Only Gujarat

Gujarat

નર્સે ગર્ભાવસ્થાના સાતમા મહિના સુધી સતત ખડેપગે સેવા આપી, ‘ચતુર્ભુજ દેવી’નું મળ્યું ઉપનામ

વડોદરામાં કોરોના વોરિયરસ તરીકે ફરજ બજાવતા નર્સે એવું કામ કરી બતાવ્યું છે કે તેમને હવે લોકો ત્રિદેવી યોદ્ધા તરીકે ઓળખે છે. આ નર્સ ટેસ્ટ ટ્યૂબ પદ્ધતિથી ગર્ભાવસ્થા થયા અને તે સમયે જ તેમને કોરોનાનો ચેપ લાગ્યો. જો કે અધૂરા માસે તેમણે બાળકીને જન્મ આપ્યો. છતાં હતાશ કે નિરાશ થયા વિના 53 દિવસ બાળકીને હોસ્પિટલમાં રાખી તેની સારવાર કરાવી. એટલું જ નહીં, પોતાનું નવ લિટર ધાવણ બેંકમાં જમા કરાવી આ વીરાંગનાએ સાબિત કર્યું કે નારી ખરા અર્થમાં નારાયણી હોય છે.

આ અંગેની વિગત એવી છે કે વડોદરામાં સયાજી હોસ્પિટલના નર્સ તરીકે ફરજ બજાવતા કાનન સૌરવ સોલંકીએ કોરોના મહામારીમાં કોરોના વોર્ડમાં નિર્ભયતાપૂર્વક દર્દીઓની કાળજી લીધી હતી. તે સમયે તેમણે ટેસ્ટ ટ્યૂબ પદ્ધતિથી ગર્ભ ધારણ કર્યો હતો. પણ દર્દીઓની સેવા કરતા કરતા તેમને કોરોનાનો ચેપ લાગી ગયો. છતાં હિંમત હાર્યા અધૂરા માસે બાળકને જન્મ આપ્યો. કાનનબેન પોતાના બાળકીને ધાવણ આપ્યા પછી વધારાના દૂધનું માતૃ દૂધ બેંકમાં દાન કરે છે.

કોરોના યોદ્ધાની આ કહાની નારી શક્તિની પ્રબળતા, કટોકટીમાં ધૈર્ય ગુમાવ્યા વગર સંઘર્ષ કરવાની અને દરેક કસોટીમાંથી પાર પડવાની ક્ષમતાનો પરિચય કરાવે છે. કાનનબેન સોલંકી સયાજી હોસ્પિટલમાં છેલ્લા 7 વર્ષથી સ્ટાફ નર્સ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેમના પતિ સૌરવ દવા કંપનીમાં નોકરી કરે છે. આ દંપતી લગ્નના વર્ષો થવા છતાં સંતાન સુખથી વંચિત હતું. એટલે તેમણે ટેસ્ટ ટ્યુબ પદ્ધતિની મદદથી માતા-પિતા બનવાનું નક્કી કર્યું. જેમાં કુદરતે સાથ આપતા કાનન બેન સગર્ભા થયા હતા.

માર્ચ મહિનાથી કોરોના મહામારીની કટોકટી શરૂ થઇ, કાનનબેને ઈચ્છ્યું હોત તો મહામૂલા ગર્ભની રક્ષા અને યોગ્ય પોષણ માટે તે રજા લઇ શક્યા હોત અથવા અન્ય બિનજોખમી વોર્ડમાં ફરજ પર જઈ શક્યા હોત. પરંતુ, આ વીર નારીએ દર્દીઓની સેવાને અગ્રતા આપીને કોવિડ વોર્ડમાં જ સેવા કરવાનું સ્વીકાર્યું અને ગર્ભાવસ્થાના સાતમા મહિના સુધી સતત ખડેપગે ફરજ બજાવી અને પોતાના ગર્ભમાં રહેલા બાળકની પણ કાળજી લીધી હતી.
જોકે ફરજ દરમિયાન જ તેઓ ઓગસ્ટમાં તેઓ કોરોના સંક્રમિત થયા. તેવામાં એક અણધારી મુશ્કેલી સર્જાઇ, ગર્ભજળનો સ્ત્રાવ શરૂ થયો. તેમને આ ઘટનાની ગંભીરતાનું ભાન હતું જ.

તેમણે નિષ્ણાત તબીબોની મદદ લીધી. ગાયનેક વિભાગના વડા ડો.ગોખલે અને ડો.સોનાલીની ટીમે સ્થિતિની ગંભીરતા જોઈને અધૂરા માસે શસ્ત્રક્રિયાની મદદથી પ્રસૂતિ કરાવવાનો સમય સૂચક નિર્ણય લીધો. આ સ્થિતિને ખુબ સારી રીતે સમજતી કાનને પોતાના બાળકને બચાવવાના આ એકમાત્ર ઉપાય માટે સહમતી આપી હતી.

ડો.ગોખલે અને ડો.સોનાલીની ટીમે ખૂબ સાવધાની સાથે પ્રસૂતિ કરાવી અને માત્ર 1 કિલો જેટલું વજન ધરાવતી અને ખૂબ નબળી બાળકીનો અધૂરા માસે પણ સલામત જન્મ થયો. આ બાળકીને 15 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. એટલે માતા માટે આ લાડલીને સ્તનપાન કરાવવું શક્ય ન હતું. બ્રેસ્ટ મિલ્ક પંપની મદદથી માતાનું દૂધ વાટકીમાં એકત્ર કરી માસૂમને ધાવણ આપવાનું શરૂ કરવામાં આવ્યું.

કહેવાય છે કે માતાની મમતા અવિભાજીત રહેતી નથી એ પોતાના અને અન્યના સંતાનોમાં માતૃત્વ સતત વહેંચાતી રહે છે. કાનનબેનના કિસ્સામાં પણ એવું જ થયું. એની બાળકીને જરૂર હોય તે કરતા વધુ ધાવણ આવતું હતું. તેથી તેમણે વધારાના દૂધનું સયાજી હોસ્પિટલની માતૃ દૂધ બેંકને રોજરોજ દાન આપવાનું શરૂ કર્યું.આશરે 53 દિવસમાં 9 લિટર જેટલું જેની કોઈ કિંમત ન આંકી શકાય એવું અમૂલ્ય માતૃ દૂધ બેંકમાં જમાં કરાવ્યું. જે માતાની મમતા રૂપે આવા દૂધની જરૂરવાળા નબળા, અધૂરા માસે જન્મેલા બાળકોમાં જીવન શક્તિ રૂપે વહેંચવામાં આવ્યું. આ સાથે કાનનબેન માતાના દૂધની બેંકની સૌથી વધુ ધાવણ દાન આપનારી દાતા બન્યા છે.

 

You cannot copy content of this page