Only Gujarat

Gujarat

માસ્ક પાછળ ખોટા ખર્ચા કરતાં પહેલાં હકીકત જાણી લો, ખુદ સરકારે આપવી પડી સલાહ

કાળમુખા કોરોનાથી બચવા માટે હાલ રસી ઉપલબ્ધ નહીં હોવાથી માસ્ક અને સોશિયલ ડિસ્ટંસ સૌથી સરળ વિકલ્પ ઉપલબ્ધ છે. લોકો વિવિધ પ્રકારના માસ્ક પહેરીને કોરોનાને દૂર રાખવા માટે કોશિશ કરતા હોય છે. જેમાં ફિલ્ટર અને વાલ્વવાળા માસ્કનો ઉપયોગ પણ કેટલાય લોકો કરતા હોય છે. પણ કાતિલ કોરોનાને અટકાવવા માટે વાલ્વવાળા N-95 માસ્ક કરતા 2 રૂપિયાનું માસ્ક વધુ અસરકારક છે. તેથી જ સરકારે વાલ્વવાળા માસ્ક નહીં પહેરવા લોકોને અપીલ કરી છે.

વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોનાના ચેપથી બચવા માટે કોઈ રસી પણ હાલમાં ઉપલબ્ધ નથી. સંક્રમણથી બચવા માટે માસ્ક જ સૌથી સરળ ઉપલબ્ધ વિકલ્પ છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે લોકો વિવિધ પ્રકારના ફિલ્ટર કે વાલ્વવાળા માસ્કનો પણ ઉપયોગ કરતા હોય છે. જો કે, આરોગ્ય વિભાગો જણાવ્યું છે કે આવા માસ્ક કોરોનાગ્રસ્ત વ્યક્તિ પહેરે તો વિષાણુંઓ સામે પૂરતું રક્ષણ આપતાં નથી, તેથી આવાં માસ્ક પહેરવા હિતાવહ નથી.

આવા માસ્ક મામલે રાજ્ય સરકારે તમામ વિભાગોને લેખિત આદેશ કર્યો છે. જેમાં ફિલ્ટર કે વાલ્વવાળા માસ્ક નહીં પહેરવાનું કહેવામાં આવ્યું છે. આ પાછળનું કારણ એવું છે કે આવા માસ્ક કોરોના સામે રક્ષણ નથી આપતા. જેથી સાદા (જે અમૂલ ડેરીના પાર્લર પર 2 રૂપિયામાં મળી રહે છે) તેમજ કાપડના માસ્કનો ઉપયોગ કરવો જોઈએ તેમજ કાપડના માસ્કને પણ રોજ પાંચ મિનિટ સુધી ઊકળતા પાણીમાં ધોવા જરુરી છે.

શરૂઆતથી એવું માનવામાં આવતું હતું કે, N-95 માસ્ક સૌથી સલામત છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે વાલ્વવાળા તેમજ N-95 માસ્ક કોરોના સામે રક્ષણ પૂરું પાડતાં નથી. બાદમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ આને લગતી માર્ગદર્શિકા જારી કરી હતી. નિષ્ણાતોએ ઘરે સુતરાઉ કાપડના ટૂ-થ્રી લેયર માસ્ક પણ સલામત જાહેર કર્યા છે. એનો ફરી ઉપયોગ ધોઈને કરી શકાય છે. જોકે, વારંવાર તેનો ઉપયોગ કરી શકાતો નથી.

કોરોનાથી બચવા માટે નાગરિકો જ્યારે પણ બહાર નીકળે ત્યારે અવશ્ય માસ્ક પહેરે, બહારથી આવીને સાબુથી હાથ ધોવા, સેનિટાઇઝરનો પણ ઉપયોગ કરે તો ચોક્કસ તેઓ પોતે અને તેમના પરિવારને સંક્રમણથી બચાવી શકશે. વાલ્વ કે ફિલ્ટરવાળાં માસ્કનો ઉપયોગ ન કરવા માટે લોક જાગૃતિ ફેલાય એ માટે આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન તરફથી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે નાગરિકોને પણ યોગ્ય તકેદારી રાખીને આવાં માસ્કનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે.

You cannot copy content of this page