Only Gujarat

FEATURED National

PPE કિટ ને જીવનસાથીનો સંગાથ, નવપરિણીત ડોક્ટર દંપતી આમ લડી રહ્યું છે કોરોના સામેનો જંગ

નવી દિલ્હી: ઈશાન અને રશ્મિના લગ્ન 4 મહિના અગાઉ થયા હતા. અન્ય નવપરિણીત કપલની જેમ તેમણે પણ કામકાજથી દૂર રહી એકબીજાને સમજવા અને સાથે ફરવા માટે હનિમૂનની યોજના બનાવી રાખી હતી પરંતુ ભાગ્યમાં કંઈક અલગ લખાયેલું હતું. અચાનક દેશમાં કોરોનાની એન્ટ્રી થઈ અને દિલ્હીના લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં કામ કરતા આ ડૉક્ટર કપલ PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ) કિટ પહેરી કામમાં જોડાઈ ગયું.


જીવનના સ્વપ્નો પૂર્ણ કરવાની યોજના હાલ સ્થગિત કરી છે પરંતુ કોરોના દર્દીઓનો જીવ બચાવવાની ડૉક્ટરી ફરજ તેમની વચ્ચે અડચણરૂપ બની શકી નથી. તેઓ આ પડકારજનક સમયમાં સંબંધોની નવી વ્યાખ્યા લખી રહ્યાં છે. જ્યાં એકબીજા માટે વિશ્વાસ, કેરીંગની સાથે સ્થિતિ સુધરવાની આશા પણ છે.

કોરોનાથી બચવા ડૉક્ટર્સે પીપીઈ પહેરવાની જરૂર હોય છે. તેને ઘણી સાવચેતીથી પહેરવી અને ઉતારવી પડે છે. ડૉ. ઈશાન રોહતગી અને ડૉ. રશ્મિ મિશ્રા આ કામમાં એકબીજાની મદદ સારી રીતે કરે છે. કોરોનાની દેશમાં એન્ટ્રી થઈ ત્યારે એલએનજેપી હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટમાં સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર હોવાના કારણે બંનેને કોવિડ-19ની ડ્યૂટી આપવામાં આવી. પરંતુ આ કપલને આ વર્ષે લગ્ન બાદ ઘણા સ્થળોએ ફરવાનું હતું, જે યોજના કોરોનાએ બગાડી નાખી. એલએનજેપી એટલે કે ભારતના સૌથી મોટા કોવિડ-19 હોસ્પિટલમાં કામ કરતા સમયે રશ્મિ અને ઈશાન સંક્રમણના જોખમના કારણે પરિવારથી દૂર એક ગેસ્ટ હાઉસમાં રહે છે.

રશ્મિ અને ઈશાનની ચિંતા એ છે કે તેઓ ક્યાંક એકબીજાને સંક્રમિત ના કરી દે. રશ્મિએ કહ્યું કે, ‘હું પોતાને આ ડ્યૂટીથી અલગ કરી શકી હોત, એમ કહીને કે અમે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યાં છીએ અને પ્રેગ્નન્ટ ડૉક્ટરને ડ્યૂટી પર ના રાખવાનો નિયમ છે.’

ઈશાને સ્વીકાર્યું કે,‘અમે રાજીનામું આપી સાથે રહેવા અંગે વિચાર્યું, પરંતુ અમારું દિલ આ માટે તૈયાર નહોતું.’ બંનેએ જણાવ્યું કે કોરોના એક યુદ્ધ જેવી સ્થિતિ છે અને અમને લાગ્યું કે જ્યારે અમારી સૌથી વધારે જરૂર છે ત્યારે અમે ભાગી રહ્યાં છીએ. બંને એલએનજેપી હોસ્પિટલના એક જ વોર્ડમાં કામ કરે છે. બંનેની વારફરતે 6 અને 12 કલાકની શિફ્ટ હોય છે.

આ દરમિયાન 4-5 કલાક 3 લેયરની પીપીઈ કિટ પહેરી દર્દીઓની દેખરેખ કરવાની હોય છે. પીપીઈના કારણે શરીરમાં કોઈ હવા પાસ નથી થઈ. શરીર ગરમ થઈ જાય છે, એક વોર્ડમાં કામ કરવા ઉપરાંત બંને ડૉક્ટરની શિફ્ટ હંમેશા સાથે નથી હોતી. નાઈટ શિફ્ટ કરી જ્યારે ઈશાન ગેસ્ટ હાઉસ પહોંચે છે ત્યારે રશ્મિ હોસ્પિટલ જવા નીકળતી હોય છે.

ટાઈટ ફિટ હોવાના કારણે 10 મિનિટ બાદ જ પ્રોટેક્ટિવ ચશ્મા ઉપર ઝાકળ જામી જાય છે અને જોવામાં સમસ્યા થવા લાગે છે. પીપીઈના કારણે ચામડી પર પણ અસર થાય છે. આ સમયે ડૉક્ટર પાણી પણ નથી પી શકતા. ફેસ માસ્કના કારણે તેમને એ જ શ્વાસ ફરી લેવો પડે છે, જે તેઓ બહાર કાઢી રહ્યાં છે. ઈશાન કહે છે કે, કોવિડ-19 અગાઉ તેમની 24 થી 36 કલાકની ડ્યૂટી રહેતી હતી અને ઘણીવાર 48 કલાકની. પરંતુ કોવિડ-19ની 6 કલાકની ડ્યૂટી બાદ જ તેમની ઈચ્છા થાય છે કે ફરી અગાઉની જેમ લાંબી શિફ્ટ શરૂ થઈ જાય.

તે કહે છે કે, કોઈ સામાન્ય લક્ષણવાળા યુવકની તબિયત લથડે અને તેને આઈસીયુમાં લઈ ગયા બાદ પણ ના બચાવી શકાય ત્યારે પરિવારજનોને મોતના સમાચાર આપવા ઘણું મુશ્કેલ બને છે.

સંક્રમણના જોખમ સમયે સરકારે ડૉક્ટરોને અલગ-અલગ ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાની સુવિધા આપી છે, ત્યારે તેઓ સાથે ફાર્મહાઉસમાં કેમ રહે છે તે અંગે રશ્મિએ કહ્યું કે,‘કારણ કે અમને નથી લાગતું કે આ સમયે અમારા જીવન અલગ છે. ઈશાનને કંઈ થાય તો હું પીપીઈ પાછળ છુપાઈશ નહીં. હું તેની સાથે રહીશ.’ ઈશાન પણ આ જ વાત કહે છે કે- કોરોના થઈ જાય તો પણ અમે એકબીજાની સાથે રહેવા માગીએ છીએ.

રશ્મિએ કહ્યું કે, ‘અગાઉ દલીલો થતી તો અમે ઘણા દિવસો સુધી વાતો નહોતા કરતા. પરંતુ હવે અમે એકબીજાના ડાયેટ, હેલ્થ અને વધુ સુરક્ષા માટે ચિંતિત રહીએ છીએ. જેના લીધે અમે એકબીજાની નિકટ આવ્યા.’ ખાસ વાત એ છે કે, કોઈ એક કોરોના પોઝિટિવ થાય તો હોસ્પિટલમાં દાખલ થવા પર બીજા સાથી ડૉક્ટરને પોતાના જીવનસાથી પાસે જવાની મંજૂરી મળી શકે છે. આ નાનકડી સુવિધા તેમના ભયમાં ઘટાડો કરવાનું કામ કરે છે. ડરને ઘટાડવાની આ સુવિધા તેમની માટે એક પીપીઈ કિટની જેમ તેમની સાથે રહે છે.

You cannot copy content of this page