Only Gujarat

Gujarat

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લાડકવાયા દીકરાને બચાવવા પરિવારે ઘર પણ ગીરવી મૂકી દીધું છતાં પણ ઊંઘી શકતો નથી

19 જુલાઈની કાળમુખી રાત અમદાવાદના લોકો ક્યારેય ભૂલશે નહીં. એ રાત્રે માલેતુજાર પરિવારનો નબીરો તથ્ય પટેલ પોતાની મોંઘીદાટ જેગુઆર કારમાં બે યુવતી અને બે યુવક મિત્ર સાથે ફરવા નીકળે છે. પૈસાના જોરે તથ્ય પટેલ ગાડી કેમ ચલાવવી એ ભાન ભૂલી જાય છે અને કાળચક્રની જેમ જેગુઆર ફેરવી 9 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દે છે. જ્યારે 12 લોકોને ઈજા પહોંચાડે છે. આ અકસ્માતની ઝપટે ભાડમુંજા પરિવારનો લાડકવાયો મિઝાન પણ ચડી જાય છે. હજુ તો સોમવારે જ મિઝાન સારવાર લઈને ઘરે આવ્યો છે. દીકરાની સારવાર પાછળ પરિવારે ઘર ગીરવી મૂકી દીધું છે અને સોનાના દાગીના પણ વેચે દીધા છે. લાખો રૂપિયા સારવાર પાછળ ખર્ચ કરવા છતાં પણ મિઝાન ઊંઘમાં જ ચીસો પાડે છે, 24 કલાક જાગતો રહે છે અને તેને લાગે છે કે મારા પગ જ નથી.

હજી રોજનો ખર્ચો બેથી ત્રણ હજાર જેટલો: મિઝાનના પિતા ઈરફાન હારૂમ ભાડમુંજા નમ થયેલી આંખો સાથે જણાવે છે, સારવાર માટે અમને સરકાર તરફથી કોઈ સહાય મળી નથી. સારવાર માટે પરિવારને કુલ સાડાચાર લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો છે તેમજ તેનો રોજનો ખર્ચો પણ બેથી ત્રણ હજાર જેટલો થાય છે. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે અમારે સોનું વેચવુ પડ્યું અને ઘર પણ ગીરવી રાખવું પડ્યું છે. મિઝાનના મોટા ભાઈ નોમાન ભાડમુંજા સાથે વાત કરતાં તેણે જણાવ્યું, મિઝાન ઘણીવાર રાત્રે ઊઠીને ચીસો પાડે છે. તેના પગમાં અસહ્ય દુખાવો રહે છે. તેને એવું લાગે છે કે તેના પગ છે જ નહીં, રાત્રે અને સવારે ઊંઘી શકતો નથી. 24 ક્લાક જાગ્યા જ કરે છે, તેને અકસ્માતનો આઘાત લાગ્યો છે.

મિઝાન કેવી રીતે ઇસ્કોન બ્રિજ અકસ્માત સ્થળે પહોંચ્યો હતો. કોની સાથે ગયો હતો, ત્યાં જઈને શું કર્યું ને કેમ આજે પથારીવશ બન્યો…

જુલાઈ 19ની મોડી રાત્રે અમદાવાદના ત્રણ મિત્રો સિંધુભવન રોડ પરથી સારંગપુર તરફ તેમની કારમાં જઈ રહ્યા હતા. જૂના અમદાવાદમાં રહેતા આ ત્રણેય મિત્રો ‘દિલ ચાહતા હૈ’ ફિલ્મના યુવાન મિત્રોની જેમ સિંધુભવન રોડ પરથી કારમાં પરત ફરતી વખતે પશ્ચિમ અમદાવાદની ઝાકમઝાળ માણી રહ્યા હતા, ત્યારે 12.30થી 1.00 વાગ્યાની આસપાસ તે લોકો ઇસ્કોન બ્રિજ પાસે પહોચ્યા અને પછી જે થયું એનાથી ત્રણેયનું જીવન બદલાઈ ગયું.

