ્રારંભિક ટ્રેનિંગમાં સ્પેસ ટ્રાવેલ અને સ્પેસક્રાફ્ટ પર નિયંત્રણની બેઝિક ક્લાસ ચાલી રહી છે. આ ઉપરાંત આ પાયલટ બેસિક રશિયન ભાષાનો પણ અભ્યાસ કરી રહ્યાં છે, જેથી આગળની ટ્રેનિંગમાં સમસ્યા ના આવે. ભારતથી આવેલા તમામ પાયલટ સ્વસ્થ અને સુરક્ષિત છે. અમે તેમનું યોગ્ય રીતે ધ્યાન રાખ્યું છે. માર્ચમાં આ લોકોને કોરોના વાઈરસના કારણે આઈસોલેટ કરાયા હતા. પરંતુ હવે તેઓ તૈયાર છે અને પોતાની ટ્રેનિંગ કરી રહ્યાં છે.’

ભારતીય વાયુસેનાના આ ચારેય પાયલટની ટ્રેનિંગ લગભગ 1 વર્ષ સુધી ચાલશે. તેમને રશિયામાં ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ પરત ફરી બેંગલુરુમાં પણ ટ્રેનિંગ મેળવવાની રહેશે. ગગનયાન મિશન હેઠળ ISRO 3 અવકાશયાત્રીઓને પૃથ્વીથી 400 કિ.મી. ઉપર સ્પેસમાં 7 દિવસ માટે મોકલશે. આ અવકાશયાત્રીઓએ 7 દિવસ માટે પૃથ્વીની લૉ-ઓર્બિટમાં ચક્કર લગાવવાના રહેશે. આ મિશન માટે ISROએ ભારતીય વાયુસેનાને અવકાશયાત્રીઓની પસંદગી કરવા કહ્યું હતું.

ડિસેમ્બર 2021મં ISRO 3 ભારતીયોને સ્પેસમાં મોકલશે. આ અગાઉ 2 અનમેન્ડ મિશન થશે. જે ડિસેમ્બર 2020 અને જુલાઈ 2021માં કરવામાં આવશે. આ બંને મિશનમાં ગગનયાનને કોઈપણ અવકાશયાત્રીઓ વગર મોકલવામાં આવશે. જે પછી ડિસેમ્બર 2021માં અવકાશયાત્રીઓ સાથેનું મિશન થશે. ઉલ્લેખનીય છે કે, દેશના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા 2 એપ્રિલ 1984માં રશિયાના સોયૂજ ટી-11માં બેસી અવકાશ યાત્રા પર ગયા હતા.

ભારતીય અવકાશયાત્રીઓના ભોજન માટેનો મેન્યૂ પણ સામે આવ્યું હતું. જેમાં એગ રોલ, વેજ રોલ, ઈડલી, હલવો અને વેજ પુલાવ સામેલ હતા. આ ભોજન મૈસૂર સ્થિત ડિફેન્સ ફૂડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. અવકાશમાં ભોજન ગરમ કરવા માટે ઓવનની વ્યવસ્થા ડીઆરડીઓ જ કરી રહ્યું છે.

અવકાશયાત્રીઓ પાણી અને જ્યૂસની સાથે-સાથે લિક્વિડ ફૂડની વ્યવસ્થા પણ રહેશે. આ તમામ અવકાશયાત્રીઓ 7 દિવસ સુધી પૃથ્વીથી 450 કિ.મી. ઉપર ગગનયાનમાં રહેશે.

You cannot copy content of this page