Only Gujarat

FEATURED National

ભારતીય કંપનીની જાહેરાત, માત્ર બે જ દિવસ પછી કોરોનાની દવા આવી જશે માર્કેટમાં

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. હાલ વેક્સિન લોન્ચ થઈ નથી, તેથી વિવિધ દવાઓની મદદથી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ઘણી દવાઓ એવી છે, જે કોરોનાની સારવારમાં મદદરૂપ સાબિત થઈ રહી છે. હવે દેશની જાણીતી ફાર્મા. કંપની સિપલાએ જાહેરાત કરી કે તે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં કોરોનાની નવી દવા લૉન્ચ કરશે. રસપ્રદ વાત એ છે કે આ દવા બનાવવા સિપલાએ ભારતમાંથી જ સાથીની પસંદગી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દવા બજારમાં રહેલી દવાઓની સરખામણીએ 40 ટકા સસ્તી રહેશે.

દવા બનાવવામાં મદદ કરશે હૈદરાબાદની કંપનીઃ કોરોનાની આ દવાનું નામ સિપ્લેન્જા છે. તેને બનાવવામાં હૈદરાબાદની એવરા લેબોરેટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપની સિપલાની સાથીદાર રહેશે. આ માટે એવરા લેબોરેટ્રીઝને મંજૂરી પણ મળી ગઈ છે. વાસ્તવમાં, એવરા લેબોરેટ્રીઝ ફેવિપિરાવીર એપીઆઈ દવા બનાવી સિપલાને મોકલશે અને તેને જ સિપ્લેન્જા દવા બનાવી સિપલા લૉન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે, એપીઆઈ કોઈપણ પ્રકારની દવા બનાવવા માટે કાચા માલ તરીકે વપરાય છે.

આવો છે એવરા કંપનીનો ઈતિહાસઃ એવરા લેબોરેટ્રીઝ ઘણા દાયકાઓથી દવા પર રિસર્ચ કરી રહી છે તથા તેના ઉત્પાદનના કામમાં લાગેલી છે. પદ્મ ભૂષણ ડૉ. એવી રામા રાવ આ કંપનીના ફાઉન્ડર છે. 1990ના દાયકામાં તેમની મદદથી એન્ટી એઈડ્સ દવા બનાવવામાં આવી હતી. આ દવાએ લાખો લોકોના જીવ બચાવ્યા હતા.

જેનરિક દવા છે સિપ્લેન્જાઃ કોરોનાની આ દવા સિપ્લેન્જા જેનરિક દવા છે. તેને બનાવવા પાછળ થતો ઓછો ખર્ચ જ તેની ઓછી કિંમતનું મૂળ કારણ છે. તેની કિંમત 68 રૂપિયા પ્રતિ ટેબલેટ રહેશે. આ દવા ભારતમાં જ બનશે, એવામાં અહીં તે સરળતાથી મળી રહેશે. પરંતુ કોઈપણ પ્રકારની દવા લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

જાણો શું છે કોરોનાની દવા ફેબિફ્લૂની કિંમતઃ હાલ ગ્લેનમાર્ક કંપની ફેવિપિરાવીરથી કોરોનાની દવા બનાવી રહી છે. જેનું નામ ફેબિભ્લૂ છે. બજારમાં તેની એક ટેબલેટની કિંમત 104 રૂપિયા છે. પરંતુ સિપ્લેન્જા 40 ટકા સસ્તી કિંમતે વેચાશે.

કોરોનાની અન્ય દવાઓઃ ડેક્સામેથાસોન અને રેમડેસિવીર જેવી દવાઓ પણ કોરોનાની સારવારમાં મદદરૂપ સાબિત થઈ રહી છે. જેમાં ડેક્સામેથાસોનને જીવ બચાવનાર દવા માનવામાં આવી રહી છે. આ સંક્રમિત ગંભીર દર્દીના જીવ બચાવવામાં મદદરૂપ છે. તે પણ સસ્તી અને દરેક સ્થળે મળતી દવા છે.

ક્યારે આવશે વેક્સિન? કોરોનાની વેક્સિન ક્યારે બજારમાં આવશે તે કહેવું હાલ મુશ્કેલ છે. પરંતુ રશિયાએ દાવો કર્યો છે કે વેક્સિન સપ્ટેમ્બરમાં માર્કેટમાં આવી જશે. જ્યારે અમેરિકામાં વેક્સિન માટે વિશ્વની સૌથી મોટી ટ્રાયલનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં 30 હજાર લોકોએ ભાગ લીધો છે. આ વેક્સિનને મૉડર્ના કંપનીએ બનાવી છે.

You cannot copy content of this page