પગમાં ત્રણ ફ્રેક્ચર છે અને પ્લેટ બેસાડી : અકસ્માતના 11 દિવસ પછી સોમવારે મિઝાન ભાડબુંજા પહેલીવાર ઘરે પહોંચ્યો. તેને પગમાં ત્રણ ફ્રેક્ચર છે અને પ્લેટ બેસાડી છે. માથામાં ગંભીર ઈજા પહોંચવાથી હજી તેને બોલવામાં અને કંઈપણ યાદ કરવામાં તકલીફ થઈ રહી છે. અલમતાઝ કુરેશી, જે મિઝાન સાથે ઈજાગ્રસ્ત થયો હતો, તે હજુ પણ શોકમાંથી બહાર આવવાના પ્રયત્નો કરી રહ્યો છે. સૈયદ હમઝા જેને સામાન્ય ઈજા પણ થઈ નથી, તે બન્ને મિત્રોને સોલા સિવિલ લઈ ગયો હતો. આજે પણ મિઝાનની રોજ તબિયત પૂછવા આવે છે અને વિચારે છે કે ક્યાં ભૂલ થઈ ગઈ. તેઓ બ્રિજ પર ડમ્પર અને થાર કારનો થયેલો અકસ્માત જોવા ગયા હતા. પળભરમાં તથ્ય પટેલની જેગુઆર યમરાજ બની આવી હતી અને નવ લોકો પર કાળચક્ર બની ફરી વળી હતી, જેમાં મિઝાન અને અલમતાઝ ઈજાગ્રસ્ત થયા હતા.

મિઝાન સારંગપુર બ્રિજ પાસેની નાની ગલીમાં આવેલી એક ચાલીમાં રહે છે. તેમના ઘરમાં એક જ રૂમ જોવા મળી, રૂમમાં પણ એક પલંગ હતો, જે હાલ સારવાર લઈને ઘરે આવેલા મિઝાનને આપ્યો છે, રૂમમાં એક સોફો છે અને એસીની પણ વ્યવસ્થા છે. ઘરમાં તેમની પાસે જેટલી પણ સગવડો છે એ બધી મિઝાનને આપી છે.

પરિવારજનો પણ એ જ ચાલીમાં રહે છે : મિઝાનના પિતા અને ભાઈ સોફા પર બેઠા હતા. તેમનાં માતા, કાકી, કઝિન ભાઈ નીચે બેઠાં હતાં અને બધા ચા પી રહ્યાં હતાં. મિઝાને પણ ત્યારે ચા પીધી હતી. ત્યાર બાદ સોફા પર મિઝાનનાં માતા-પિતા અને ભાઈ બેઠાં હતાં તેમજ કાકી એક ખુરસી પર બેઠાં હતાં. તેમના અન્ય

‘હું તો થારનો ફોટો પાડવા ગયો તો’ : મિઝાને જણાવ્યું હતું કે 19 જુલાઈએ મારા મિત્ર સૈયદ અમજાની કાર સિંધુભવન રોડ પર પંચર થઈ ગઈ હતી, આથી તેને લેવા હું સિંધુભવન રોડ ગયો હતો. મારી સાથે મારા મિત્ર સૈયદ અમજા અને અલતમાઝ કુરેશી હતા. અમે મોડી રાત્રે સારંગપુર પરત ફરી રહ્યા હતા, ત્યારે લગભગ 12:50થી 1:00 વાગ્યાની વચ્ચે જ્યારે અમે ઈસ્કોન બ્રિજ પહોંચ્યા ત્યારે ત્યાં અમે થાર ગાડીનો અકસ્માત જોયો. બસ પછી તો ત્યાં જ મિત્રો સાથે મદદ કરવા પહોંચી ગયા. હજી તો કંઈ વિચાર કરીએ ત્યાં તો ઓચિંતી કાર આવી ચડી ને અમને ફંગોળી નાખ્યા.

જોતજોતાંમાં ભયંકર અકસ્માત થઈ ગયો : મિઝાને વધુમાં જણાવ્યું હતું કે કાર એટલી બધી ઓવરસ્પીડમાં હતી કે અમને કઈ ખબર જ ન પડી અને જોતજોતાંમાં ભયંકર અકસ્માત થઈ ગયો. હું પોતે કારની નીચે આવી ગયો અને અમજાએ મને અને મારા મિત્રને માંડ માંડ બચાવ્યા હતા. ત્યાર બાદ હોસ્પિટલ લઈ ગયો. ત્યાં હું ચાર દિવસ બેભાન રહ્યો અને 23 જુલાઈના રોજ હું ભાનમાં આવ્યો. અમે અલતમાઝને યાદ કરીએ છીએ, પરંતુ અકસ્માત બાદ અમે સંપર્કમાં નથી. તેને ખૂબ માનસિક આઘાત લાગ્યો છે.

