Only Gujarat

Gujarat

નહાવા પડેલા ચાર બાળકોમાંથી ત્રણના ડૂબવાથી મોત, લાશો તણાઈને બીજા ગામ કાદવમાં મળી

સુરતમાં ફરી બની કરૂણાંતિકા, જેમાં તાપી નદીમાં નહાવા પડેલા નેપાળી પરિવારના ચાર પૈકી ત્રણ બાળકોના મોત થતાં હાહાકાર મચી ગયો. પોતાના વહાલસોયાની લાશ જોઈને નદી કિનારે નેપાળી પરિવારે એવો કલ્પાંક કરી મુક્યો કે તે સમયે હાજર લોકોની આંખો ભીંજાઇ ગઇ.

આ અંગેની વિગત એવી છે કે, બુધવારનો દિવસ સુરતના પારલે પોઈન્ટ વિસ્તારમાં રહેતા નેપાળના વતની થાપા અને વિશ્વકર્મા પરિવાર માટે સંતાનો ગુમાવવાની પીડા લઈને આવ્યો. આ પરિવારના બે દીકરાઓ અને બે દીકરીઓ મળીને ચાર બાળકો ઉંમરગામમાં આવેલી તાપી નદી કિનારે રમતા હતા. તેઓ રમતા-રમતા નદી પાસે આવી પહોંચ્યા હતા. તે સમયે નહાવાની ઇચ્છા થતાં તમામ નદીમાં ઉતર્યા હતા. પરંતુ અંબાજી મંદિર પાછળ તાપી નદીમાં ભરતી આવતા તમામ પાણીમાં તણાઈ ગયા હતા.

જે પૈકી થાપા પરિવારના પુત્ર-પુત્રીની લાશ ઉમરાગામ, દમણ ફળિયા નજીક નદી કિનારે કાદવમાંથી મળી આવી હતી. જ્યારે વિશ્વકર્મા પરિવારની પુત્રીનો મોડી સાંજે સુધી નદીમાં કોઈ પત્તો લાગ્યો નહોતો. જ્યારે એક બાળકનો બચાવ થયો હતો. વિશ્વકર્મા પરિવારના પુત્રને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો અને તેના ઘરે પહોંચ્યાં બાદ આખી ઘટના સામે આવી હતી. રમતા-રમતા નદી કિનારે પહોંચેલા ચારેય બાળકો કાદવમાં લસરપટ્ટી કરવા જતા આ કરુણાંતિકા સર્જાઈ હોવાનું ઉમરા પોલીસનું માનવું છે. જ્યારે આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

મૂળ નેપાળના વતની પ્રેમસિંહ માનસિંહ થાપા પરિવાર સાથે પારલે પોઈન્ટ, સરગમ શોપિંગ સેન્ટર પાછળ આવેલા સુંદરમ એપાર્ટમેન્ટમાં વોચમેનની રૂમમાં રહે છે. પ્રેમસિંહને સંતાનમાં ચાર બાળક સુનિતા (10), પ્રદિપકુમાર (8), પ્રિયંકા (6) અને આર્બી (3) છે. બુધવારે બપોરે સુનિતા અને પ્રદીપકુમાર કમિશનર બંગલા પાસે આવેલા સપ્તશ્રી એપાર્ટમેન્ટમાં રહેતા પ્રેમસિંહના સંબંધી પુરન વિશ્વકર્માની પુત્રી નિરુ (12) અને પુત્ર રાહુલ (7) રમતા-રમતા અંબાજી મંદિરની પાછળ તાપી નદી કિનારે પહોંચ્યાં હતા.

દરમિયાન ચારેય બાળકો નદીના પાણીમાં તણાઈ ગયા હતા. ત્યાં હાજર લોકોએ રાહુલને બહાર બચાવી લેતા તેણે ઘરે આવીને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ આખો મામલો ઉમરા પોલીસ અને ફાયર બ્રિગેડ સુધી પહોંચ્યો હતો. બનાવને પગલે ડીસીબી વિધી ચૌધરી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકો પણ નદી કિનારે ઉમટ્યા હતા. તે સમયે નેપાળી પરિવારના સભ્યોનું કલ્પાંત જોઈને ઉપસ્થિત લોકોની આંખોમાં પણ પાણી ભરાઇ ગયા હતા.

You cannot copy content of this page