Only Gujarat

Gujarat

પિલર સાથે અથડાતા પલ્ટી ખાઈ ગઈ સ્કોર્પિયો, વળી ગયું પડીકું, અરેરાટીભર્યો બનાવ

હિંમતનગર-શામળાજી હાઈવે પર મોડી રાતે બનેલી અકસ્માતની ગોજારી ઘટનામાં ત્રણ લોકોના મોત થયા. જેમા સ્કોર્પિયો જીપ રોડની બાજુના પિલ્લર સાથે અથડાઇને પલટી ખાઇ જતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મોતને ભેટલા તેમજ ઇજાગ્રસ્ત તમામ લોકો અમદાવાદના અમરાઇવાડીના રહીશો છે.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર શામળાજી હાઇવે પર બુધવારે રાત્રે પોણાદસેક વાગ્યાની આસપાસ એક એવો ગમખ્વાર અકસ્માત સર્જાયો કે ત્રણ લોકો કાળનો કોળિયો બની ગયા. બન્યું એમ કે, શામળાજી તરફથી હિંમતનગર તરફ આવી રહેલી સ્કોર્પિયો નં જીજે-27-એપી-4486 રોડ સાઈડના પિલર સાથે ધડાકાભેર અથડાઇ. જોરદાર ટક્કરના પગલે જીપ પલટી ખાઈ ગઈ. પરિણામે તેમાં અંદર બેઠેલા છ મુસાફરને ગંભીર ઇજાઓ થઈ હતી.

તે પૈકી ત્રણ જણાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ગાંભોઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ત્રણ ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફત હિંમતનગર સિવિલમાં ખસેડ્યા હતા. જ્યારે ત્રણ મૃતકોના મૃતદેહ ગાંભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા બાદ તેમનાં પરિવારજનોને જાણ કરી હતી. જેને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.

સ્કોર્પિયોના ડેશબોર્ડ પરથી પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી હતી. મૃતકોનાં નામ કમલેશ ભૂસર, ધર્મેન્દ્ર વર્મા અને પપ્પુ મામા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો અમદાવાદના અમરાઇવાડીના રહીશ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ અકસ્માતને પગલે થોડા સમય માટે હિંમતનગર-શામળીજી હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.

જો કે ક્રેઇનથી ગાડી ખસેડ્યા બાદ પોલીસે ટ્રાફિક સંચાલનને યોગ્ય બનાવ્યો હતો.

You cannot copy content of this page