Only Gujarat

FEATURED International

કોરોનાનો અંત માત્ર રસીથી નહીં આવે, વૈજ્ઞાનિકોઓ આપ્યા છે કંઈક આવા કારણો

નવી દિલ્હી: કોરોના વાઈરસ મહામારીને અટકાવવા સમગ્ર વિશ્વના લોકો વેક્સિનની રાહ જોઈ રહ્યાં છે. હાલ ઘણા દેશોમાં વેક્સિન પર કામ થઈ રહ્યું છે. અમુક દેશોમાં ટ્રાયલની સાથે તેનું ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ શું માત્ર વેક્સીન બનવામાં સફળતા મેળવવાથી આ મહામારીનો અંત આવી જશે?

વેક્સિન તૈયાર થયા બાદ શું સ્થિતિ હોઈ શકે છે તેને સમજવા માટે વેન્ટિલેટરના આંકડાઓ પર ધ્યાન આપી શકાય છે. ગત મહિને ન્યૂયોર્ક ટાઈમ્સમાં પબ્લિશ થયેલી રિપોર્ટ અનુસાર, આફ્રીકન ખંડના 41 દેશોમાં માત્ર 2 હજાર વેન્ટિલેટર છે. જ્યારે આફ્રિકાના 10 દેશ એવા છે જ્યાં હોસ્પિટલોમાં એક પણ વેન્ટિલેટર નથી. પરંતુ બીજી તરફ અમેરિકામાં 1 લાખ 70 હજાર વેન્ટિલેટર છે. જ્યારે વેક્સિન એક્સપર્ટને ચિંતા છે કે ક્યાંક વેન્ટિલેટરની જેમ ગરીબ દેશો વેક્સિનથી વંચિત ના રહી જાય.

વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર જો કોરોના વાઈરસ હાલના સ્વરૂપમાં રહેશે તો ઘણા વર્ષો સુધી વેક્સિન તૈયાર થઈ શકશે નહીં. ભલેને અભૂતપૂર્વ રીતે વેક્સિનનું નિર્માણ કરવામાં આવે. અમેરિકામાં જ્હોનસન એન્ડ જ્હોનસન કંપની વેક્સિનના લાખો ડોઝનું ઉત્પાદન શરૂ કરવાની તૈયારીમાં છે. પરંતુ ઈન્ટરનેશનલ લેવલે એ ચિંતા છે કે કયા દેશોને સૌપ્રથમ વેક્સિન મળશે.

મેડિકલ સાઈન્ટિસ્ટોના મતે, હર્ડ ઈમ્યુનિટી મેળવવા અને વાઈરસની ગતિ ઓછી કરવા માટે વિશ્વમાં 5.6 બિલિયન લોકોને વેક્સિનના ડોઝ આપવાની જરૂર પડી શકે છે. ઘણા દેશોમાં વેક્સિન અંગે રાષ્ટ્રવાદી વલણની ચર્ચા થઈ રહી છે, જેમાં સૌપ્રથમ પોતાના દેશની વસ્તીને સુરક્ષિત કરવામાં આવે ભલે પછી અન્ય દેશને તેની વધુ જરૂર હોય. ખાસ કરીને ગરીબ દેશો જેમને વેક્સિનનો ખર્ચ ભોગવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

અમેરિકા, ચીન અને યુરોપમાં જુદી-જુદી વેક્સિન પર કામ થઈ રહ્યું છે. એક પ્રશ્ન એ છે કે જો અમેરિકામાં બનનારી વેક્સિન યુરોપ કે ચીનમાં બનતી વેક્સિન કરતા ઓછી અસરકારક રહે તો અમેરિકામાં પણ વેક્સિનની જરૂર વધી જશે. હેલ્થ એક્સપર્ટ બીજી એક બાબતે સંકેત આપી રહ્યાં છે કે જો વેક્સિન તૈયાર કરનાર કંપનીઓ સૌથી વધુ કિંમત આપવા તૈયાર થતા દેશને વેક્સિન વેચવા લાગશે તો ધનિક દેશો વધુ સંખ્યામાં વેક્સિન મેળવી લેશે. પરંતુ કંપનીઓ જે દેશમાં વેક્સિન તૈયાર કરતી હશે ત્યાં જ તેને અછત જોવા મળી શકે છે.

વિકાસશીલ દેશોને વેક્સિન ડેવલપમેન્ટ કરવામાં મદદ કરતી સંસ્થા ‘ગવિ’ના સીઈઓ સેથ બર્કલીએ કહ્યું કે,‘જે દેશો માત્ર પોતાના વિશે વિચારે છે તેમનું મૉડલ સફળ નહીં થાય. કારણ કે જ્યાં સુધી દેશ પોતાની તમામ બોર્ડર અને વેપાર બંધ ના કરે ત્યાંસુધી સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેશે જ. આ એક વૈશ્વિક સમસ્યા છે અને તેનો વૈશ્વિક ઉકેલ આવે તે જરૂરી છે.’ અમુક મામલે લોકોને વેક્સિનના 2 ડોઝની જરૂર રહે છે. એવામાં વેક્સિનની અછતમાં વધારો થવાની સ્થિતિ આવી શકે છે.

વળી જે કંપનીઓએ વેક્સિનના ટ્રાયલની સાથે ઉત્પાદન શરૂ કરી દીધું છે તેમની વેક્સિન અસરકારક ના રહી તો તેમનું ઉત્પાદન કોઈને કામ નહીં આવે. ઉલ્લેખનીય છે કે, બ્રિટનની ઑક્સફોર્ડ યુનિવર્સિટીએ પણ કોરોના વેક્સિન પર ટ્રાયલ શરૂ કરી છે. વેક્સિનોલોજીસ્ટ અને પ્રોફેસર એડ્રિયન હિલે કહ્યું કે, સપ્ટેમ્બર સુધીમાં વિશ્વને ઑક્સફોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન મળી જશે. ભારતને પણ આ વેક્સિન મળી શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page