હવે હું આગળ ક્યારે ભણી શકીશ એ ખબર નથી: અંતમાં મિઝાન એટલું જ બોલ્યો હતો કે હું દસમું પાસ છું. મારે 12માં ધોરણ માટે એડમિશન લેવું હતું. મારે સાયન્સમાં જવાની ઈચ્છા હતી અને એના માટે ફોર્મ ભરવાનું હતું, પણ ફોર્મ ભરાય એ પહેલાં તો મારો અકસ્માત થઈ ગયો અને હવે ખબર નહીં આગળ ક્યારે ભણી શકીશ.

કાર પાર્ક કરી અકસ્માત જોવા ગયાઃ સૈયદ અમજા : મિઝાન ભાડબુંજાના મિત્ર સૈયદ અમજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે અમે જ્યારે ઈસ્કોન બ્રિજ પર આવ્યા ત્યારે થારનો અકસ્માત જોયો અને કારને પાર્ક કરી સામે અકસ્માત જોવા ગયા. થોડીવારમાં જેગુઆર ગાડી આવી ને બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. અકસ્માત થયો ત્યારે લગભગ 40થી 50 લોકો ઘટનાસ્થળે હાજર હતા. તેમાંથી ઘણા બચી ગયા તો ઘણાને કારે કચડી નાખ્યા. અકસ્માતમાં બન્ને મિત્રો ઈજાગ્રસ્ત થઈ ગયા અને સૈયદ અમજાએ 108માં ફોન કરી બન્નેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. જે બાદ પરિવારને ફોન કરીને અકસ્માતની માહિતી આપી હતી

રાત્રે લગભગ 1:30 વાગ્યે પરિવારજનોને અકસ્માતની જાણ થઈ : અકસ્માત થયા બાદ સૈયદ અમજાએ 1:30 વાગ્યાની આસપાસ મિઝાનની માતા રેહાના બાનુને ફોન કરી અકસ્માતની જાણકારી આપી, ત્યારે મિઝાનનો મોટો ભાઈ નોમાન ઈરફાન ભાડમુંજા અને કઝિન ભાઈ સરફરાઝ શેખ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, પણ ત્યાં જોઈએ એવી સારવાર ન મળી. એટલે તેને અસારવા સિવિલ લઈ ગયા. અન્ય પરિવારજનો પણ સીધા અસારવા સિવિલ જ પહોંચ્યાં હતાં, જોકે ત્યાં પણ તેની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નહોતો અને રેહાના બાનુએ જણાવ્યું, ડોક્ટરે તેમને કહ્યું હતું કે મિઝાન જીવી નહીં શકે, એ સાંભળી તેમને ખૂબ જ દુઃખ થયું અને તેમને કંઈ જ સૂઝતું નહોતું.

હાલમાં ડોક્ટરે 6 મહિના આરામ કરવાનું કહ્યું છે : માત્ર એક જ વસ્તુ તેમના મનમાં હતી કે કંઈપણ કરીને તેમના છોકરાને બચાવવો છે, એટલે તેઓ તાત્કાલિક રાજેન્દ્ર પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલ લઈ ગયા, પણ ત્યાં પણ જોઈએ એવી ટ્રીટમેન્ટ ન મળતાં કોમર્સ છ રસ્તા પર આવેલી ચિયર્સ હોસ્પિટલ લઈ ગયા, ત્યાં તેની સારવાર શરૂ થઈ, વારંવાર એક્સ-રે અને MRI થતાં તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. આમ છતાં સારવાર ચાલુ રાખી પગનું ઓપરેશન કરાવ્યું અને પ્લેટ બેસાડી. ઉપરાંત બંને પગમાં કુલ 3 ફ્રેક્ચર હતાં તેમજ માથામાં પણ ઈજા થઈ હતી. તેને શરીર પર પણ ઈજાઓ થઈ હતી. મગજમાં પણ ઈજા થવાને કારણે ઘણીવાર માનસિક તકલીફો પણ આવી હતી, પરંતુ તેની સારવાર કર્યા બાદ હવે થોડી હાલત સારી છે. હાલમાં ડોક્ટરે 6 મહિના આરામ કરવાનું કહ્યું છે.

સૌજન્ય – દિવ્યભાસ્કર.કોમ

You cannot copy content of this page