Only Gujarat

Gujarat

જામનગરમાં પોલીસ કર્મીની પત્નીનો આતંક, મહિલાના ઘરમાં ઘુસી હેવાનિયત આચરી

જામનગરમાં ભરબપોરે એક મહિલા તેના ત્રણ વર્ષના દીકરા સાથે ઘરમાં એકલી હતી. તે સમયે પોલીસકર્મીની પત્ની સહિત ત્રણ શખ્સો તેના ઘરમાં ઘુસી આવ્યા. આ શખ્સોએ આડાસંબંધની શંકાથી મહિલા સાથે હેવાનિયત ગુજારી. મહિલાના કપડાં ફાડી નખ્યા. અધમુઓ થઈ જાય તેવો માર માર્યો. બચકા ભર્યા, ધમકી આપી. ચોંકાવનારી વાત એ છે કે મહિલાના શરીર પર તેની સાથે થયેલા જુલમની અનેક નિશાનીઓ સ્પષ્ટ દેખાય છે. છતાં પોલીસ આરોપીઓ સામે પગલાં લેવા તૈયાર નથી. ગુજરાતી અખબાર‘દિવ્ય ભાસ્કર’ની જામનગર ઓફિસે આવીને યુવતીએ વેદના ઠાલવી હતી.

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ આ આખીય ઘટના અંગે મહિલાએ જણાવ્યું કે, મારું નામ શ્વેતા (નામ બદલ્યું છે) છે અને જામનગરમાં રહું છું. ગુરૂવારે બપોરે આશરે અઢી વાગે મારા ઘરની ડોરબેલ રણકી ઉઠી. મારા ઘરમાં સેફ્ટી ડોર હોવાથી મેં જોયું તો એક પુરુષ હતો. તેણે કહ્યું કે, ‘કલેકટર ઓફિસમાંથી તમારા માટે પત્ર આવ્યો છે’ તેથી મેં બારણું ખોલ્યું તો પોલીસ કર્મીના પત્ની સંગીતા, તેનો ભાઈ હર્ષ અને એક અજાણ્યો યુવક સામે હતા. તેઓ જબરદસ્તીથી અંદર ઘૂસી આવ્યા. તેમણે મને ધક્કો મારતા હું ડાઈનિંગ ટેબલ પર પછડાઈ ગઈ. સંગીતા મને લાફા મારવા લાગી અને તું મારા પતિ સાથે સંબંધ રાખે છે એવું કહીને માર મારવાનું ચાલુ રાખ્યું.

એના ભાઈ હર્ષે મારા ત્રણ વર્ષના પુત્રને પોતાની પાસે ખેંચી લીધો એટલે હું લાચાર થઈ ગઈ. દીકરા માટે હું હર્ષના પગમાં પડી આજીજી કરવા લાગી. પણ હર્ષે મને છાતીમાં લાત મારીને પછાડી દીધી, અપશબ્દોનો વરસાદ વરસાવ્યો અને મારા સાથળની બાજુમાં પાટા પણ ફટકાર્યા. બાદમાં તેમણે મારો મોબાઈલ ખેંચી લીધો, એમાંથી અમુક નંબર્સ ડિલિટ કરી નાખ્યા. તે દરમિયાન મારા રસોડામાંથી સંગીતા સાણસી અને દસ્તો લઈ આવી અને માથું ફોડી નાખવાની ધમકી આપી.

એના ભાઈ હર્ષે મારા હોઠ પર બચકું ભર્યું અને કપડાં ફાડી નાખ્યા. મને ખુરશીમાં બેસાડીને કાન પર થપ્પડો વરસાવી. સંગીતાએ મારા કપડા કાઢીને બેડરૂમમાં લઈ જવાનું એના ભાઈને કહ્યું. એટલીવારમાં મારા પિતા ઘરમાં આવી જતા ત્રણેય સીડી ઉતરીને નાસી છૂટ્યા. હું બેહોશ જેવી થઈ ગઈ હતી. એ જ સાંજે એ લોકોએ મારા પિતા અને પતિને સમાધાન માટે બોલાવ્યા હતા. પરંતુ જેમણે ઘરમાં ઘૂસીને આટલો આતંક મચાવ્યો હોય તેની સાથે હું સમાધાન કેવી રીતે કરી શકુ ?

મેં ફરિયાદ નોંધાવી દીધી છે પણ, 72 કલાક પછી પણ પોલીસે હજુ આરોપીઓની ધરપકડ કરી નથી. મારા પર હુમલો કરનારી સંગીતાનો પતિ પોલીસમાં છે કદાચ, પોલીસ એટલે જ યોગ્ય તપાસ કરતી નથી. આડાસંબંધની ખોટી શંકાથી અડધો કલાક જે રીતે મહિલા સાથે આતંક ગુજારવામાં આવ્યો તેનાથી લાગી રહ્યું છે કે જામનગરમાં પોલીસ જેવું છે જ નહીં. જે નેતાઓ વારંવાર નારી શક્તિ અને નારી સશક્તિકરણની વાતો કરે છે તેઓ મહિલાને ન્યાય અપાવવા માટે આગળ આવશે ખરા ?

You cannot copy content of this page