Only Gujarat

Gujarat

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેગુઆર કારના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

જેગુઆર કારનું રિપોર્ટ આવ્યા બાદ તથ્યની માનસિકતા છતી થઈ છે. આ સમગ્ર રિપોર્ટની અંદર કારનું એક્સિલેટર ફુલ સ્પીડે દબાયેલું હતું એવું સ્પષ્ટ થયું છે, એટલે કે કાર જ્યારે બ્રિજ ઉપર હતી ત્યારે 137 કિમી પ્રતિ કલાકની ઝડપે હતી. જ્યારે 108 કિમીની સ્પીડે કાર ભટકાતી-ભટકાતી લોક થઈ ગઈ હતી. તથ્ય પટેલે કારને બ્રેક મારવાનો પ્રયાસ કર્યો નહોતો, એવું પણ જેગુઆર કારના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે. જેગુઆર કારનો રિપોર્ટ તથ્યની ગુનાહિત માનસિકતા, એટલે કે કારને અકસ્માત સુધીના સમયની કારની સ્થિતિ જેગુઆરના રિપોર્ટમાં સ્પષ્ટ થઈ છે, જે આ કેસની તપાસમાં નવો વળાંક લાવી શકે છે.

જેગુઆર કારનો UKથી રિપોર્ટ આવ્યો
ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં. આ સમગ્ર અકસ્માત દરમિયાન કારની કેટલી સ્પીડ હતી, એ જાણવા માટે અલગ-અલગ એજન્સીઓની મદદ લેવામાં આવી હતી, જેમાં હવે જેગુઆર કારનો યુકેથી રિપોર્ટ આવી ગયો છે. એ રિપોર્ટની અંદર અકસ્માત પહેલાં કારની સ્પીડ 137 પ્રતિ કલાક હતી, જ્યારે કાર લોકો સાથે અથડાઈ ત્યારે એની સ્પીડ રોકાતાં રોકાતાં 108 પ્રતિ કલાક થઈ હતી અને કાર ત્યાર બાદ લોક થઈ ગઈ હતી.

કાર ઓટોમેટિક બ્લોક થઈ હતી
આ અકસ્માતમાં કારના રિપોર્ટમાં એવું સત્ય પણ સામે આવ્યું છે કે કાર જ્યારે તથ્ય ચલાવી રહ્યો હતો ત્યારે એનું એક્સિલેટર પૂરું દબાયેલું હતું. એટલું જ નહીં, કારનો અકસ્માત થયો ત્યારે અને એ પહેલાં પણ બ્રેક પર પગ મૂકવામાં આવ્યો નહોતો. કાર ઓટોમેટિક બ્લોક થઈ હતી. કારના અકસ્માત બાદ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે કારની વિઝિબિલિટી સ્પષ્ટ હતી. કારની બ્રેકિંગ સિસ્ટમ પણ બરાબર કાર્યરત હતી.

બીજીવાર પોલીસે રિમાન્ડની માગ ન કરી
3 દિવસના રિમાન્ડ પૂરા થતાં આજે (24 જુલાઈએ) પણ ખીચોખીચ ભરેલા કોર્ટ રૂમમાં પોલીસે કોરિડોર બનાવીને આરોપીને હાજર કર્યો હતો. પોલીસ-જાપતામાં આરોપીને કોર્ટ રૂમની પાછળના ભાગે આવેલા કઠેડામાં બેસાડાયો હતો. જોકે પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતાં તેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. તથ્ય તેના પિતા સાથે સાબરમતી જેલમાં છે.

You cannot copy content of this page