Only Gujarat

Gujarat

બસે જોરદાર ટક્કર મારતાં કાર ભાંગીને થઈ ગઈ ભુક્કો, ડૉક્ટરનું સીટ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયું

જૂનાગઢના વાડલા ફાટક પાસે કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શાપુરના મેડિકલ ઓફિસરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે ખાનગી બસના ડ્રાઇવર સહિત આઠને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા તબીબ ખૂબ નામના ધરાવતા હતા અને તેમના નિધનથી તબીબ આલમ સહિત આમ જનતામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે વંથલી હાઇવે પર ગત સાંજના ભોલેનાથ ટ્રાવેલ્સની મિની બસ નં. જીજે 11ટીટી 2850 જુનાગઢથી વેરાવળ જઈ રહી હતી. ટ્રાવેલ્સના ચાલકે બેફામ રીતે પુરઝડપે વાહન હંકારતા સામે તરફથી આવતી આઇ ટેન કાર નં. જીજે 11 વીએમ 9153ને જોરદાર ટક્કર મારી હતી. આ કારમાં શાપુરથી પોતાની નોકરી પુરી કરીને આવી રહેલા મેડિકલ ઓફિસર રવિ ગુલાબદાસ ડઢાણીયા (ઉ.વ.33) ઘરે આવી રહ્યા હતા.

લોકોનો જીવ બચાવનાર આ તબીબને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે સામેથી આવી રહેલી બસ તેમના માટે કાળ બની રહેવાની છે. વાડલા ફાટક પાસેના ગીરીરાજ હોટલ પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસ કાર ઉપર ચડી જતા કાર ફંગોળાઈ ગઈ હતી. એટલું ઓછું હોય તેમ તેની ઉપર બસ પણ ખાબકતા ડો.રવિ ડઢાણીયાનું ત્યાંને ત્યાં જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

કારના પતરા ચીરીને તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જયારે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમના મોતના સમાચારથી શાપુરના લોકોને આંચકો લાગ્યો હતો. વેપારીઓએ બપોરે ધંધા-રોજગાર બંધ રાખી તબીબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મૃતક ડોક્ટર વંથલીના શાપુર ગામે પ્રાઇમરી હેલ્થ સેન્ટર (PHC) ફરજ બજાવતા હતા અને પોતાના સ્વભાવ અને તબીબી સેવાને લઈને આ વિસ્તારમાં ખૂબ નામના મેળવી હતી.

બીજી તરફ બસમાં બેઠેલા ડ્રાઇવર અરજણ ભુરાભાઇ (ઉ.વ.ર6) રે. ભડુરી(માળીયા) આદ્રીના અમરભાઇ નગાભાઇ (ઉ.વ.4પ) કેશોદના મોયાણાના રહીશ ખીમાનાથ અને દુદા પુંજા સહિત આઠેક વ્યકિતઓને ઇજા થઈ હતી. તો કેશોદના એક મુસાફરના એક હાથના આંગળા તૂટી ગયા હતા. ઘટનાને લઈને રોડની બને સાઈડ એક-બે કિલોમીટર સુધી ટ્રાફ્કિ જામ થઈ જતા પોલીસે આવીને ટ્રાફ્કિ જામ દૂર કરાવ્યો હતો.

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રહેતા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા રવિ ડઢાણીયાને સંતાનમાં નાની એક દીકરી છે. મહત્વનું છે કે જૂનાગઢ-વંથલી હાઇવે પર બેફામ રીતે વાહનો દોડતા જોવા મળે છે. પોલસી અને આરટીઓની બેદરકારી અને ઢીલી નીતિના કારણે માતેલા સાંઢની જેમ ફરતા ખાનગી વાહનો બેકાબૂ બનીને લોકોનો જીવ લઈ રહ્યા છે.

You cannot copy content of this page